મણિપુરના જીરીબામ જિલ્લામાં ઉગ્રવાદીઓ દ્વારા એક વૃદ્ધ વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. જેના કારણે ત્યાં ફાટી નીકળેલી હિંસા બાદ મૈતેઈ સમુદાયના ૨૦૦થી વધુ લોકોને તેમના ગામોમાંથી બહાર કાઢીને નવા બનેલા રાહત શિબિરમાં લઈ જવામાં આવ્યા છે. શંકાસ્પદ ઉગ્રવાદીઓએ જીરીબામ જિલ્લાના અંતરિયાળ ગામો લમતાઈ ખુનૌ, ડિબોંગ ખુનૌ, નુનખાલ અને બેગરામાં રાહત શિબિરોમાં રહેતા લોકોના ઘરોને સળગાવી દીધા હતા તેમ અધિકારીઓએ આજે શનિવારે માહિતી આપી છે.
પોલીસે જણાવ્યું હતું કે, જાતીય સંઘર્ષગ્રસ્ત એવા મણીપુરના જીરીબામ જિલ્લામાં ગુરુવારે સાંજે તણાવ ફેલાઈ ગયો હતો. ત્યારે એક સમુદાયના ૫૯ વર્ષીય વ્યક્તિની કથિત રીતે અન્ય સમુદાયના ઉગ્રવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી.
સોઈબામ સરતકુમાર સિંહ નામના વૃદ્ધ વ્યક્તિ સવારે પોતાના ખેતરમાં ગયા બાદ ગુમ થઈ ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બાદમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના પર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાના નિશાન મળી આવ્યા હતા. ઘટના પછી, ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ એક ખાલી પડેલા માળખાને આગ લગાવીને જવાબ આપ્યો હતો.
સ્થાનિક લોકોએ જીરીબામ પોલીસ સ્ટેશનની સામે વિરોધ પણ કર્યો હતો અને માગણી કરી હતી કે, ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમની પાસેથી લીધેલા લાયસન્સવાળા હથિયારો ચૂંટણી પૂર્ણ થયા પછી તેમને હવે પરત કરવામાં આવે.
આ પણ વાંચો :-