- દેશના મુંબઇ, દિલ્હી, કલકત્તા, બેંગ્લોર, ચેન્નાઇ સહિત અન્ય મેટ્રો િસટીમાં પણ હાઇરાઇઝ્ડ બિલ્ડિંગો વચ્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધમધમી રહ્યાં છે
- સુરતમા ઊભેલા મોટાભાગના હાઇરાઇઝડ બિલ્ડિંગો નાગરિક ઉડ્ડયન મંત્રાલય એટલે કે સિવિલ એલીએશન ઓથોિરટીના NOC પછી બાંધવામાં આવ્યા હતા
- પ્રાથમિક સર્વેમાં ૧૨૧ બિિલ્ડંગો અવરોધ જણાતા આપવામાં આવેલી નોિટસો સામે બિલ્ડર્સ અને રહીશો હાઇકોર્ટમાંથી મનાઇ હુકમ લઇ આવ્યા હતા, પરંતુ ઓથોરીટી તરફથી હાઇકોર્ટમાં કોઇ મજબૂત કારણો રજૂ કર્યા હોવાનું જાણમાં નથી
- દેશના પાટનગર દિલ્હી એરપોર્ટના સુચારૂ સંચાલન માટે ‘થ્રેશહોલ્ડ’ પોઇન્ટ એટલે કે રન-વેલંબાવીને કાયમી ધોરણે ૬૭૦ મીટર દૂર લઇ જવાયો હતો જો દિલ્હી એરપોર્ટ ઉપર ‘થ્રેશહોલ્ડ’ પોઇન્ટ ખસેડી શકાતો હોય તો સુરતમાં કેમ નહીં?
- ૮૫ લાખનું સુરત આવનાર વર્ષોમાં એક કરોડની વસ્તીનો આંક વટાવી જશે. ઉદ્યોગોનું પણ દિવસ-રાત વિસ્તરણ થઇ રહ્યું છે. ઉપરાંત, અમદાવાદ-મુંબઇથી નજીકના અંતરે સુરત એરપોર્ટ ભવિષ્યમાં વિકલ્પ બનવાની ક્ષમતા ધરાવે છે. ત્યારે હાઇરાઇઝ્ડ બિલ્ડિંગના વિવાદને મુદ્દે વળગી રહીશું અને વિકાસના મુદ્દે નહીં વિચારશું તો સુરતનો વિકાસ અટકી જશે
- સુરતના સ્થાનિક ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ પણ એરપોર્ટના મુદ્દે ગંભીર હોવાનું જણાતા નથી બધાને વિમાન સેવા જોઇએ છે, પણ એરપોર્ટના વિકાસ માટે સિક્રય હોય એમ લાગતું નથી
અમદાવાદની વિમાની દુર્ઘટના બાદ સુરત એરપોર્ટ નજીકના હાઇરાઇઝ્ડ બિલ્ડીંગોના મુદ્દે પાછલા કેટલાક દિવસોથી સવાલોનો મારો ચાલી રહ્યો છે. સુરત એરપોર્ટ ઓથોરિટી કે સ્થાનિક મહાપાલિકા અથવા તો કલેક્ટરનું તંત્ર ચૂપ છે અને હાઇકોર્ટના મનાઇ હુકમનું કારણ સામે ધરવામાં આવી રહ્યું છે. અલબત્ત અમદાવાદની વિમાન દુર્ઘટના બનવા પામી ન હોત તો કદાચ સુરતના હાઇરાઇઝ્ડ બિલ્ડિંગનો પ્રશ્ન ફાઇલોમાં જ પડી રહ્યો હોત. વળી સુરત એરપોર્ટ ઓથોરિટીએ ક્યારેય પણ હાઇરાઇઝ્ડ બિલ્ડિંગોના મુદ્દે શું નિવેડો આવ્યો એ જાણવાની તસ્દી લીધી નથી.આ ઉપરાંત સૌથી મહત્ત્વની બાબત એ છે કે સુરત એરપોર્ટ કાર્યરત થયાના દિવસથી આજપર્યન્ત હાઇરાઇઝ્ડ બિલ્ડિંગોને કારણે વિમાનના લેિન્ડંગ કે ટેઇક ઓફની એકપણ દુર્ઘટના બનવા પામી નથી અને હવે તો ઇન્ટરનેશનલ ફલાઇટ્સ પણ સુરત એરપોર્ટ ઉપર આવા-ગમન કરે છે. તો પછી હાઇરાઇઝ્ડ બિલ્ડિંગનો મુદ્દો શા માટે ખૂબ જ જોરશોરથી ઉડાવવામાં આવી રહ્યો હશે.
