દિવાળી પહેલા આતંકી હુમલાની ધમકીએ દેશભરની સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધી છે. દિવાળીના અવસર પર આતંકવાદીઓના નિશાને અયોધ્યાનું રામ મંદિર, ઉજ્જૈનનું મહાકાલ મંદિર અને તિરુપતિનું ઈસ્કોન છે. પોલીસને ઈમેલ અને પત્રો દ્વારા મંદિરો પર આતંકવાદી હુમલાની ધમકીઓ મળી છે, જે બાદ મંદિરોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મંદિરમાં આવનાર દરેક ભક્તની સુરક્ષાને અનેક સ્તરોમાં તપાસવામાં આવી રહી છે. નાનામાં નાની શંકાસ્પદ વસ્તુ જપ્ત કરવામાં આવી રહી છે. સીસીટીવીની મદદથી મંદિરોની અંદર અને બહાર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
ઉજ્જૈનના મહાકાલ મંદિરની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે, અહીં પણ મંદિર પર આતંકી હુમલાનો ખતરો છે. રાજસ્થાનના હનુમાનગઢ રેલ્વે સ્ટેશનના સુપરિન્ટેન્ડેન્ટને એક પત્ર મળ્યો છે જેમાં 30 ઓક્ટોબર અને 2 નવેમ્બરે મહાકાલ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિએ પોતાને જૈશ-એ-મોહમ્મદનો એરિયા કમાન્ડર ગણાવ્યો છે. આ સાથે રાજસ્થાનના અનેક મંદિરો પણ તેના નિશાના પર છે.
આંધ્રપ્રદેશમાં તિરુપતિ ખાતે અડધો ડઝન હોટેલોમાં બોમ્બ મૂક્યાની ધમકી આપવામાં આવ્યા પછી હવે ઇસ્કોન મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. અધિકારીઓ મુજબ પોલીસે મંદિરની સુરક્ષા વધારી દીધી છે. પોલીસે જણાવ્યું હતું કે ૨૭મી ઓક્ટોબરે મોડી રાત્રે ધમકીનો ઇ-મેઇલ મળ્યો હતો. તેમા કહેવામાં આવ્યું હતું કે ઇસ્કોન મંદિરમાં બોમ્બ છે.
આંધ્રપ્રદેશ પોલીસે રવિવારે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં તિરુપતિ શહેરમાં લગભગ અડધો ડઝન હોટેલોમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની ધમકી મળી હતી. ધમકી મળ્યા પછી પોલીસ બોમ્બ વિરોધી સ્કવોડ સાથે ઇસ્કોન મંદિર પહોંચી હતી અને તપાસ અભિયાન શરૂ કર્યુ હતું. જો કે સંકુલમાં કોઈપણ પ્રકારનો વિસ્ફોટક કે શંકાસ્પદ સામાન પકડાયો નથી.