કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો હડતાળ પર ઉતર્યા છે. તેમનું કહેવું છે કે આ કાયદો ખોટો છે અને તેને પાછો ખેંચવો જોઈએ. આ માંગને લઈને ગુજરાતથી લઈને દિલ્હી સુધી ટ્રક ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે. ટ્રક ચાલકોએ દિલ્હી-હરિયાણા, યુપી, મુંબઈ સહિત અનેક જગ્યાએ પોત-પોતાની ટ્રકો રસ્તાઓ પર ઉભી રાખીને રસ્તાઓ બ્લોક કરી દીધા હતા.
ભારતીય ન્યાય સંહિતાના એક કાયદાને લઈને દેશભરમાં વિરોધ શરૂ થયો છે. આ હિટ એન્ડ રન પર કરવામાં આવેલી નવી જોગવાઈ છે. આ અંતર્ગત જો રોડ પર કોઈ હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને ૧૦ વર્ષની સજા થશે. આ સિવાય તેણે દંડ પણ ભરવો પડશે. વાસ્તવમાં વાહનની ટક્કર બાદ ભાગવું એ હિટ એન્ડ રન ગણાય છે. અત્યાર સુધી આવા કેસમાં બે વર્ષની જેલ અને જામીનની જોગવાઈ હતી. આ મામલે ગુજરાત સહિત દેશભરમાં ટ્રક ચાલકોની હળતાલ વચ્ચે પેટ્રોલ-ડીઝલની અછતની વાત વહેતી થઈ હતી.