NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ EDએ દાખલ કર્યો કેસ

Share this story

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સમીર વાનખેડે વિરુદ્ધ ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. EDએ આ મામલે કેસ દાખલ કર્યા બાદ કેટલાક લોકોને સમન્સ પણ પાઠવ્યુ છે. તપાસ એજન્સી આ લોકોની મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ પણ કરશે.

બીજી તરફ ED આ મામલે કેટલાક લોકોની પૂછપરછ પણ કરી ચૂકી છે. જોકે, હાલમાં જે લોકોને સમન્સ પાઠવવામાં આવ્યું છે તેમાંથી કેટલાક લોકો NCB સાથે જેડાયેલા છે. આ ઉપરાંત કેટલાક અન્ય લોકો પણ સામેલ છે જેની પૂછપરછ કરવામાં આવશે. EDએ એ તમામ લોકોને તપાસમાં સામેલ થવા માટે મુંબઈની ED ઓફિસમાં બોલાવ્યા છે. સમીર વાનખેડે બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કર્યા બાદ લાઈમલાઈટમાં આવ્યા હતા.

કસ્ટમ્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ કેડરના ૨૦૦૮ બેચના ભારતીય મહેસૂલ સેવા અધિકારી વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં ED દ્વારા કોઈપણ દંડાત્મક કાર્યવાહી સામે રક્ષણ મેળવવાની માંગ કરી છે. શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ૨ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ કોર્ડેલિયા ક્રુઝ શિપમાં ડ્રગ્સ મળવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આર્યનને નિર્દોષ છોડાવવા માટે લાંચની માંગણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.ત્યારબાદ સમીર વાનખેડેએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેમાં FIR રદ કરવાની સાથે કાર્યવાહીની વચગાળાની સુરક્ષાની માંગ કર હતી. બીજી તરફ હવે આ જ FIRને આધાર બનાવતા EDએ વાનખેડે વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે.

સમીર વાનખેડેએ CBIની FIR વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ સાથે જ કાર્યવાહીથી સુરક્ષાની માંગણી કરી હતી. આવી જ રીતે વાનખેડેએ ED કેસ સામે પણ આવી જ માંગણી કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ED કેસમાં રાહતની માંગ કરતા વાનખેડેએ હાઇકોર્ટ સમક્ષ પોતાની અરજીમાં કહ્યું છે કે વર્ષ ૨૦૨૩માં નોંધાયેલી CBIની FIR અને ECIR પર EDની આ અચાનક કાર્યવાહી વેર અને દ્વેષની નિશાની છે.