ઈઝરાઇલ અને હમાસ વચ્ચે યુદ્ધ હવે ગંભીર તબક્કામાં પ્રવેશી ગયું છે. યુદ્ધવિરામ અણીએ આવી ગયું છે તેમ છતાં ઈઝરાઇલ દ્વારા ગાઝા પટ્ટી પર તાબડતોબ હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે જેના લીધે ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનીઓનો મૃતકાંક ૧૪૫૩૨ને વટાવી ગયાનો દાવો કરાયો છે. આ દરમિયાન પેલેસ્ટાઈનના ડૉક્ટરોએ દાવો કર્યો હતો કે ગાઝામાં સંયુક્ત રાષ્ટ્રની રાહત તથા કાર્ય એજન્સી દ્વારા સંચાલિત અબુ હુસૈન સ્કૂલ પર ઈઝરાઇલ દ્વારા હવાઈ હુમલા કરાયા હતા.
હવાઈ હુમલામાં લગભગ ૩૦થી વધુ લોકોના મોત થયા છે જ્યારે ૯૩ જેટલાં ઘાયલ હોવાની માહિતી મળી રહી છે. ગાઝા પટ્ટીના ડૉક્ટરે નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે ઉત્તર ગાઝાના જબાલિયા શરણાર્થી કેમ્પને ઈઝરાઇલી સૈન્યએ નિશાન બનાવ્યું હતું. આ ગાઝા પટ્ટીના સૌથી મોટા શરણાર્થી કેમ્પ પૈકી એક છે. તેની અંદર જ અબુ હુસૈન સ્કૂલ આવેલી હતી જ્યાં ઈઝરાઇલી સૈન્યએ હુમલો કર્યો હતો.
ઈઝરાઇલી સૈન્ય દ્વારા હમાસના લડાકૂઓને નિશાન બનાવીને સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. જેમાં ઘણી વાર તો હોસ્પિટલ કે પછી સ્કૂલ કે મસ્જિદને નિશાન બનાવવામાં આવી હતી. તાજેતરના કેસમાં જબાલિયા શરણાર્થી કેમ્પમાં આશ્રય મેળવવા આવેલા હજારો પેલેસ્ટિનીઓ પર હવાઈ હુમલાની માહિતી મળી છે. આ ઉપરાંત ઉત્તર ગાઝામાં ઈન્ડોનેશિયાઈ હોસ્પિટલ ઉપર પણ નવા હુમલા કરાયા હતા જેમાં મેઈન ગેટ અને વીજળીના જનરેટરને નિશાન બનાવાયા હતા.
આ પણ વાંચો :-