રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માની વરણી

Share this story

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ કોણ સંભાળશે તે અંગે ઘણા દિવસોથી ચાલી રહેલી સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. ધારાસભ્ય દળની બેઠકમાં ભજનલાલ શર્માને રાજસ્થાનના સીએમ ચહેરા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ભજનલાલ શર્મા સાંગાનેરથી ધારાસભ્ય છે અને બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે. નવાઈની વાત એ છે કે ભજનલાલ શર્મા પહેલીવાર ધારાસભ્ય તરીકે આવ્યા છે. પ્રથમ વખત ધારાસભ્ય બનતાની સાથે જ તેમને રાજ્યમાં સીએમ પદની જવાબદારી મળવાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં નવા સીએમ ચહેરાને લઈને ભાજપે બધાને ચોંકાવી દીધા હતા એ જ રીતે રાજસ્થાનમાં પણ સરપ્રાઈઝ આપી છે. મધ્ય પ્રદેશમાં મોટા ચહેરાઓને બાયપાસ કરીને મોહન યાદવને કમાન સોંપવામાં આવી હતી, જ્યારે છત્તીસગઢની બાગડોર વિષ્ણુદેવ સાંઈને સોંપવામાં આવી હતી. જ્યારે આજે રાજસ્થાનમાં પણ અનેક મોટા ચહેરાઓને બાયપાસ કરીને ભજનલાલ શર્માને કમાન સોંપવામાં આવી છે.

રાજસ્થાનમાં ભાજપની જીત સૌથી મોટો પડકાર એ હતો કે, સીએમ તરીકે કોને પસંદ કરવામાં આવે પરંતુ હવે આ વાતનો અંત આવ્યો છે. રાજસ્થાનના સીએમની રેસમાં ઘણા નામો ચાલી રહ્યા હતા. આ યાદીમાં પહેલું નામ વસુંધરા રાજેનું હતું. તે રાજસ્થાનની કમાન સંભાળી ચૂકી છે. આ સિવાય રાજસ્થાનમાં હિન્દુત્વના પોસ્ટર બોય બનેલા બાબા બાલકનાથનું નામ પણ ચર્ચામાં હતું. ગજેન્દ્ર શેખાવત, સીપી જોશી, દિયા કુમારી અને રાજવર્ધન રાઠોડ જેવા નામો પણ રેસમાં હતા. આ બધા વચ્ચે ભાજપ હાઈકમાન્ડે ભજનલાલ શર્માની પસંદગી કરીને સૌને ચોકાવી દીધા છે.

રાજસ્થાનમાં આજે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. કેન્દ્રએ રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેને રાજસ્થાનના નિરીક્ષક બનાવ્યા હતા. આ ત્રણેય નેતાઓએ મુખ્યમંત્રીના નામનું સુચન કર્યું હતું જે ભાજપ હાઈકમાન્ડની મંજૂરી બાદ સીએમ તરીકે જાહેર કરવામાં આવ્યુ હતું. આ પહેલા ભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં બધાને ચોંકાવી દીધા હતા. મધ્યપ્રદેશમાં મોટા ચહેરાઓને બાયપાસ કરીને મોહન યાદવને કમાન સોંપવામાં આવી હતી, જ્યારે છત્તીસગઢની બાગડોર વિષ્ણુદેવ સાંઈને સોંપવામાં આવી હતી.

રાજસ્થાનની કુલ ૨૦૦ વિધાનસભા બેઠકોમાંથી ૧૯૯ બેઠકો માટે ૫૧ હજારથી વધુ મતદાન મથકો પર ૨૫ નવેમ્બરે મતદાન થયું હતું અને 3 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ભાજપને ૧૧૫ અને કોંગ્રેસને ૬૯ બેઠકો મળી હતી. રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ જાહેર કર્યા વગર જ ચૂંટણી લડી હતી.

આ પણ વાંચો :-