રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પહેલાં સેંગોલને લઈને મોટો વિવાદ, જાણો વિપક્ષ શું કહ્યું ?

Share this story

૧૮મી લોકસભાની રચના બાદ આજે ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પહેલાં સેંગોલને લઈને મોટો વિવાદ શરૂ થઈ ગયો હતો. સમાજવાદી પાર્ટીના લોકસભા સાંસદ આર.કે. ચૌધરીએ માંગ કરી કે, સંસદમાં સેંગોલને હટાવીને ત્યાં બંધારણની નકલ મૂકવામાં આવે. સાંસદ તરીકે શપથ લીધા બાદ જ તેમણે પ્રો-ટેમ સ્પીકરને પત્ર લખીને કહ્યું કે, સેંગોલ રાજાઓ અને સમ્રાટોનું પ્રતીક છે, તેથી તેને હટાવી દેવો જોઈએ. સંસદ ભવનના ઉદ્ઘાટન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્પીકરની ખુરશીની પાસે સેંગોલ લગાવવામાં આવ્યું હતું, જેને હવે સપા સાંસદે હટાવવાની માંગ કરી છે.

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ આરકે ચૌધરીએ કહ્યું કે, ‘સેંગોલ રાજાશાહીનું પ્રતીક છે. તેને હટાવીને તેની જગ્યાએ બંધારણ સ્થાપિત કરવું જોઈએ કેમ કે બંધારણ લોકશાહીનું પ્રતીક છે. ‘સેંગોલ’નો અર્થ ‘શાહી લાકડી’ થાય છે, અને એનો બીજો અર્થ ‘રાજાનો સળિયો’ પણ થાય છે. રજવાડાનો અંત લાવી આપણો દેશ આઝાદ થયો હતો. તો શું હવે ફરી દેશ રાજાની લાકડીથી ચાલશે? બંધારણ બચાવવા માટે સેંગોલને સંસદમાંથી હટાવવામાં આવે.

એની સામે ભાજપના લોકસભા સાંસદ ખગેન મુર્મુ, સાંસદ મહેશ જેઠમલાણી, કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરી, એલજેપી નેતા ચિરાગ પાસવાન અને બીજેપી સાંસદ રવિ કિશને સેંગોલની તરફેણમાં નિવેદન આપ્યાં, જેનો સૂર કંઈક એવો હતો કે, વિરોધ પક્ષ પાસે કંઈ કામ ન હોવાથી તેઓ બંધારણને લઈને ખોટા મુદ્દા ઉઠાવ્યા કરે છે, સેંગોલને સંસદભવનમાંથી કોઈ દૂર કરી શકશે નહીં.

જો સેંગોલના ઇતિહાસ વિશે વાત કરવામાં આવે તો તે સદીઓ જૂનો હોવાનું કહેવાય છે. તે ચોલ સામ્રાજ્ય સાથે સંબંધિત છે. ઈતિહાસકારોના મતે, ચોલ સામ્રાજ્યમાં રાજદંડ સેંગોલનો ઉપયોગ સત્તાના હસ્તાંતરણ માટે થતો હતો. ‘રાજદંડ’ સેંગોલ એ ભારતની આઝાદી સાથે સંકળાયેલું એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક પ્રતીક છે. જ્યારે અંગ્રેજોએ ભારતની આઝાદીની ઘોષણા કરી ત્યારે સેંગોલનો ઉપયોગ સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે થયો હતો.

આ પણ વાંચો :-