સુરત ક્રાઈમ બ્રાન્ચે બોગસ ડોક્યુમેન્ટના આધારે ખોટું નામ ધારણ કરીને ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશી ઈસમની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ભારતીય આધારકાર્ડ અને બાંગ્લાદેશનું ID પણ મળી આવ્યું છે. તો ઝડપાયેલો બાંગ્લાદેશી ઈસમ અલ કાયદાના વોન્ટેડ આરોપીના સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચને નકલી ડોક્યુમેન્ટના આધારે બાંગ્લાદેશી ઈસમ વેસુ કેનાલ રોડ પાસે રહેતો હોવાની યોગ્ય બાતમી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને વેસુ કેનાલ રોડ પાસેથી બાંગ્લાદેશના વતની અબુ બકર હજરતઅલી ઉર્ફે અલીમ હક બયજરઅલી ખાનને ઝડપી લીધો હતો.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવતા અબુ પાસેથી અંગ્રેજી અને બાંગ્લાદેશી ભાષામાં જન્મ પ્રમાણપત્રની નકલ પણ મળી આવી હતી, તો આરોપી પાસેથી ભારતીય આધારકાર્ડ અને બાંગ્લાદેશનું ID પણ મળી આવ્યું હતું. આરોપી પાસેથી ૨ મોબાઈલ પણ મળી આવ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે. બાંગ્લાદેશી ઈસમ વર્ષ ૨૦૧૫થી અમદાવાદમાં નામ બદલીને રહેતો હોવાનો ખુલાસો થયો છે. તો અબુ બકરે બોગસ પુરાવાના આધારે નકલી આધારકાર્ડ બનાવ્યાની માહિતી પણ મળી છે. તેમજ આ આધારકાર્ડથી સીમકાર્ડ ખરીદ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં અબુ બકર હજરતઅલી ઉર્ફે અલીમ હક બયજરઅલી ખાન વોન્ટેડ આરોપી મૂળ બાંગ્લાદેશના હુમાયુ ખાનના સંપર્કમાં હોવાની વિગત સામે આવી છે.
આ મામલાની ગંભીરતાને જોતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અબુ બકર સામે બોગસ દસ્તાવેજ, પાસપોર્ટ એક્ટ, એન્ટ્રી ઇન ટૂ ઇન્ડિયા રૂલ્સ કલમ હેઠળ ગુના નોંધાયા છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ એજન્સીને પણ જાણ કરી છે.
આ પણ વાંચો :-