Friday, Oct 24, 2025

ગુજરાતના નવસારી સહિત 4 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી

2 Min Read

ગુજરાતમાં ચોમાસું શરૂ થયું ત્યારથી સતત વરસાદ વરસી રહ્યો છે. હજી પણ હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણના જિલ્લાઓના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો થવાની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આજે 10મી જુલાઈના રોજ વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ કરવામાં આવ્યું છે. એટલા માટે 40થી 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં ના જવાની સૂચના આપવામાં આવી છે. આજે અમદાવાદ શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જેના કારણે હળવા વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે. દક્ષિણના જિલ્લાઓમાં 17મી જુલાઈ સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં 10 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટી શકે છે.

છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં સારો એવો વરસાદ નોંધાયો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં સારો એવો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપીના કુકરમુંડામાં 2.40 ઇંચ, નિઝરમાં 2.5 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો મોટાભાગની જિલ્લામાં સારો વરસાદ થયો છે. ગુજરાતમાં સર્વત્ર વરસાદની વાત કરવામાં આવે તો, ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 4.43 ઇંચ વરસાદની જરૂરિયાત હોય છે, તેની સામે ગુજરાતમાં સરેરાશ 11.55 ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારો પ્રભાવિત પણ થયાં છે. પરંતુ ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ હોવાનું લાગી રહ્યું છે.

Share This Article