ઝારખંડના નવા CM તરીકે ચંપઈ સોરેને આજે શપથ લીધા

Share this story

ઝારખંડમાં નવી સરકાર અને નવા મુખ્ય પ્રધાન તરીકે ચંપઈ સોરેને આજે શપથ લીધા છે. આ ઉપરાંત કોંગ્રેસના આલમગીર આલમ અને આરજેડીમાંથી સત્યાનંદ ભોક્તાએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને દરેકને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. જો કે નવી સરકારે ૧૦ દિવસમાં બહુમત સાબિત કરવો પડશે. ચંપઈ સોરેન ઝારખંડના ૧૨મા સીએમ તરીકે શપથ લીધા હતા. તેમજ શાસક ગઠબંધનના ધારાસભ્યોને બે દિવસ માટે ચાર્ટર્ડ પ્લેન દ્વારા હૈદરાહાદ મોકલી દેવામાં આવ્યા છે.

અગાઉ ચંપઈ અને ગઠબંધન નેતાઓએ દાવો કર્યો હતો કે તેઓ બુધવારે રાત્રે ૯ વાગ્યે રાજ્યપાલને મળવા ગયા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. પરંતુ રાજ્યપાલ શપથ ગ્રહણ માટે સમય આપી રહ્યા નહોતા. ઝારખંડમાં નવા સીએમની પસંદગીની પ્રક્રિયા ત્યારે શરૂ થઈ જ્યારે ED એ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હેમંત સોરેનની ધરપકડ કરી હતી.

હેમંત સોરેનના રાજીનામા બાદ લગભગ ૩૦ કલાક સુધી ચાલેલા હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ રાજ્યપાલે ગુરુવારે રાજભવન બોલાવ્યા અને સીએમ તરીકે તેમની નિમણૂક વિશે માહિતી આપી અને નામાંકન પત્ર સોંપ્યું હતું. ઝારખંડ સરકારમાં સત્તાધારી ગઠબંધનના ૩૫ ધારાસભ્યો હૈદરાબાદ રવાના થઇ ગયા છે. જોકે કેટલાક ધારાસભ્યોએ જવાનું ટાળ્યું હતું. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય આજે ઝારખંડમાં પ્રવેશી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટીના કેટલાક ધારાસભ્યો આ યાત્રામાં ભાગ લેશે. ચંપઈ સોરેને નવી સરકારની રચના અંગે રાજ્યપાલને ૪૩ ધારાસભ્યો તરફથી સમર્થનનો પત્ર સુપરત કર્યો હતો.

આ પણ વાંચો :-