પશ્ચિમ બંગાળમાં ED ફરી એક્શનમાં, બે મંત્રી સહિત ત્રણ TMC નેતાના ઘરે દરોડા

Share this story

પશ્ચિમ બંગાળમાં આજે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કાર્યવાહી કરી છે જેમાં તૃણમુલ કોંગ્રેસ નેતા સુજીત બોસની સાથે ધારાસભ્ય તાપસ રૉયના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા રેશન કૌભાંડ મામલે દરોડા દરમિયાન ઈડીના અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં કેટલાક અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા હતા જેના બાદ રાજકારણ ગરમાયું હતું.

આજે એટલે કે શુક્રવારે વહેલી સવારે કેન્દ્રીય એજન્સીની જુદી જુદી ટીમો કોલકાતા અને ઉત્તર ૨૪ પરગણામાં નીકળી હતી અને લગભગ ૬:૩૦ વાગ્યે એક સાથે દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. મધ્ય કોલકાતામાં બીબી ગાંગુલી સ્ટ્રીટ પર રોયના ઘર, NSCBI એરપોર્ટ નજીક શહેરના ઉત્તર ભાગમાં લેક ટાઉનમાં બોઝના બે ઘરો અને ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં બિરાટીમાં ચક્રવર્તીના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ પહેલા ૫ જાન્યુઆરીએ ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના સંદેશખાલીમાં ED ટીમ પર થયેલા હુમલામાં તેના ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા અને તેમનો સામાન છીનવી લેવામાં આવ્યો હતો.આ હુમલો ત્યારે થયો જ્યારે તે રાજ્યની રાશન વિતરણ વ્યવસ્થામાં કથિત અનિયમિતતાના સંદર્ભમાં દરોડો પાડવા TMC નેતા શાહજહાં શેખના ઘરે ગયો હતો.

EDના અધિકારીએ જણાવ્યું હતું કે, કોલકાતા અને તેની બહારના વિસ્તારોમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઉત્તર ૨૪ પરગણાના સંદેશખાલી અને બોનગાંવમાં એજન્સીની બે ટીમો પર હુમલો થયાના એક સપ્તાહ બાદ જ દરોડો પાડવામાં આવ્યો છે. એપ્રિલ ૨૦૨૩માં કેન્દ્રીય એજન્સીને કથિત અનિયમિતતાઓની તપાસ માટે કલકત્તા હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. આ પછી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ રાજ્યભરની નગરપાલિકાઓમાં કથિત ભરતીના કેસમાં FIR દાખલ કર્યો હતો.

આજે ઈડીએ કથિત મ્યુનિસિપલ કોર્પોરેશન નોકરી કૌભાંડ મામલામાં  પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં નેતાઓના ઘરે વહેલી સવારથી જ દરોડા પાડ્યા છે જે હજુ પણ ચાલુ છે. હજુ થોડા દિવસો પહેલા જ રેશન કૌંભાડ મામલે જ્યારે ઈડીના અધિકારીઓ શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા જઈ રહ્યા હતા ત્યારે શાહજહાંના સમર્થકો દ્વારા અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ હુમલામાં કેટલાક અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મમતા સરકાર પાસેથી રિપોર્ટ પણ માંગ્યો હતો.

અધિકારીઓ પર થયેલા હુમલા બાદ ઈડીએ પશ્ચિમ બંગાળમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને તેમા કહેવામાં આવ્યું હતું કે હુમલાવરો અધિકારીઓને મારવાનો ઈરાદો ધરાવતા હતા, આ ઉપરાંત ઈડીએ પોતાની ચાર્જશીટમાં પણ જણાવ્યું હતું કે હુમલાવરો લાકડીઓ, પથ્થરો તેમજ ઈંટોથી સજ્જ હતા અને અધિકારીઓના મોબાઈલ, લેપટોપ, તેમજ રોકડ પણ છીનવીને લઈ ગયા હતા.

આ પણ વાંચો :-