સુરતમાં એરપોર્ટ ઓથોરિટી પૂર્ણકક્ષાએ અસ્તિત્વમાં આવ્યા બાદ સુરત એરપોર્ટની ત્રિજ્યિામાં આવતા હાઇરાઇઝ્ડ બાંધકામને મંજૂરી આપતા પહેલા ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ફરજિયાત મંજૂરી એટલે NOC મેળવ્યા પછી જ બાંધકામને મંંજૂરી આપવામાં આવે છે. મતલબ કેન્દ્ર સરકારનું નાગરિક ઉડ્ડયન મંત્રાલય સુરત એરપોર્ટની જરૂરિયાત અને અવરોધ બંને વિશે ચોક્કસ માહિતગાર હશે જ. વળી નવા બાંધકામો અંગે આજે પણ NOC આપવામાં આવી રહ્યા છે. મતલબ કેન્દ્રીય મંત્રાલય અને સ્થાનિક એરપોર્ટ ઓથોરિટી હાઇરાઇઝ્ડ બાંધકામને લઇને ગંભીર નથી અથવા તો અવરોધક નથી.સુરત એરપોર્ટ અને હાઇરાઇઝ્ડ બાંધકામના મુદ્દે જે રીતે કાગારોળ થઇ રહી છે. આ બાબતને મુંબઇ એરપોર્ટ સાથે સાંકળવામાં આવે તો મુંબઇ એરપોર્ટ નજીક સુરત કરતા વધુ ગગનચુંબી હાઇરાઇઝ્ડ બિલ્ડિંગોની હારમાળા છે અને રોજેરોજ નવા બિલ્ડિંગો બની રહ્યા છે પરંતુ મુંબઇ એરપોર્ટે હાઇરાઇઝ્ડ બિલ્ડિંગના મુદ્દે ક્યારેય પણ ઊહાપોહ મચાવ્યો હોવાનું ધ્યાનમાં નથી. મુંબઇ એરપોર્ટ સામે સુરત એરપોર્ટ રેલ્વેના ફલેગ સ્ટેશન જેવું કહી શકાય.
વળી સુરત એરપોર્ટ માટે અગાઉ સરવે કરાયા મુજબના ૧૨૧ બિલ્ડિંગોની ઊંચાઇ અવરોધરૂપ માનવામાં આવતી હતી પરંતુ એક પણ બિલ્ડિંગ સામે અસરકારક પગલાં ભરાયા નથી, વહીવટીતંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે. બિલ્ડરો અને રહેવાસીઓ હાઇકોર્ટમાં ગયા હોવાથી હાઇકોર્ટે મનાઇ હુકમ ફરમાવ્યો છે.હાઇકોર્ટના મનાઇ હુકમની અવગણના થઇ શકે નહીં પરંતુ એરપોર્ટ ઓથોરિટી ખરેખર સક્રિય હોય તો હાઇકોર્ટ સમક્ષ વાસ્તવિકતા અને તર્કબદ્ધ રજૂઆત કરવામાં આવે તો ચોક્કસ હાઇકોર્ટ પણ સમગ્ર પ્રકરણ અરજન્ટ હાથમાં લઇને નિકાલ લાવે જ કારણ કે જ્યા સેંકડો લોકોની સલામતીનો પ્રશ્ન હોય ત્યાં હાઇકોર્ટ પણ કેસની અવગણના કરી શકે નહીં. સુરત એરપોર્ટ આજકાલનું નથી અને હવે તો ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયું છે અને વિદેશની ફલાઇટસ પણ આવાગમન કરે છે. આવા સંજોગોમાં હાઇકોર્ટના મનાઇ હુકમને વચ્ચે લાવીને સમગ્ર પ્રકરણને અભરાઇ ઉપર મૂકી રાખવા ઉપરાંત હાઇરાઇઝ્ડ બિલ્ડિંગોમાં રહેતા અસંખ્ય પરિવારોને દ્વિધામાં રાખવામાં આવી રહ્યા છે.