Wednesday, Jan 28, 2026

ખ્યાતિકાંડ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP

2 Min Read

અમદાવાદમાં 12 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા થયેલા PMJAY યોજનાના કૌભાંડના 40 દિવસ બાદ સરકાર જાગી છે. આજે(23 ડિસેમ્બર) નવી SOP જાહેર કરવામાં આવી છે. જેમાં હવે કાર્ડિયોલોજી સેવાઓ માટે ફુલ ટાઇમ કામ કરતાં સેન્ટરોને જ માન્યતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી SOPમાં અલગ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેના મુદ્દા નીચે મુજબ છે. આ SOP મુજબ દર્દીની એંજિઓગ્રાફી કરવામાં આવી હોય તેના પરિવારને અને આરોગ્ય વિભાગને પણ પુરાવારૂપે સીડી આપવાની રહેશે.

મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે મહત્ત્વની સૂચના આપતા જણાવ્યુ કે, PMJAY યોજના હેઠળ મહત્ત્વની ચાર પ્રકારની સારવાર છે તેમાં એસઓપી નક્કી કરી છે. આપણે કાર્ડિયોલોજીની સેવાઓમાં કાર્ડિયોલોજીસ્ટ અને કાર્ડિઓ થોરાસિસ્ટ સર્જન સાથે કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કન્સલટન્ટ માટે માન્યતા પ્રાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.

આ ઉપરાંત હોસ્પિટલોને પણ કાર્ડિયાક એનેસ્થેટિક અને ફિઝિયોથેરાપિસ્ટ રાખવા પણ આવશ્યક છે. હોસ્પિટલોને એન્જિયોપ્લાસ્ટિ સીડી બનાવવી અને આપવી પણ ફરજિયાત કરી છે. ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિ આવશ્યક હોય તેવા સંજોગોમાં ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે.

નોંધનીય છે કે, PMJAY યોજના હેઠળ ગરીબો માટે મફત સારવારની વ્યવસ્થા છે, પરંતુ કેટલાક ખાનગી દવાખાના દ્વારા આ યોજનાનો ગેરવપરાશ થતો હોવાનું ખુલ્યું છે. ખાસ કરીને ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં જરૂરી ન હોય તેટલી એન્જીઓપ્લાસ્ટી કરાવવાનો ખુલાસો થયો હતો, જેમાં દર્દીઓને હેલ્થ કેમ્પના બહાને આકર્ષવામાં આવ્યા હતા અને છૂટી સારવાર આપીને નાણાંનો દુરૂપયોગ થયો હતો. બીજી બાજી આવી હોસ્પિટલો અનકે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં કર્યા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :-

Share This Article