ગુજરાતમાં કોરોનાના કેસ ધીર-ધીરે વધી રહ્યા છે અને ગઈ કાલે સાંજે ચાર વાગ્યા સુધીમાં બીજા વધુ ૯૫ કેસ નોંધાતાં ગુજરાતમાં કોરોનાના ઍક્ટિવ કેસ 397 થયા છે. બીજી તરફ અમદાવાદમાં ગઈ કાલે 18 વર્ષની કોવિડ પૉઝિટિવ કિશોરીનું મોત થયું હતું. અમદાવાદમાં કોરોનાને કારણે બે દિવસ પહેલાં અમદાવાદની 47 વર્ષની એક મહિલાનું પણ મોત થયું હતું.
દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સોમવાર સુધીમાં કોરોનાના સક્રિય કેસ વધીને 3961 થયા છે. આ વર્ષે ચેપને કારણે મૃત્યુ પામેલા કુલ લોકોની સંખ્યા ૩૨ થઈ ગઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર પાછલા દિવસોની તુલનામાં સક્રિય દરદીઓની સંખ્યામાં 203નો વધારો થયો છે, જ્યારે આ સમયગાળા દરમ્યાન 4 લોકોનાં મોત થયાં છે.
રાજ્યમાં કોરોનાના કેસને મામલે અમદાવાદ એપિસેન્ટર બની ગયું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં અત્યાર સુધી કોરોનાના 270 કેસ નોંધાઈ ચૂક્યા છે. શહેરમાં 197 દર્દીઓ કોરોનાની હાલ સારવાર હેઠળ છે. ઝોન પ્રમાણે જોવામાં આવે તો ઉત્તરપશ્ચિમમાં સૌથી વધુ 61, પશ્ચિમ ઝોનમાં 53, દક્ષિણપશ્ચિમ ઝોનમાં 37કેસ નોંધાયા છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાના 3 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 44 વર્ષીય, 74 વર્ષીય પુરુષ અને 8 માસની બાળકીનો સમાવેશ થાય છે. જેમાંથી 8 માસની બાળકી છેલ્લાં ચાર દિવસથી ઓક્સિજન હેઠળ છે.