વળી એવી પણ ફરિયાદ છે એરપોર્ટ ઓથોરિટીનું NOC મેળવવા રજૂ કરવામાં આવતી ફાઇલોનો નિકાલ કરવામાં ખૂબ લાંબો સમય કાઢી નાંખવામાં આવે છે. આ તરફ એરપોર્ટ ઓથોરિટીનું NOC મળે નહીં ત્યાં સુધી સ્થાનિક ઓથોરિટી એટલે કે મહાપાલિકા તરફથી બાંધકામના નકશા મંજૂર કરવામાં આવતા નથી. પરંતુ મોટાભાગના લોકો બિલ્ડર્સને શંકાની નજરે જોતા હોવાથી વિલંબ કરવા પાછળ ચોક્કસ આશય હશે એવી શંકા કરવાને કારણ મળી શકે.
દિલ્હી, કલકતા, મુંબઈ, વડોદરા તથા અમદાવાદ સહિતના લગભગ મોટાભાગના એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો હોવા છતાં રન-વેના થ્રેશહોલ્ડ પોઇન્ટને (ટચ ડાઉન પોઇન્ટ) જરૂરિયાત મુજબ ખસેડી એરપોર્ટનું સુરક્ષા સાથે સંચાલન કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે સુરત એરપોર્ટ માટે DGCAદ્વારા સુરતમાં પણ રન-વેના થ્રેશ હોલ્ડ પોઇન્ટ ને ખસેડી સુરત એરપોર્ટનું સુરક્ષા સાથે સંચાલન કરવામાં આવી રહ્યું છે કે નહિ? તે બાબતે સૂત્રો પાસેથી માહિતી મળ્યા મુજબ, સુરત એરપોર્ટ ખાતે પણ રન-વેના થ્રેશ હોલ્ડ પોઇન્ટને (ટચ ડાઉન પોઇન્ટ) 615 મીટર િશફ્ટ કરી સુરત એરપોર્ટનું સુરક્ષા સાથે સંચાલન કરવામાં આવી રહ્યું છે. વિશેષમાં ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે DGCA દ્વારા એફિડેવિટ કરવામાં આવી છે જેમાં આ ઓબસ્ટેકલ ઉદ્ભવવાના કારણો બાબતે તેમજ એરપોર્ટની સુરક્ષા માટે લીધેલ પગલાં બાબતે ઉલ્લેખ કરેલ છે. ઉપરાંત DGCAની એફિડેવિટ મુજબ તમામ બિલ્ડરોએ જે તે સમયે NOC મેળવી NOCમાં મળેલ ઊંચાઈ મુજબનું બાંધકામ કરેલ છે છતાં ઓબ્સ્ટકલ ઉત્પન્ન થવા બાબતે અન્ય ટેક્નિકલ ખામીઓ જવાબદાર હોવા અંગેનો પણ ઉલ્લેખ કરેલ છે. આમ જે. તે બાંધકામ કરનારા આ અંગે જવાબદાર નહીં હોવાનો પણ ઉલ્લેખ કરાયો છેવિષેશમાં ડુમસ તરફથી પસાર થતી ONGCની પાઈપલાઈન ઉપર નાળુ બનાવી રન-વે લંબાવી શકાય તેમ છે. દિલ્હી એરપોર્ટના બે રન-વેના થ્રેશહોલ્ડને કાયમી ધોરણે ખસેડાયા છે, તે જ રીતે સુરતના એરપોર્ટ રન-વેના થ્રેશ્હોલ્ડને કાયમી ધોરણે ખસેડી ઓબ્સ્ટેકલનું કાયમી ધોરણે નિવારણ લાવીશકાય તેમ છે. એવું એરપોર્ટના સંચાલન વિશે પ્રાથમિક જ્ઞાન ધરાવતા લોકો માનવું છે.