ગૃહ મંત્રાલયે નોકરી કૌભાંડમાં લાલુ યાદવ સામે કેસ ચલાવવા માટે સીબીઆઈને મંજૂરી આપી દીધી છે. સીબીઆઈએ રાઉઝ એવન્યુ કોર્ટમાં આ માહિતી આપી છે. સીબીઆઈએ આ મામલામાં લાલુ યાદવ સામે કેસ ચલાવવાની પરવાનગી માંગી હતી. અગાઉ, 18 સપ્ટેમ્બરના રોજ, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ‘નોકરી માટે જમીન’ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ, પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ અને અન્ય આરોપીઓને સમન્સ જારી કર્યા હતા. તેને 7 ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
અહેવાલ પ્રમાણે આ કેસની આગામી સુનાવણી 15 ઓક્ટોબરના રોજ દિલ્હી કોર્ટમાં થશે. CBIએ અન્ય આરોપીઓ સામે કેસ ચલાવવાની અરજી પણ ગૃહ મંત્રાલયને આપી છે. તપાસ એજન્સીને આશા છે કે ટૂંક સમયમાં તેની મંજૂરી પણ મળી જશે.
બીજી તરફ એક દિવસ પહેલા જ લેન્ડ ફોર જોબ કેસના મની લોન્ડરિંગ સાથે સબંધિત મામલે પણ લાલુ પરિવારની મુશ્કેલી વધી ગઈ છે. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે બુધવારે EDની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ પર સંજ્ઞાન લેતા આ મામલે RJD અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ, પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સહિત અન્ય આરોપીઓને સમન્સ પાઠવવામાં આવ્યું છે. કોર્ટે તેમને 7 ઓક્ટોબરના રોજ રજૂ થવા માટે કહ્યું છે. ખાસ વાત એ છે કે, લાલુના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવને પણ પ્રથમ વખત આ કેસમાં કોર્ટનું સમન્સ મળ્યું છે.
આ મામલો 2004થી 2009 વચ્ચેના સમયગાળાનો છે, જ્યારે લાલુ યાદવ રેલવે મંત્રી હતા. આરોપ છે કે તેમના કાર્યકાળમાં નિયમોની અવગણના કરીને કેટલાક લોકોને રેલવે ગ્રુપ ડીની પોસ્ટ પર નોકરી આપવામાં આવી હતી. નોકરી મેળવવા માટે લોકોએ લાલુ પરિવારને બજાર કિંમત કરતા પાંચ ગણા ઓછા ભાવે પોતાની જમીન વેચી દીધી હતી. આમાં કેટલીક જમીન લાલુ યાદવના પરિવારના નામે હતી તો કેટલીક જમીન તેમના નજીકના સંબંધીઓ અને પરિવારના સભ્યોના નામે હતી. CBI આ કેસના ગુનાહિત પાસા પર તપાસ કરી રહી છે, જ્યારે ED મની લોન્ડરિંગના પાસા પર તપાસ કરી રહી છે. બંને જ તપાસ એજન્સીઓએ લાલુ પરિવારના સભ્યો પર સકંજો કસ્યો છે.
આ પણ વાંચો :-