કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં આવ્યા છે. જેમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. અમિત શાહે ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા સુભાષ ચોક પાસે આવેલા હનુમાનજી મંદિરે દર્શન કરી પ્રચાર શરુ કર્યો છે. દર્શન કર્યા બાદ મધ્યસ્થ કાર્યાલયે ચૂંટણીલક્ષી બેઠક યોજાવાની છે.
અમિત શાહે હનુમાન મંદિરમાં દર્શન કરીને જૂની વાત વાગોળી હતી. તેઓએ ભાવુક થતા થતા જણાવ્યુ હતુ કે, ‘આજે ૨૯ વર્ષ પહેલાનું દ્રશ્ય મને યાદ આવે છે. ભુપેન્દ્રભાઇ તે વખતે કાઉન્સિલર હતા અને હું પહેલીવાર ધારાસભ્યની ચૂંટણી લડવા જઇ રહ્યો હતો. અને આ જ હનુમાનજીના મંદિરના દર્શન કરીને ધારાસભાની ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી. ૩૦ વર્ષ પછી ફરીવાર એ જ હનુમાનજીના શરણમાં ફરીવાર દર્શન કર્યા છે.
અમિત શાહે સંબોધનમાં જણાવ્યુ કે, વડાપ્રધાને દેશને સમૃદ્ધ કરવાનું કાર્ય કર્યું છે. ૩૩ ટકા રિઝર્વેશન આપીને મહિલાઓને લોકસભા માટે મોકો આપ્યો છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, દેશનો ધ્વજ વિશ્વમાં સૌથી ઊંચો ફરકાવ્યો છે. દેશને સુરક્ષિત રાખવાનું કાર્ય પણ નરેન્દ્રભાઇએ કર્યું છે. પાકિસ્તાનના ઘરમાં જઈને જવાબ આપ્યો છે.
બેઠકમાં અત્યાર સુધી કરવામાં આવેલા કામો અંગે શાહને માહિતગાર કરાશે. વિવિધ હોદ્દેદારોને બુથ વાઇસ સોંપવામાં આવેલી અને અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ પણ અપાશે. તેમજ તેમની સાથે ધારાસભ્યો, હોદ્દેદારો ,ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત ક્લસ્ટર પ્રભારી અને પ્રભારી તથા સંયોજક પણ બેઠકમાં હાજરી આપશે. નોંધનીય છેકે, ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારે અમદાવાદમાં રૂ. ૩૦૧૨ કરોડના વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત દિલ્હીથી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કર્યુ હતુ. આ કાર્યક્રમના પાંચ- છ કલાક બાદ તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. આથી, ભાજપના કાર્યકરોમાં આગામી એક-બે દિવસમાં જ લોકસભાની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા પ્રર્વતી છે.
આ પણ વાંચો :-