- કેન્દ્ર સરકારમાં ઝડપથી ઊભરી રહેલા સી.આર.પાટીલ રાષ્ટ્રીય પ્રચાર માધ્યમોનાે પણ આકર્ષણનો ચહેરો
- વડાપ્રધાન મોદીનું સપનું ‘‘જળ જીવન મિશન’’ પાર પાડવા કમર કસીને દેશભરમાં જળશક્તિ મંત્રાલયનો પ્રભાવ ઊભો કરવામાં પાટિલ સફળ પુરવાર થયા
- ગુજરાતની ગ્રામ પંચાયતથી શરૂ કરીને તાલુકા, જિલ્લા પંચાયતો, નગર અને મહાપાલિકાઓ અને વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને સતત જીતના માર્ગે લઇ જવા નિમિત્ત બનેલા સી.આર.પાટીલની ગુજરાતમાં ભાજપનો વાવટો વધુ ઊંચાઇએ લઇ જવાની નેમ
પાછલી ચાર ચાર ટર્મથી લોકસભામાં ચૂંટાતા આવેલા ભાજપના સુરત(નવસારી બેઠક)ના સાંસદ સી.આર.પાટીલનો કેન્દ્રીય મંત્રીમંડળમાં કદમાં સતત વધારો થઇ રહ્યો છે. ભાજપના ગણતરીના આગલી હરોળના નેતાઓમાં સી.આર.પાટીલની ગણના કરવામાં આવે છે. સરકાર અને ભાજપ પક્ષની વ્યૂહરચનામાં સી.આર.પાટીલના અવાજને મહત્ત્વ આપવામાં આવી રહ્યું હોવાથી હવે ભાજપના નિર્ણાયક નેતાઓમાં તેમનું સ્થાન અંિકત થઇ ચૂક્યું છે. અને હવે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રચાર માધ્યમો માટે પણ સી.આર.પાટીલ ક્રમશઃ ચહેરો બની રહ્યા છે.
તાજેતરમાં એક રાષ્ટ્રીય મીડિયાએ કરેલા અભ્યાસમાં પણ સી.આર.પાટીલને મહત્ત્વનું સ્થાન આપ્યું હતું તથા સી.આર.પાટીલની કેટલીક બાબતો ઉજાગર કરી પ્રિન્ટ અને ન્યૂઝ ચેનલમાં સી.આર.પાટીલના વિશેષ ઇન્ટરવ્યૂ સાથે તેમના વિચાર અને ભાવિ આયોજન અને સરકારની વ્યૂહરચના જાણવાના પ્રયાસો કરાયા હતાં. લાંબા અને ઉત્કંઠાભર્યા કરાયેલા સવાલોના સી.આર.પાટીલે જરા પણ ચલિત થયા વગર એક પૂર્ણ કક્ષાના અને પીઠ રાજકીય નેતાને છાજે એવા જવાબો આપવા સાથે સરકારની પ્રતિભાને વધુ ઉજ્જવળ બનાવવાના પ્રયાસ કર્યા હતા. સમગ્ર ઇન્ટરવ્યૂ દરમિયાન સી.આર.પાટીલે કોઇ કાગળ ઉપર ટપકાવેલી નોંધનો સહારો લીધા વગર આંકડા સાથે માહિતીઓ દર્શાવી હતી.
દેશમાં કુલ કેટલો વરસાદ પડે છે, દેશની પાણીની જરૂરિયાત અંગે આંકડાકીય રસપ્રદ વિગતો રજૂ કરવા સાથે તેમણે મુદ્દાની વાત કરતા કહ્યું હતું કે વરસાદી અને નદીના પાણીનો સંગ્રહ કરવા માટે ડેમ બાંધવા જરૂરી છે? પરંતુ એક ડેમનું નિર્માણ કરતા વર્ષો નીકળી જાય છે. અનેક ગામડાઓ ખાલી કરાવવા પડે છે અને ગામ અને ખેતીની જમીન ડેમના ડુબાણમાં ચાલી જાય છે. બલ્કે એમ કહી શકાય કે પરિવારની એક પેઢીની ૨૫ થી ૩૦ ટકા જિંદગી નીકળી જાય છે.
તેની સામે જળસંચય યોજનાના ફાયદા ગણાવતા સી.આર.પાટીલે કહ્યું હતું કે ગામ હોય કે ખેતર-વરસાદી પાણીનો સંચય કરવાનું કામ ખૂબ જ આસાન છે. ગામમાં પાણીના બોર કરીને વરસાદી પાણીને નદી, નાળા કે દરિયામાં વહી જતું રોકી શકાય છે એ પ્રમાણે સરેરાશ ખેતરોમાં પાણીનો સંગ્રહ કરવા માટે કૂવા કે બોર બનાવવામાં આવે તો જમીનની ફળદ્રુપતામાં વધારો થવા સાથે લાંબા ગાળે બારમાસી ખેતીની ઊપજ લઇ શકાય અને આ કામગીરી માદરે વતન સુરત અને ગુજરાતથી કરીને સારા પરિણામો પણ મેળવી ચૂક્યા હોવાનો સી.આર. પાટીલે દાવો કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત વિશ્વાસુઓ પૈકીના એક સી.આર.પાટીલની રાજકીય કારકીર્દી જોવામાં આવે તો તેમણે ઉપાડેલી કે સોંપેલી જવાબદારીમાં ક્યારેય પણ પીછેહઠ કરી નથી. પક્ષના અંદરના કે પક્ષ બહારના આક્રમણ સામે તેઓ હંમેશા ઝઝૂમીને બહાર આવવા સાથે નેતૃત્વનો વિશ્વાસ અને વફાદારી જાળવી રાખવામાં હંમેશા સફળ થતા આવ્યા છે અને એટલે જ વડાપ્રધાન મોદીએ પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીની જવાબદારી સી.આર.પાટીલના માથે મૂકી હતી.‘‘જળ જીવન મિશન’’ આ પણ ખુદ વડાપ્રધાન મોદીનું અભિયાન છે. વડાપ્રધાન મોદી જાણે છે જળ વગર જીવન શક્ય નથી અને એટલે જ તેમણે છેક વર્ષ ૨૦૨૧થી ‘‘જળ જીવન મિશન’’ શરૂ કર્યું હતું અને આ યોજના વર્ષ ૨૦૨૮ સુધી લંબાવી છે. વળી સી.આર.પાટીલની આગેવાની હેઠળના જળશક્તિ મંત્રાલયને ૯૯૫૦૨ કરોડની ફાળવણી પણ કરી છે.
સી.આર.પાટીલે મંત્રાલય સંભાળ્યું તે દિવસથી ‘‘જળ જીવન મિશન’’ નિર્ણાયક રીતે પાર પાડવા કમર કસી લીધી હતી અને માદરે વતન અને પોતાના મતવિસ્તાર સુરત-નવસારીથી જળસંચય અભિયાનનાે પ્રારંભ કર્યો હતો. સદનસીબે સુરત એક એવું શહેર છે કે અહીંયા દેશભરના વિવિધ રાજ્યોના લોકો વેપાર કરવા સાથે વસવાટ પણ કરે છે. જેનો લાભ ઉઠાવીને સી.આર.પાટીલે જળસંચય અભિયાનનો દેશભરમાં અમલ કરવાની શરૂઆત કરી હતી. વળી સી.આર.પાટીલના વખતોવખતના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હરહંમેશ સાથે રહ્યા છે. સી.આર.પાટીલની હજુ તો શરૂઆત છે. આગામી વર્ષોમાં દેશની નદીઓ જોડવાનું પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઇ, વડાપ્રધાન મોદી અને ખુદ તેમનું પોતાનું સપનું સાકાર કરવાની મનમાં ગાંઠ વાળીને બેઠા છે.
કેન્દ્રીય મંત્રી બન્યાના ગણતરીના સમયમાં વડાપ્રધાન મોદી સી.આર.પાટીલની અનેક વખત સાથે ઊભા રહીને તેમને સતત પ્રોત્સાહિત કરતા આવ્યા છે. તાજેતરમાં સી.આર.પાટીલની આગેવાની હેઠળના કાર્યક્રમમાં વડાપ્રધાને સતત બે દિવસ સુરતમાં રોકાણ કરીને સી.આર.પાટીલના રાજકીય અને સામાજિક વર્ચસ્વમાં વધારો કર્યો હતો.સી.આર.પાટીલ કેન્દ્રીય મંત્રી તરીકે અસરકારક ફરજ બજાવવા ઉપરાંત ગુજરાતમાં આગામી ૨૦૨૬ના વર્ષમાં યોજનારી મહાનગરપાલિકાઓની અને ૨૦૨૭માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બમ્પર બહુમતી જ નહીં, પરંતુ વિપક્ષને ઊભા રહેવાની પણ જગ્યા નહી આપવાની તૈયારી સાથે અત્યારથી જ વ્યૂહરચના શરૂ કરી દીધી છે. વળી ગુજરાતની વર્તમાન રાજકીય હાલત જોતા નસીબના બળિયા સી.આર.પાટીલ ગુજરાતના ખૂણે-ખૂણે ભાજપનો ભગવો ફરકાવવામાં જરૂર સફળ ખેલાડી પુરવાર થશે.
એક વાત ચોક્કસ છે કે જન્મકુંડળી, ગ્રહો અને જ્યોતિષ સાવ જુઠ્ઠા નહીં જ હોય. વર્ષો પહેલા સુરતના એક જ્યોતિષના જાણકાર સજ્જને સી.આર.પાટીલના હાથની રેખા અને કુંડળી જોઇને ભાખેલું ભવિષ્ય અક્ષરશઃ સાચું પડી રહ્યું છે. ભવિષ્ય ભાખનાર મનહરલાલ ચોકસી (ડો. મુકુલ ચોકસીના પિતા) આજે આ દુનિયામાં હયાત નથી, પરંતુ તેમનો એક એક શબ્દ ‘પથ્થરની લકીર’’ જેવા પુરવાર થઇ રહ્યાે છે.