અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમીલેયર અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દેશભરમાં વિવિધ સંગઠનોએ આજે (21 ઓગસ્ટ) ‘ભારત બંધ’નું આહ્વાન કર્યું છે. બસપા સહિત ઘણી પાર્ટીઓ આ બંધને સમર્થન આપી રહી છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે ભારત બંધ શા માટે બોલાવવામાં આવ્યો? સુપ્રીમ કોર્ટના કયા નિર્ણયનો દલિત સંગઠનો કરી રહ્યા છે વિરોધ? શું છે દલિત સંગઠનોની માંગ? યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) માં લેટરલ એન્ટ્રી સામે શા માટે સવાલો ઊભા થયા? ભારત બંધ દરમિયાન શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે? જાણો તમામ સવાલોના જવાબ
NACDAOR સંગઠને સરકારી નોકરી કરતા તમામ SC, ST અને OBC કર્મચારીઓની જાતિના ડેટા જાહેર કરવા અને ભારતીય ન્યાયિક સેવા દ્વારા ન્યાયિક અધિકારીઓ અને ન્યાયાધીશોની નિમણૂકની માંગ કરી છે. આ સાથે, સંગઠનનું કહેવું છે કે સરકારી સેવાઓમાં એસસી/એસટી/ઓબીસી કર્મચારીઓના જાતિ આધારિત ડેટા તરત જ જાહેર કરવામાં આવે જેથી તેમનું સચોટ પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરી શકાય. સમાજના તમામ વર્ગોમાંથી ન્યાયિક અધિકારીઓ અને ન્યાયાધીશોની ભરતી કરવા માટે એક ભારતીય ન્યાયિક સેવા આયોગની પણ સ્થાપના કરવી જોઈએ જેથી ઉચ્ચ ન્યાયતંત્રમાં SC, ST અને OBC શ્રેણીઓમાંથી 50 ટકા પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરી શકાય.
ભારત બંધને લઈને હજુ સુધી કોઈપણ રાજ્ય સરકારે સત્તાવાર માર્ગદર્શિકા જારી કરી નથી. પોલીસ પ્રશાસનને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. વિરોધ પ્રદર્શન દરમિયાન જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા સત્તાધીશો વ્યાપક પગલાં લઈ રહ્યા છે. ભારત બંધ દરમિયાન જાહેર પરિવહન સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. કેટલીક જગ્યાએ ખાનગી ઓફિસો બંધ થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે થોડા દિવસો પહેલા જ ક્વોટામાં અનામત અને ક્વોટામાં ક્રીમી લેયર સંબંધિત કેસમાં પોતાનો ચુકાદો આપ્યો હતો, જેમાં બંધારણીય બેંચે 6-1ની બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે રાજ્યોને ક્વોટાની અંદર ક્વોટા બનાવવાનો અધિકાર છે. જેનો મતલબ કે આ નિર્ણય બાદ રાજ્ય સરકારો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની શ્રેણીઓ માટે પેટા-શ્રેણીઓ બનાવી શકે છે, જેથી સૌથી વધુ જરૂરિયાતમંદોને અનામતમાં પ્રાથમિકતા મળી શકે.
સુપ્રીમ કોર્ટે 2004ના પોતાના જ જૂના નિર્ણયને પલટી નાખ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે, SCની અંદર કોઈપણ એક જાતિને 100% ક્વોટા આપી શકાય નહીં અને SCમાં સમાવિષ્ટ કોઈપણ જાતિના ક્વોટાનો નિર્ણય કરતા પહેલા તેના હિસ્સા વિશે નક્કર ડેટા હોવો જોઈએ. આ મોટો નિર્ણય દેશના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ બી.આર.ગવઈ, જસ્ટિસ વિક્રમનાથ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ પંકજ મિથલ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેંચે આપ્યો છે.
આ પણ વાંચો :-