અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં CIDના દરોડા વિઝા કન્સલ્ટન્સીની ઓફિસોમાં ૧૭ ટીમોની તપાસ

Share this story
ગુજરાતમાં વિદેશ જનારા લોકોને ખોટા ડોક્યુમેન્ટ બનાવીને વિઝા આપવાની લાલચ આપતું આખું રેકેટ CID ક્રાઈમની નજરે ચડ્યું હતું. ઘણાં સમયથી આ વિઝા કૌભાંડની તપાસ ગુપ્ત રાહે ચાલી રહી હતી. ત્યારે CID ક્રાઈમની ૧૭ ટીમે એક સાથે અમદાવાદ, વડોદર અને ગાંધીનગરના વિઝા કન્સલ્ટન્ટના ત્યાં દરોડા પાડ્યા હતા. હાલ કેટલીક જગ્યાએથી કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ મળ્યા અને તેમની ઓફિસના કોમ્પ્યુટરમાંથી પણ કેટલીક વિગતો મળી હોવાનું જાણવા મળે છે. હજી આ તપાસ ચાલુ હોવાની વિગતો CID ક્રાઈમના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયન જણાવી રહ્યા છે.
ઉત્તર ગુજરાતના ઘણા લોકો ગેરકાયદેસર રીતે વિદેશ જવા માટે એજન્ટોનો સંપર્ક કરે છે અને ત્યારબાદ તેમના કહેવા પ્રમાણે ગેરકાયદેસર રીતે વિદેશ જવા માટે તૈયાર થઈ જાય છે. જેમાં નિર્દોષ લોકોનો બોર્ડર ક્રોસ કરતા જીવ પણ જતો રહે છે. આવો ખતરો હોવા છતાં સમગ્ર રાજ્યમાં બિલાડીની ટોપની જેમ ગેરકાયદે વિઝા કન્સલ્ટન્ટ ઊભા થઈ ગયા છે. જેઓ પોતે થોડા રૂપિયા કમાવવા માટે માસુમ લોકોની જિંદગી સાથે રમતા પણ અટકાતા નથી.
બોગસ ડોક્યુમેન્ટ બનાવીને વિઝા મેળવવા માટે પ્રોસેસ કરતા ઘણાં લોકોની વિગતો ગુજરાતની મહત્વની તપાસ એજન્સીઓ પાસે આવી હતી. તેમાં આજે રાજકુમાર પાંડિયન દ્વારા કુલ ૧૭ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં 50થી વધુ પોલીસ કર્મચારીઓ છે અને કોમ્પ્યુટરના નિષ્ણાંત લોકોની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. જેણે એક સાથે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં અલગ અલગ વિઝા કન્સલ્ટન્ટને ત્યાં દરોડા પાડ્યા હતા. રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, હાલ દરોડાની પ્રક્રિયા ચાલી રહી છે અને મહત્વના ડોક્યુમેન્ટ મળ્યા બાદ તેનું પંચનામું કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ સ્પષ્ટ થશે કે કયા પ્રકારના ડોક્યુમેન્ટ બનાવવામાં આવતા હતા.
વડોદરા શહેરના ગોરવા રોડ પર આવેલા સ્મિત કોમ્પ્લેક્સમાં સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ તેમજ ટૂરિસ્ટ વિઝાનું કામ કરતા માઇગ્રેશન ઓવરસીસ સેન્ટરમાં CID ક્રાઇમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સમી સાંજે સર્ચ શરૂ કરવામાં આવેલ સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું. CID ક્રાઇમ સાથે વડોદરા ગ્રામ્ય તેમજ પંચમહાલ અને ભરૂચની પોલીસ ટીમો પણ જોડાઇ હતી. પોલીસની એક પછી એક જીપ સ્મિત કોમ્પ્લેક્સમાં પહોંચતા કોમ્પ્લેક્સમાં આવેલી અન્ય ઓફિસોના સંચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા.