BZ ગ્રુપની રાજસ્થાનના ડુંગરપુરમાં પણ નીકળી ઓફિસ, 7 આરોપીની ધરપકડ

Share this story

BZ ગ્રુપની રાજસ્થાનના ડુંગરપુરમાં પણ ઓફિસ નીકળી. ગુજરાતની ઓફિસોમાં દરોડા પડતા રાજસ્થાનની ઓફિસ બંધ થઇ ગઇ. ડુંગરપુરની BZ ઓફિસનું બોર્ડ તૂટેલું જોવા મળ્યું. રણાસણ ઓફિસની ટપાલના દસ્તાવેજ મળી આવ્યા. રાજસ્થાનમાં પણ ઓફિસ મળતા આંતરરાજ્ય કૌભાંડની આશંકા છે.

BZ ગ્રૂપના 6000 કરોડ રૂપિયાના કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમે સાત આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી એક આરોપીના રિમાન્ડ માગતા ગ્રામ્ય કોર્ટે એક આરોપીના બે દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.

લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવાના કેસમાં સીઆઇડી ક્રાઇમે મયૂર દરજી, વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશીક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ અને રણવીરસિંહ ચૌહાણની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. સૂત્રધાર મયૂર દરજીના 10 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા.

રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી મયૂર બીઝેડ ગ્રૂપના સીઇઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે રહી માલપુર ગ્રાહકો પાસેથી રોકાણ કરાવતો હતો, મયૂરે બીઝેડ ગ્રૂપમાંથી એક ફોર્ચુનર ગાડી તથા નાણાકીય લાભ મેળવ્યો છે. તેની તપાસ કરવાની છે, આરોપી મયૂર દરજીએ લોકોને રોકાણ કરાવી નાણા પડાવ્યા છે અને તેમાંથી કઇ કઇ મિલકત વસાવી છે, આરોપી સાથે સંડોવાયેલ અન્ય આરોપીઓના શું શું રોલ છે, આરોપીઓએ કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે તે પૈસા ક્યાં છે અને કોની પાસે છે, આરોપીઓ મેઇન હેડ ઓફિસમાં ગ્રાહકોના નાણાં મેળવી ક્યાં રાખતા હતા, આરોપીઓના બેંક એકાઉન્ટ સહિતની વિગતો તપાસ કરવાની છે. આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સિવાય અન્ય કોનો કયો રોલ છે સહિતના મુદ્દાની તપાસ માટે 10 દિવસના રિમાન્ડની જરૂર છે. આરોપી તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, પોલીસ જે મુદ્દે રિમાન્ડ માગી રહી છે તેમાં આરોપીની હાજરીની કોઇ જરૂર નથી, પોલીસને તપાસમાં સહકાર આપ્યો છે તેથી રિમાન્ડ ન આપવા જોઇએ.

BZ સોલ્યુશનના કર્તાહર્તા ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપનું સભ્યપદ ધરાવે છે અને ભાજપના અનેક નેતાઓ સાથે નિકટતા ધરાવતા હોય તે રીતે દૃશ્યમાન થઈ રહ્યા છે. BZ સોલ્યુશનના ભૂપેન્દ્રસિંહ ઝાલાના ૬,૦૦૦ કરોડના કૌભાંડના વિકાસ અંગે ભાજપા સરકાર જવાબ આપે તેવી માગ કોંગ્રેસે કરી છે. કોંગ્રેસે માગ કરી છે કે, અનેક કાંડ અને કૌભાંડમાં ગળાડૂબ ભાજપ શાસનમાં એકાદ કાંડમાં પણ દાખલારૂપ કાર્યવાહી કરાય, જેથી લૂંટના કારોબાર પર રોક લાગે. રાજકીય રક્ષણ આપનારા લોકો સામે પણ કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચો :-