બાબા રામદેવ દ્વારા હમદર્દ રૂહ અફઝા પર કરવામાં આવેલી ટિપ્પણી પરનો વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાતો નથી. દિલ્હી હાઈકોર્ટે આ મામલે બાબા રામદેવને કડક ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું કે બાબા રામદેવ કોઈના નિયંત્રણમાં નથી. તે પોતાની દુનિયામાં રહે છે. અગાઉ, કોર્ટે તેમને હમદર્દના રૂહ અફઝા વિરુદ્ધ તેમની વિવાદાસ્પદ શરબત જેહાદ ટિપ્પણી બદલ પ્રથમ દૃષ્ટિએ કોર્ટના તિરસ્કારનો દોષી ઠેરવ્યા હતા.
કોર્ટે અગાઉ તેમને ભવિષ્યમાં હમદર્દ ઉત્પાદનો પર કોઈ નિવેદન જારી ન કરવા કે વીડિયો શેર ન કરવાનો આદેશ આપ્યો હતો. ગુરુવારે ન્યાયાધીશ અમિત બંસલને જાણ કરવામાં આવી હતી કે કોર્ટના ૨૨ એ-લિના નિર્દેશો છતાં, રામદેવે વાંધાજનક નિવેદનો આપતો એક વીડિયો શેર કર્યો છે. ત્યારબાદ જસ્ટિસ બંસલે કહ્યું કે અગાઉના આદેશને ધ્યાનમાં રાખીને, તેમનું સોગંદનામું અને આ વીડિયો પ્રથમ દ્રષ્ટિએ અવમાનના સમાન છે. કોર્ટે કહ્યું કે હવે અવમાનના નોટિસ જારી કરવામાં આવશે.
ન્યાયાધીશ અમિત બંસલે ગુરુવારે કહ્યું કે રર એપ્રિલના કોર્ટના નિર્દેશો છતાં, રામદેવે વાંધાજનક નિવેદનો આપતો એક વીડિયો બહાર પાડયો. તે કોઈના નિયંત્રણમાં નથી. તે પોતાની દનિયામાં રહે છે. માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે હમદર્દ નેશનલ ફાઉન્ડેશન ઈન્ડિયાએ રામદેવ અને તેમની પતંજલિ ફૂડ્સ લિમિટેડ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી અંગે કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આ પહેલા, ૨૨ એપ્રિલે સુનાવણી દરમિયાન, દિલ્હી હાઈકોર્ટે શરબત જેહાદ પર બાબા રામદેવના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ અમિત બંસલે આદેશ જારી કરવાની ચેતવણી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે આનાથી કોર્ટના અંતરાત્માને ઠેસ પહોંચી છે અને તેનું કોઈ વાજબી કારણ નથી. કોર્ટે રામદેવનું પ્રતિનિધિત્વ કરતા વકીલને સૂચનાઓ મેળવવા અને આગામી સુનાવણીમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. 3 એપ્રિલના રોજ, તેમના શરબત બ્રાન્ડનો પ્રચાર કરતી વખતે, યોગ ગુરુ બાબા રામદેવે હમદર્દ કંપનીના શરબત પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
હમદર્દના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તાજેતરમાં પતંજલિના ગુલાબ શરબતનો પ્રચાર કરતી વખતે, રામદેવે દાવો કર્યો હતો કે હમદર્દના રૂહ અફઝામાંથી કમાયેલા પૈસાનો ઉપયોગ મદરેસા અને મસ્જિદો બનાવવા માટે કરવામાં આવ્યો હતો. બાદમાં, રામદેવે પોતાની ટિપ્પણીનો બચાવ કરતા કહ્યું કે તેમણે કોઈ બ્રાન્ડ કે સમુદાયનું નામ લીધું નથી. હમદર્દનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ રજૂઆત કરી હતી કે આ કેસ સમજદારીથી આગળનો છે અને સાંપ્રદાયિક વિભાજન બનાવવાનો કેસ છે.