દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને તેમના રિલાયન્સ ગ્રુપ વિરુદ્ધ પગલાં લેતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શુક્રવારે રૂ. 3000 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં મુંબઇમાં બાંદ્રામાં અબાણીનો પાલી હીલ હાઉસ અને દિલ્હી, નોઇડા, મુંબઇ, ગોવા, પુણે, હૈદરાબાદ અને ચેન્નઇ સહિત અન્ય શહેરોમાં રિલાયન્સ કોમ્યુનિકેશન અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમીટેડના અન્ય ફ્લેટ, પ્લોટ અને કાર્યાલયનો સમાવેશ થાય છે.
આ કેસ કથિત લોન છેતરપિંડી સાથે સંબંધિત છે. અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપે હજુ સુધી આ બાબતે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં હોટેલ રણજીત સ્થિત અંબાણીની ઓફિસ, રિલાયન્સ સેન્ટર, પણ જપ્ત કરાયેલી મિલકતોમાં શામેલ છે.
3,000 કરોડ રૂપિયાની લોન મંજૂર થાય તે પહેલાં જ મળી ગઈ હતી
એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે આશરે 3,000 કરોડ રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરવામાં આવી છે. જોકે, રિલાયન્સ ગ્રુપે પહેલાથી જ આ આરોપોને નકારી કાઢ્યા છે. ED તપાસ આશરે 20 જાહેર અને ખાનગી બેંકોમાંથી લેવામાં આવેલા લોન સાથે સંકળાયેલા 17,000 કરોડ રૂપિયાના કૌભાંડ સાથે સંબંધિત છે.
ED એ પણ શોધી કાઢ્યું કે 2017-19ની વચ્ચે, યસ બેંકે અનિલ અંબાણીની કંપનીઓને ગેરકાયદેસર રીતે લોન આપી હતી, જે પાછળથી અન્યત્ર વાળવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે લોન મંજૂર થાય તે પહેલાં પૈસા બેંક પ્રમોટરોને મોકલવામાં આવ્યા હતા. એવો પણ આરોપ છે કે ઘણી કંપનીઓને શરૂઆતમાં લોન મળી હતી, પરંતુ દસ્તાવેજો પછીથી તૈયાર કરવામાં આવ્યા હતા. કેટલાક એવા કિસ્સાઓ હતા જ્યાં લોન મંજૂર પણ ન થઈ હોય, પરંતુ ભંડોળ અગાઉથી ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.
આ બેંકોનો પણ લોન આપતી બેંકોમાં સમાવેશ થાય છે
યસ બેંક ઉપરાંત, અંબાણીની કંપનીઓને લોન આપતી બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એક્સિસ બેંક, ICICI બેંક, HDFC બેંક, બેંક ઓફ ઈન્ડિયા, UCO બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંકનો સમાવેશ થાય છે. EDની માહિતી અનુસાર, રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ પર રૂ. 8,226 કરોડથી વધુ, રિલાયન્સ હોમ ફાઇનાન્સ પર રૂ. 5,901 કરોડથી વધુ અને રિલાયન્સ કોમ્યુનિકેશન પર આશરે રૂ. 4,105 કરોડનું દેવું છે.