હાઇરાઇઝ્ડ બિલ્ડિંગો ખરેખર નડતરરૂપ હોય તો ઓથોરિટીએ તત્કાળ એક્શનમાં આવીને તોડી પાડવા જોઇએ જ? પણ ખૂબ મોટા વર્ગને અસર પહોચતી હોય ત્યારે ટેક્નિકલ વિકલ્પ તરફ પણ વિચારવું જોઇએ માત્ર જડતાથી નિર્ણયને વળગી રહેવાથી સમસ્યાનો કદાિપ ઉકેલ નહીં આવે, દુનિયાભરના વિમાનમથકોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુચારુ સંચાલન કરવામાં આવે છે. વળી ખરેખર સુરત એરપોર્ટનો વિકાસ કરવો જ હોય તો એરપોર્ટ ફરતેના વિસ્તારમાં હજુ ઘણી જગ્યાઓ ખુલ્લી પડી છે. પરંતુ સવાલ ઓથોરિટીની દાનતનો છે. સાથે જ સ્થાનિક ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ સમસ્યાનો ઉકેલ લાવવા કેટલું મંથન કરે છે એ પણ મહત્ત્વનું છે.
જાણવા મળ્યા મુજબ એરપોર્ટના વિસ્તરણ માટે જરૂરી જમીન સંપાદન કરવાની એરપોર્ટ ઓથોરિટીએ સામે ચાલીને ના પાડી દીધી હતી! એરપોર્ટ ઓથોરિટીના આ નિર્ણય સામે પણ અનેક સવાલ ઊભા થઇ રહ્યા છે. કારણ કે સુરત એક વિકસતું શહેર છે. હાલમાં સુરતની વસ્તી ૮૫ લાખની છે અને નજીકના વર્ષોમાં એક કરોડને વળોટી જવાનો અંદાજ છે! વળી ઉદ્યોગોનો પણ જબરદસ્ત ગ્રોથ અને વિસ્તરણ થઇ રહ્યું છે. આવા સંજોગોમાં કદાચ સુરતને બીજા એરપોર્ટની જરૂર પડશે. વળી અમદાવાદ અને મુંબઇની નજીક એકમાત્ર સુરત એરપોર્ટ કટોકટીના સમયે વિકલ્પ બની શકે એવી સ્થિતિમાં હોવાથી સુરત એરપોર્ટ વધુ સગવડતાભર્યું અને આધુનિક બનાવવામાં આવશે તો માત્ર સુરત નહીં સમગ્ર ગુજરાત માટે વિમાની અને કાર્ગો સુવિધાને અદ્યતન બનાવી શકાશે. માત્ર હાઇરાઇઝ્ડ બિલ્ડિંગના વિવાદને વળગી રહેશે તો સુરત એરપોર્ટના બીજા વિકલ્પ વિચારવાની તક ચુકી જવાશે નહીં. અને બની શકે સુરત એરપોર્ટનો પણ વધુ વિકાસ શક્ય નહીં બને. સુરત એરપોર્ટ તરીકે ઓળખાતા સુરત એરસ્ટ્રીપનું ૧૯૭૦મા મગદલ્લા ગામમાં નિર્માણ કરવામાં આવ્યું હતું.વર્ષ ૨૦૦૩મા સુરત એરપોર્ટ એરપોર્ટ ઓથોરિટીને સુપ્રત કરવામાં આવ્યું હતું. ૬મે ૨૦૦૭ના રોજ રન-વે ૧૪૦૦ મીટરથી વધારીને ૨૨૫૦ મીટર કરાયો હતો અને ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલના હસ્તે ફ્લેગ ઓફ કરાયું હતું. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૯ના રોજ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરાયુ હતું. ત્યાર બાદ ૧૭-૦૨-૨૦૨૩ના રોજ વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યું હતું. ૧૫-૧૨-૨૦૨૩ના રોજ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો અપાયો હતો.