Wednesday, Oct 29, 2025

તલાટીની Exam આપનારા ઉમેદવારો આ વાંચી લેજો : ભૂલથી પણ આ કામ રહી ગયું તો પરીક્ષા નહીં આપી શકો

4 Min Read

Talati Exam

  • Talati exam : 7 મેના રોજ યોજાનારી તલાટીની પરીક્ષા માટે ઉમેદવારોની કન્ફર્મેશન પ્રક્રિયા આજથી શરૂ થશે. કન્ફર્મેશન ન આપનાર ઉમેદવાર પરીક્ષા નહીં આપી શકે.

જે ઉમેદવારોએ તલાટી કમ મંત્રીની (Talati Cum Minister) ભરતી પરીક્ષા માટે ફોર્મ ભર્યું છે, તેમના માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. તલાટીની (Talati exam) પરીક્ષાના ઉમેદવારોની આજથી કન્ફર્મેશન પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. જેઓ આ પરીક્ષા આપવા માંગે છે. તેઓએ કન્ફર્મેશન કરાવવું ફરજિયાત છે. કેન્ફર્મેશન ન આપનારા ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહીં.

ઉમેદવારોએ ભરવાનું રહેશે ફોર્મ

તલાટીની પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોએ એક ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારોએ આ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈને કન્ફર્મેશન ફોર્મ ભરવાનું રહેશે. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓ થઈ રહી હતી કે તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ યોજાશે. જોકે, ગઈકાલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે તલાટીની પરીક્ષા 30 એપ્રિલે નહીં પરંતુ હવે 7 મે, 2023ના રોજ લેવાશે.

17.10 લાખ ઉમેદવારોએ ભર્યા છે ફોર્મ :

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર તલાટી કમ મંત્રીની પરીક્ષા તા.30-04-2023ના રોજ લેવાનું મંડળે આયોજન કર્યું હતું. પરંતુ પરીક્ષાની પ્રક્રિયામાં લાગનાર સમયને ધ્યાનમાં લઇ આ પરીક્ષા હવે તા.30-04-2023ના બદલે આગામી તા.07-05-2023ના રોજ લેવાનો રાજ્ય સરકારે ઉમેદવારોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. જેની વિગતવાર જાહેરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષામાં અંદાજે 17,10,386 ઉમેદવારો ભાગ લેવાના છે.

ઉમેદવારોએ કન્ફર્મેશન કરાવવું ફરજિયાત : 

તેઓએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ રાજ્યના વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલ એક સ્ટેજ પરીક્ષાઓમાં 40 ટકાથી 50 ટકા જેટલા જ ઉમેદવારો હાજર રહેતા હોવાનું જણાયું છે. જ્યારે મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થામાં ઘણા સમય, શક્તિ અને સંસાધનનો વ્યય થાય છે. આથી આ બાબતને ધ્યાનમાં લઇ જે ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેવા માંગતા હોય તેટલા ઉમેદવારો અગાઉથી કન્ફર્મેશન આપે તેટલા જ ઉમેદવારોની વ્યવસ્થા કરી પરીક્ષા લેવામાં આવે તો સાધનો બિનજરૂરી રીતે વેડફાય નહીં તથા પરીક્ષા માટે વધુ સારી વ્યવસ્થા ગોઠવી શકાય.

આ માટે તલાટી કમ મંત્રીની પરીક્ષામાં બેઠક વ્યવસ્થા ગોઠવતા પૂર્વે જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હોય તેમની પાસેથી અગાઉથી કન્ફર્મેશન લેવાની વ્યવસ્થા કરવાનું મંડળે નિર્ણય કર્યો છે.  ઉમેદવારોએ અગાઉથી કન્ફર્મેશન આપવાનું રહેશે, કન્ફર્મેશન નહી આપનાર પરીક્ષા આપી શકશે નહી, એમ મંત્રીએ ઉમેર્યું હતું.

7મી મેના રોજ પરીક્ષા યોજાશે :

શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં જ પરીક્ષા યોજવાનું આયોજન છે. જે બાદ  સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું  અને તેમણે તારીખ જાહેર કરતા જણાવ્યું કે, 7મી મેના રોજ પરીક્ષા યોજાશે.

આ પણ વાંચો :-

Share This Article