રાષ્ટ્રપતિની ચૂંટણી : યશવંત સિન્હા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર હોઇ શકે, એક સંકેતથી રાજકીય હલચલ તેજ

Share this story

Presidential election

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન (Former Union Minister) યશવંત સિન્હાએ (Yashwant Sinha) મંગળવારે સવારે એક ટ્વિટ કર્યું છે. આ ટ્વીટથી એવી અટકળોને વેગ મળ્યો છે કે તેમને રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential election) માટે વિપક્ષના ઉમેદવાર તરીકે હોઇ શકે. વિપક્ષ તરફથી પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવી શકે છે.

મંગળવારે સવારે તેમની એક ટ્વિટથી આ અટકળોને વધુ વેગ મળ્યો છે. ટીએમસીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે ટ્વિટ કર્યું, “મમતાજીએ મને ટીએમસીમાં જે સન્માન અને પ્રતિષ્ઠા આપી છે તેના માટે હું તેમનો આભારી છું. હવે એવો સમય આવી ગયો છે કે જ્યારે મારે મોટા રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે પક્ષની બહાર મોટી વિપક્ષી એકતા માટે કામ કરવું પડશે. મને ખાતરી છે કે તેઓ આ પગલું સ્વીકારશે.” જ્યારે તેમને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ તેમના ટ્વીટ મામલે વધુ બોલી શકશે નહીં.
યશવંત સિન્હાએ ભારતના નાણા અને વિદેશ મંત્રી તરીકે સેવા આપી છે. હાલમાં તેઓ તૃણમૂલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ છે. તેમણે 2018માં ભાજપ સાથે છેડો ફાડ્યો હતો.તમને જણાવી દઈએ કે હાલમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વિપક્ષી નેતાઓ સાથે વાતચીત કરી રહ્યાં છે.
શરદ પવાર બેઠકની અધ્યક્ષતા કરશે :
ભારતીય જનતા પાર્ટી (BJP) વિરુદ્ધ ગઠબંધનને વધુ મજબૂત કરવાની આશાઓ વચ્ચે, પવાર મંગળવારે 17 વિપક્ષી પક્ષોના નેતાઓ સાથે યોજાનારી બેઠકની અધ્યક્ષતા કરશે. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કોલકાતામાં જણાવ્યું હતું કે કેટલાક વિરોધ પક્ષોએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ યશવંત સિંહાને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત વિપક્ષના ઉમેદવાર બનાવવાનું સૂચન કર્યું છે. જો કે આ પહેલાં પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીએ પદ માટે નામાંકન કરવાનો ઇનકાર કર્યાના એક દિવસ બાદ, રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ચર્ચા કરવા માટે વિપક્ષના નેતાઓ મંગળવારે શરદ પવારના નિવાસસ્થાને બેઠક કરી રહ્યાં છે. અગાઉ પવાર અને નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ દરખાસ્તોને ફગાવી દીધી હતી.
ત્રણ સંભવિત વિપક્ષી ઉમેદવારોએ નામંજૂર કર્યું :
ત્રણ સંભવિત પ્રમુખપદના ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હોવાથી, વિરોધ પક્ષોના નેતાઓ 18 જુલાઈની ચૂંટણી માટે સંયુક્ત ઉમેદવારના નામને અંતિમ રૂપ આપવા માટે મંગળવારે બપોરે ફરીથી દિલ્હીમાં મળશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવાર અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાના ઇનકાર પછી, સોમવારે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીએ પણ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની વિપક્ષી પાર્ટીઓના નેતાઓની વિનંતીને નકારી કાઢી હતી.