PM મોદીના હસ્તે ગુજરાતને કરોડોના વિકાસ કાર્યોની દિવાળી ભેટ, મહેસાણા-અમદાવાદના ૨ રેલવે પ્રોજેક્ટનો શુભારંભ

Share this story

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજીમાં દર્શને પહોંચ્યા હતા. જે બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં રૂ.૫૯૫૦ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડભોડા ગામમાં યોજાયો હતો. વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (GRIDE), જળ સંસાધન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે.

વિકાસકાર્યો ગુજરાતના મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાને આવરી લે છે. આ તમામ જિલ્લાઓ વચ્ચે કુલ ૧૬ પ્રકલ્પો છે જેમાંથી આઠનું લોકાર્પણ અને આઠ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

મહેસાણા અને અમદાવાદમાં રેલવે વિભાગના બે પ્રકલ્પોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. મહેસાણામાં ન્યૂ ભાંડુથી ન્યૂ સાણંદ સુધીનો વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સેક્શન, ૭૭ કિમી બીજી ઇલેક્ટ્રિફાઇડ ડબલ લાઇન અને સાથે ૨૪ કિલોમીટર લાંબી કનેક્ટિંગ લાઇન્સનું લોકાર્પણ PM મોડીના હસ્તે કરવામાં આવ્યું છે. આ સાથે વિરમગામથી સામખિયાળી સુધીની ૧૮૨ કિ.મી લાંબી રેલવે લાઈનનું બે ટ્રેકમાં વિસ્તરણ કરવામાં આવ્યું તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ટ્રેક અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાને આવરી લેશે. તે સિવાય ગુજરાત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી મહેસાણામાં કટોસણ-બેચરાજી વચ્ચેના ૨૯.૬૫ કિલોમીટર રેલવે પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરાયું છે. આ પ્રોજેક્ટના લીધે માંડલ-બેચરાજી વિશેષ રોકાણ ક્ષેત્રમાં કાર્યરત કંપનીઓને ફાયદો થશે. રેલવે અને GRIDEના પ્રકલ્પોનું કુલ મૂલ્ય રૂ.૫૧૩૦ કરોડ છે.

PM મોદીના હસ્તે મહેસાણામાં વિજાપુર અને માણસા તાલુકાના ડેલ્ટા વિસ્તારમાં વિવિધ તળાવોના રિચાર્જ માટેના કાર્યો અને સાબરમતી નદી પર વાલાસણા બેરેજના નિર્માણ માટેના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત પ્રવાસે આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પાણી પુરવઠાના ત્રણ પ્રકલ્પોનું બનાસકાંઠામાં લોકાર્પણ અને મહેસાણામાં એક પ્રકલ્પનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે  સાબરકાંઠામાં નરોડા-દહેગામ-હરસોલ-ધનસુરા રોડને ફોરલેન કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

અંબાજી મંદિરમાં PMનું સ્વાગત આદિવાસી પરંપરા પ્રમાણે કરવામાં આવ્યું છે. આદિવાસી લોકોના પરંપરાગત નૃત્ય અને ભજન દ્વારા PMનું સ્વાગત કરવામાં આવ્યું હતું. PMના સ્વાગતમાં દાંતાના મંડાલી અને સનાલી લોકો ભાગ લીધો હતો. અંબાજી મંદિરના ચાચર ચોકમાં PMનું સ્વાગત કરાયું હતું.

આ પણ વાંચો :-