આવતીકાલથી શાળા પ્રવેશોત્સવની ઉજવણી વચ્ચે સૌરાષ્ટ્રમાં કોરોના વકર્યો, 7 વર્ષના બાળક સહિત 16 લોકો સંક્રમિત

Share this story

Corona erupts

  • રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ફરીવાર કોરોનાના કેસો વધી રહ્યાં છે એવામાં 7 વર્ષના બાળક સહિત 16 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચડ્યાં છે.

આવતીકાલથી સ્કૂલોમાં શાળા પ્રવેશોત્સવની (School Entrance Ceremony) ઉજવણી શરૂ થશે તો એવામાં બીજી તરફ રાજ્યમાં કોરોનાનું સંકટ વધુ ઘેરું બનતું જાય છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં (Saurashtra) ફરીવાર કોરોનાના કેસો વધી રહ્યાં છે. 7 વર્ષના બાળક સહિત 16 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. રાજકોટમાં (Rajkot) અમેરિકાથી (America) પરત આવેલા 3 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. બીજી બાજુ જામનગરમાં (Jamnagar) ખંઢેરી સ્ટેડિયમમાં મેચ જોઈને આવેલા તબીબને પણ કોરોના થયો છે.

ઉલ્લેખનીય છે કે,  એક તરફ જ્યાં તાજેતરમાં જ ઉનાળુ વેકેશન પૂર્ણ થતા રાજ્યમાં સ્કૂલો ફરીથી ધમધમવા લાગી છે. એવામાં રાજકોટમાં ફરીવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. સ્કૂલોમાં બાળકોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) બી.એસ. કૈલા દ્વારા તાજેતરમાં જ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ તમામ સરકારી અને ખાનગી શાળાઓને કડક આદેશ આપવામાં આવ્યો છે. જેમાં શાળામાં આવતા દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે. જો સ્કૂલ દ્વારા આ બાબતે ઢીલાશ દાખવવામાં આવશે તો કડક કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ અપાયો છે.

શાળામાં સંક્રમણ ન ફેલાય તે માટે નિર્ણય લેવાયો : DEO

આ અંગે બી.એસ. કૈલાએ જણાવ્યું કે, રાજકોટ જિલ્લામાં ધીમી ગતિએ કોરોનાના કેસો વધી રહ્યાં છે. ત્યારે શાળાઓમાં કોરોનાનું સંક્રમણ ન વધે એ માટે અને બાળકોની સલામતિને ધ્યાનમાં લઇને જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરીને આવવું તેવી સૂચના અપાઇ છે. જિલ્લાની તમામ શાળાઓના સંચાલકોએ પણ શાળામાં SOPનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.