The gate collapsed on the road due
- સાળંગપુરમાં ભારે પવનના લીધે બોટાદ જવાના રસ્તે લોખંડનો ગેટ ધરાશાયી થતા વાહન વ્યવહાર અટવાઇ પડ્યો.
સાળંગપુરમાં (Salangpur) ભારે પવનના લીધે ગેટ પડ્યો હોવાની ઘટના સામે આવી છે. સાળંગપુરથી બોટાદ (Botad from Salangpur) જવાના રસ્તે લોખંડનો ગેટ ધરાશાયી થતા વાહન વ્યવહાર અટવાઇ પડ્યો હતો. જેના લીધે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. જો કે, બાદમાં આ મામલે તંત્રને જાણ કરાતા JCBની મદદથી ગેઇટ હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. જો કે, દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઇ.
સૌરાષ્ટ્રમાં જામ્યો છે વરસાદી માહોલ : ભાવનગર અને બોટાદમાં ભારે પવન સાથે વરસાદ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જાણે કે પ્રી-મૉન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ ગઈ હોય એમ ગઈ કાલે અમરેલી, સાવરકુંડલા, લાઠી, ભાવનગર અને પાટણ પંથકમાં વરસાદ પડ્યો હતો. તેમાં પણ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડતાં આસપાસના વિસ્તારોમાં ઠંડકનો માહોલ થઇ ગયો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રની કેટલીક નદીઓમાં નવાં નીર પણ આવ્યાં હતાં.
ગઇકાલે ભાવનગરના જેસર તાલુકામાં બપોરે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. તો જેસરના દેપલા, છાપરિયા, સેરડા સહિતનાં ગામમાં પણ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ગઢડાના ઢસા, બોટાદ, બરવાળા અને ભાલ પંથકમાં પણ વરસાદે રેલમછેલ કરી નાખી હતી. બોટાદમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.
સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્થળે ધોધમાર વરસાદ :
આ સિવાય ગઈ કાલે બપોરે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્થળે ધોધમાર વરસાદ પડ્યો હતો. વંડા, મેવાસા, શેલણાવાશિયાણી સહિતનાં ગામોમાં વરસાદ પડતાં ચારે બાજુ પાણી ભરાઇ ગયા હતાં. આ સાથે સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં પણ વરસાદે એન્ટ્રી મારી હતી. પાટણ જિલ્લાના સાંતલપુર, બોદરા, મનપુરા સહિતના પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદના છૂટાછવાયાં ઝાપટાં પડ્યાં હતાં.