ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે (જેઠાભાઈ આહીર) પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું હતું, જેને અધ્યક્ષે તાત્કાલિક સ્વીકાર કરી લીધો છે. આ રાજીનામું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં વિધાનસભા અધ્યક્ષના નિવાસસ્થાને સોંપવામાં આવ્યું હતું.
જેઠાભાઈ ભરવાડે રાજીનામાનું કારણ અન્ય હોદ્દાઓ અને કાર્યોની વ્યસ્તતા ગણાવ્યું છે. તેઓ ઘણી સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને પંચમહાલ ડેરીના ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવે છે. આ ઉપરાંત, તેઓ શહેરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે અને ભાજપના વરિષ્ઠ નેતા તરીકે પાર્ટીના કાર્યોમાં પણ સક્રિય છે.
જેઠાભાઈ ભરવાડ કોણ છે ?
જેઠાભાઈ ભરવાડ ભાજપના વરિષ્ઠ નેતા છે અને શહેરા બેઠક પરથી અનેક વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ 2022માં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા. તેમની સહકારી ક્ષેત્રમાં મજબૂત પકડ છે અને તેઓ અનેક સંસ્થાઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે.જેઠાભાઈ ભરવાડના રાજીનામાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.