આંતરરાષ્ટ્રીય નશીલા પદાર્થોની તસ્કરી સામે કડક કાર્યવાહી અંતર્ગત સુરત સિટી ડિટેક્શન ક્રાઇમ બ્રાન્ચ (DCB), ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI), કસ્ટમ્સ વિભાગ તથા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સંયુક્ત રીતે સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી માત્રામાં હાઈડ્રોપોનિક વીડ (હાઈબ્રિડ ગાંજા) સાથે બે આંતરરાષ્ટ્રીય મુસાફરોને ઝડપી લેવામાં આવ્યા છે.
તાઃ૨૨-૧૨-૨૦૨૫ના રોજ સાંજના ૭:૩૦ વાગ્યે, બેંકોકથી સુરત આવી રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નં.IX-263 દ્વારા આગમન કરેલા એક દંપતિને શંકાના આધારે અટકાવવામાં આવ્યા હતા. તેમની ચેક-ઇન બેગેજની સઘન તપાસ દરમિયાન 16 વેક્યુમ-પેક પારદર્શક પોલિથિન પેકેટો મળી આવ્યા હતા, જેમાં લીલા રંગનો પાંદડાવાળો પ્રતિબંધિત નશીલો પદાર્થ હોવાનું બહાર આવ્યું હતું. જપ્ત કરાયેલ પદાર્થનું કુલ વજન ૧૭.૬૫૮ કિલોગ્રામ હતું.
પ્રાદેશિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક પરીક્ષણમાં આ પદાર્થ ગાંજો (કેનાબિસ) હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા કરાયેલા મૂલ્યાંકન મુજબ જપ્ત કરાયેલ નશીલા પદાર્થનું રાજ્યસ્તરીય મૂલ્ય અંદાજે રૂ.૬.૧૮ કરોડ થાય છે, જ્યારે તેની આંતરરાષ્ટ્રીય ગેરકાયદે બજાર કિંમત અંદાજે રૂ.૧૭.૫ કરોડ હોવાનું જાણવા મળ્યું છે.
સુરત સિટી ડિટેક્શન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૂળ તાલીમનાડુના ચેન્નાઈના ૫૫ વર્ષના મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન તથા ૫૩ વર્ષીય રસિયા અબ્દુલ કપૂરની કાયદેસર ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમ્યાન પુરુષ આરોપીએ પ્રતિબંધિત નશીલા પદાર્થની તસ્કરીમાં પોતાની સંડોવણી હોવાની કબૂલાત આપી હતી. સમગ્ર પ્રકરણમાં નશીલા દ્રવ્યો અને માનસિક અસરકારક પદાર્થો અધિનિયમ અંતર્ગત વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કડક દેખરેખ રાખી નશીલા પદાર્થોની તસ્કરી સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.