‘જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો’, કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો

Share this story

સુરતમાં નાટકીય ઢબે કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીએ પોતાના ટેકેદારો સામે મિલિભગતમાં પોતાનું ફોર્મ રદ્દ કરાવ્યું હતું. જેને લઈને કોંગ્રેસના મોવડી મંડળથી લઈને નેતાઓ અને કાર્યકરોમાં રોષની લાગણી જોવા મળી રહી હતી. ત્યારે આજે રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જનતાનો ગદ્દાર અને લોકશાહીનો હત્યારો લખેલા બેનર સાથે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.

સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ દિનેશ સાવલિયા અને અન્ય કાર્યકર્તાઓ આજે નિલેશ કુંભાણીના ઘરે જઈને વિરોધ નોંધાવ્યો હતો. જેમની સરથાણા પોલીસે અટકાયત કરી છે. ફોર્મ ભરવાથી લઈને અત્યારસુધીનો ઘટનાક્રમ જોતા એવું લાગી રહ્યું છે કે, નિલેશ કુંભાણીએ અન્ય રાજકીય પાર્ટી સાથે ષડ્યંત્ર રચ્યું હતું. જેનો વિરોધ હવે દેખાવાનો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા આજે તેના ઘરની બહાર બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, નિલેશ કુંભાણીનો માત્ર રાજકીય જ નહીં સામાજિક બહિષ્કાર થવો જોઈએ. જ્યારે AAPએ નિલેશ કુંભાણી સામે પોલીસ ફરિયાદ કરવા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. નિલેશ કુંભાણી ભાજપમાં જોડાય તેવું જાણવા મળ્યું છે.

પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ કહ્યું કે, સુરતમાં લોકશાહીની હત્યા થઈ છે. ભાજપનો ઉમેદવાર જીત્યો છે. પરંતુ કોંગ્રેસના નેતાએ જે મતદારો સાથે દ્રોહ કર્યો છે. તેને લોકો માફ નહીં કરે. કોંગ્રેસે વિશ્વાસ રાખીને ટીકિટ આપીને તેણે વિશ્વાસ ઘાત કર્યો છે. ત્યારે અમે જવાબ લેવા માટે ગદ્દારના ઘરે આવ્યાં છીએ.

કોંગ્રેસના નેતાઓએ નિલેશ કુંભાણીની ભૂમિકાને શંકાસ્પદ ગણાવી છે. કુંભાણીના કારણે સુરતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં કોંગ્રેસનું ધોવાણ થયું છે. જેને કારણે ઘણા કોંગ્રેસી કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આજે સવારે કોંગ્રેસના કેટલાક કાર્યકરો નિલેશ કુંભાણીના સુરત ખાતેના નિવાસ્થાને પહોંચ્યા હતા. કાર્યકરોએ ‘જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો‘ તેવા બેનર લઈને વિરોધ કર્યો હતો. આ વિરોધ કરનાર કાર્યકરોને પોલીસે ડીટેઇન કર્યા હતા.

આ પણ વાંચો :-