ભારતરત્ન, લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીને અનુલક્ષીને સરદાર સાહેબે રાષ્ટ્રનિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાનને બિરદાવવા ‘સરદાર સર્કિટ’ના નિર્માણની રજૂઆત બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાએ સંસદમાં કરી છે. તેમણે સરદાર પટેલના જીવન, વિચારધારા અને યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડી શકાય એ માટે સરદાર સર્કિટ થકી બારડોલી, સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર) અને નડિયાદ જેવા સરદાર સાહેબ સાથે સંકળાયેલા ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સ્થળોને પરસ્પર જોડવાની માંગ કરી છે.
પ્રભુભાઈ વસાવાએ સંસદમાં નિયમ ૩૭૭ હેઠળ રજૂઆત કરતા કહ્યું કે, બારડોલી નગર સ્વતંત્રતા સંગ્રામનું પ્રતીક છે, જ્યાં ૧૯૨૮માં સરદાર સાહેબે બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કરી અંગ્રેજોના અસહ્ય કરવધારા સામે લડવા માટે ખેડૂતોને સંગઠિત કર્યા હતા. બારડોલીના આ આંદોલને સમગ્ર દેશને પ્રેરણા આપી હતી. બીજી તરફ, એકતા નગર ખાતે સ્થાપિત વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટર ઊંચી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સરદાર પટેલના આદર્શ વ્યક્તિત્વ અને રાષ્ટ્રીય એકતાનું વૈશ્વિક પ્રતિક બની છે, જ્યારે નડિયાદ સરદાર સાહેબની જન્મભૂમિ હોવાના કારણે વિશેષ ઐતિહાસિક અને ભાવનાત્મક મહત્વ ધરાવે છે.
આ ત્રણેય સ્થળોને જોડતી ‘સરદાર ટુરિઝમ સર્કિટ’ વિકસાવવામાં આવે તો તે સ્થાનિક પ્રદેશની સામાજિક તથા આર્થિક રચનામાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે છે. સાથે સાથે રાષ્ટ્રીય એકતા, આત્મનિર્ભરતા અને સમૂહિક શક્તિનો સંદેશ દેશ-વિદેશ સુધી પહોંચાડવામાં સહાયક બનશે એમ જણાવી સરદાર સર્કિટના વિકાસને પ્રાથમિકતા આપવા વિનંતી કરી તેમણે બારડોલીથી એકતા નગર અને નડિયાદ સુધી સરદાર ટુરિઝમ સર્કિટ નિર્માણ કરવાની માંગ કરી છે.