Sunday, Mar 23, 2025

દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા આતિશી

2 Min Read

આમ આદમી પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને 17 સપ્ટેમ્બરે  નવા મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ જાહેર થઈ ગયું હતું.  આતિશીએ આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં છે. આ સાથે જ ચાર જૂના મંત્રી ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ઈમરાન હુસૈન સિવાય કેબિનેટના નવા ચહેરાના રૂપે સુલ્તાનપુર માજરાના ધારાસભ્ય મુકેશ કુમાર અહાવલતે પણ મંત્રી પદની શપથ લીધાં છે.

Image

મુકેશ અહલાવતના રૂપમાં એક દલિત ચહેરાને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. જો કે, દલિત ચહેરાના રૂપમાં વિશેષ રવિ અને કુલદીપ કુમારના નામ પણ રેસમાં હતા. પરંતુ તેમના બદલે પ્રથમ વખતના ધારાસભ્ય મુકેશને મહત્ત્વ આપવામાં આવ્યું છે. મુકેશે 2020માં આમ આદમી પાર્ટીની ટિકિટ પર સુલ્તાનપુર માજરાથી પ્રથમ વખત દિલ્હીની ચૂંટણી લડી હતી. તેમણે આ ચૂંટણીમાં 48,042 મતોથી જીત હાંસલ કરી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથગ્રહણની તારીખથી આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે અને અરવિંદ કેજરીવાલનું રાજીનામું સ્વીકારી લીધું છે. રાષ્ટ્રપતિએ 5 મંત્રીઓની નિમણૂકને પણ મંજૂરી આપી હતી. આજે (શનિવાર) આતિશી અને તેમના મંત્રીમંડળને રાજ નિવાસ ખાતે શપથ ગ્રહણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે દિલ્હીના કથિત ‘દારૂ કૌભાંડ કેસ’માં જેલમાંથી મુક્ત થયા બાદ 18 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામા બાદ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી માટે આતિશીના નામને મંજૂરી આપી હતી.

રસપ્રદ વાત એ છે કે આતિશી 43 વર્ષની છે. તે દેશની રાજધાની દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી બનવા જઈ રહી છે. પૂર્વ સીએમ શીલા દીક્ષિત 60 વર્ષની વયે દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા. 46 વર્ષની ઉંમરે બીજેપી નેતા સુષ્મા સ્વરાજે કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીના સીએમનું પદ સંભાળ્યું. તેઓ 1998માં 52 દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article