Saturday, Dec 13, 2025

સુરત APMC નિર્મિત રાજ્યના સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

4 Min Read

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-સુરત દ્વારા નવનિર્મિત, રાજ્યના સૌથી મોટા અને સૌપ્રથમ એલિવેટેડ માર્કેટયાર્ડ એટલે કે પ્રથમ માળે ભારે વાહનો અવરજવર કરી શકે તેવી અદ્યતન માર્કેટયાર્ડનું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથોસાથ સુરત એપીએમસી માર્કેટના આધુનિકીકરણ અને વિસ્તૃતિકરણના ભાગરૂપે નિર્માણ પામેલી આ અત્યાધુનિક એલિવેટેડ માર્કેટ યાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ તથા શ્રમિકો માટે વિનામૂલ્યે પ્રાથમિક સારવાર કેન્દ્ર, બિયારણ વિતરણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

એપીએમસી સરદાર માર્કેટ, ડુંભાલ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે. વડાપ્રધાનશ્રીના વડપણ હેઠળ ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્ર સાથે દેશમાં અલાયદા સહકાર મંત્રાલયની રચના કરીને સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવામાં આવ્યું છે, જેનાથી ખેડૂતો અને પશુપાલકોની આવક તેમજ જીવનસ્તર સુધારવા માટે મહત્વપૂર્ણ કામગીરીને વધુ વ્યાપક અને ગુણવત્તાસભર બનાવી શકાય.

ભારે વાહનો અને મોટી ટ્રકોની સરળ અવરજવર, એન્ટ્રી તથા એક્ઝિટના સુવ્યવસ્થિત આયોજનના કારણે ભવિષ્યમાં વર્ષો સુધી અવ્યવસ્થા ઊભી ન થાય એ પ્રકારના એલિવેટેડ સ્ટ્રક્ચરના નિર્માણ બદલ એપીએમસીને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સુરત એપીએમસીએ વર્ષ ૧૯૫૧ માં માત્ર ૧૫ હજાર રૂપિયાની આવક સાથે કરેલી શરૂઆત આજે સહકારિતાના વટવૃક્ષમાં પરિવર્તિત થઈ છે.

સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝ્ડ અને પારદર્શક વ્યવસ્થા, અહીં કૃષિ જણસોના વેચાણ માટે આવતા ખેડૂતોને આર.ટી.જી.એસ મારફતે ઓનલાઈન ચુકવણી જેવી સુવિધાઓનો આનંદ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ આ સુવિધાના પરિણામે મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાંથી પણ ખેડૂતો અહીં પોતાની કૃષિ પેદાશો વેચવા માટે આકર્ષાયા છે.

રોજબરોજ ૧૨ થી ૧૫ હજાર લોકોની અવરજવર સાથે આ માર્કેટ યાર્ડ છેલ્લા બે વર્ષથી આવકની દૃષ્ટિએ ગુજરાતમાં પ્રથમ ક્રમે છે અને રાજ્યના અર્થતંત્રને મજબૂતી આપવામાં સિંહફાળો આપી રહ્યું છે એમ ગર્વથી તેમણે જણાવ્યું હતું.

રાજ્ય સરકાર ‘સહકારથી સમૃદ્ધિ’ ના મંત્ર સાથે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ કૃષિમાં વેલ્યુ એડિશન પર તેજ ગતિથી આગળ વધી રહી છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સરકારે એગ્રો અને ફ્રુટ પ્રોસેસિંગ ચેઈન ઉભી કરીને કેરી, ચીકુ, શાકભાજી, લસણ વગેરે માટે સ્પેશિયલ એગ્રી એક્સપોર્ટ ઝોન પણ વિકસાવ્યા છે.

ડિજીટલ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ખેતીમાં ઉત્પાદન, સસ્ટેનેબિલિટી અને બજારની ઉપલબ્ધતા વધારવા માટે સરકાર પ્રયત્નશીલ છે. કિસાન ઈ-મિત્ર જેવી એઆઈ આધારિત સેવાઓ દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓ અંગે સરળ માહિતી મળી રહી છે એમ તેમણે જણાવ્યું હતું.

તાજેતરમાં કમોસમી વરસાદ બાદ ખેડૂતો માટે રાજ્ય સરકારે જાહેર કરેલ દસ હજાર કરોડનું માતબર કૃષિ સહાય પેકેજ ખેડૂતોને આફતમાંથી બેઠા થવામાં ખૂબ ઉપયોગી નીવડ્યું છે એમ જણાવી રાજ્ય સરકાર દ્વારા કુદરતી આપત્તિઓમાં થતા નુકસાનને અટકાવવા એઆઈ આધારિત સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે એમ ઉમેર્યું હતું.

પીએમ કિસાન સન્માન નિધિ, પીએમ કિસાન માનધન, પર ડ્રોપ મોર ક્રોપ, નેશનલ બામ્બૂ મિશન, નમો ડ્રોન દીદી સહિત લગભગ ૨૮ થી વધુ યોજનાઓ-અભિયાનો દ્વારા ખેતી અને ખેડૂત વિકાસને નવી દિશા આપવામાં આવી છે એનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જે જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોની આવકમાં વધારો અને રોજગારીના નવા અવસર ઊભા થયા છે. સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ આગળ વધવા સૌને આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને નવી સુવિધાઓ, આધુનિક વ્યવસ્થાઓ અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળે અને તેમની આવક વધે તે હેતુથી રાજ્ય સરકાર અને સહકારી ક્ષેત્ર દ્વારા સતત પ્રયાસ થઈ રહ્યા છે. જેનું જીવંત ઉદાહરણ સુરતની એપીએમસી માર્કેટ છે. આ માર્કેટમાં આધુનિકતાની સાથે ખેડૂતલક્ષી સુવિધાઓ વ્યવસ્થાઓ ઊભી કરવા બદલ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

Share This Article