“NDA થી નારાજ” પશુપતિ પારસે મોદી કેબિનેટમાંથી આપ્યું રાજીનામું

Share this story

લોકસભા ચૂંટણી ૨૦૨૪માં એનડીએ એલાયન્સમાં પણ બધું સમુસૂતરું નથી. બિહાર એનડીએમાં સીટ વહેંચણીને લઈને લડાઈ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસ રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીને એક પણ બેઠક ન મળવાથી નારાજ હોવાનું કહેવાય છે. પશુપતિ પારસ NDAથી અલગ થયા છે. RLJP અધ્યક્ષ પશુપતિ પારસે કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપવાનું એલાન કરી દીધું છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪માં એનડીએ માટે બિહારમાં NDA દ્વારા સીટ વહેંચણીની જાહેરાત થતાં જ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટીએ પશુપતિ પારસને NDAમાંથી બહાર ફેંકી દીધા છે, કારણ કે તેમની પાર્ટી RLJPને એક પણ સીટ આપવામાં આવી નથી. જ્યારે ચિરાગ પાસવાનની તમામ માંગણીઓ પુરી થઈ હતી.તેમને માત્ર ૫ બેઠકો જ મળી નથી પરંતુ હાજીપુર બેઠક પણ તેમને આપવામાં આવી હતી. હાજીપુર અંગે પારસ સતત દાવો કરી રહ્યા છે કે આ બેઠક તેમની છે અને તે ત્યાંથી ચૂંટણી લડશે.

તેમણે કહ્યું હતું કે મારી અને મારી પાર્ટી સાથે અન્યાય થયો. એક પણ બેઠક નથી આપવામાં આવી. મેં મારું રાજીનામું મોકલી દીધું છે. મેં લગન અને વફાદારીથી NDAની સેવા કરી, પરંતુ મારી સાથે વ્યક્તિગત ન્યાય નથી થયો. આજે પણ હું વડા પ્રધાન મોદીનો અહેમાનમંદ છું. મેં જેટલું બોલવું હતું એટલું બોલી લીધું છે. ભવિષ્યનું રાજકારણ અમે પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે બેસીને વિચારવિમર્શ કરીશું.તેમણે વડા પ્રધાન મોદીને લખેલા પત્રમાં કહ્યું હતું કે હું આપને જાણ કરું છુ કે હું અમુક કારણોસર મંત્રીમંડળમાંથી રાજીનામું આપું છું. એ દરમ્યાન મંત્રી પરિષદના સભ્ય તરીકે મારી પર વિશ્વાસ મૂકવા બદલ તમારો આભાર.

સોમવારે NDAએ બિહાર માટે સીટ શેરિંગની જાહેરાત કરી છે. જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીને ૧૭, જનતા દળ યુનાઈટેડને ૧૬, ચિરાગ પાસવાનની એલજેપીઆરને ૫, જીતનરામ માંઝીની એચએએમ અને ઉપેન્દ્ર કુશવાહાની આરએલએમને એક-એક સીટ મળી છે. જ્યારે પશુપતિ પારસની આરએલજેપીને એક પણ બેઠક મળી નથી.

આ પણ વાંચો :-