500 વર્ષ બાદ આજે અયોધ્યામાં રામલલાની હાજરીમાં ઐતિહાસિક દીપોત્સવ મનાવવામાં આવશે અને એનો લહાવો લેવા માટે આખા દેશમાંથી લોકો ત્યાં પહોંચી રહ્યા છે. રાજયના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રમાં પર્યટન અને સંસ્કૃતિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત સહિતના મહાનુભવો પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે હાજર રહેવાના છે.
અયોધ્યાના સાકેત મહાવિદ્યાલયથી 18 ઝાંકી નીકળશે. તમામ ઝાંકીઓ રામાયણના પ્રસંગો પર આધારિત છે. જુદા-જુદા પ્રદેશોના કલાકાર પોતાની સંસ્કૃતિની પણ રજૂઆત કરશે. આતશબાજી અને રંગોળીઓ સંગ શોભાયાત્રા કાઢવામાં આવશે. બપોરે 2.30 વાગ્યે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચશે. ત્યાં પહોંચીને તેઓ ભગવાન રામ-સીતાના રાજયાભિષેકમાં સામેલ થશે. તેઓ બીજા પ્રધાનોની સાથે ભગવાન રામ-સીતાનો રથ ખેંચશે.
રામ કી પૈડી સહિત પંચાવન ઘાટ પર 28 લાખ દીવડા ગોઠવી દેવામાં આવ્યા છે. એને પ્રજવલિત કરવાની જવાબદારી અવધ વિશ્વવિદ્યાલયના 30,000 વોલન્ટિયર્સને સોંપવામાં આવી છે. સાંજ સુધીમાં આ દીવડા પ્રગટાવી દેવામાં આવશે. ત્યાર બાદ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમ ડ્રોનની મદદથી આ દીવડાઓની ગણતરી કરીને રાત્રે આઠ વાગ્યા સુધીમાં રિઝલ્ટ જાહેર કરે એવી શક્યતા છે.
અયોધ્યાના આકાશમાં 500 ડ્રોનની મદદથી ભવ્ય એરિયલ-શો કરવામાં આવશે જેમાં પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ અને હનુમાનજીની વીર મુદ્રાનાં લોકો દિવ્ય દર્શન કરી શકશે. 15 મિનિટ ચાલનારા આ શો દરમ્યાન અયોધ્યાના આકાશમાં રાવણવધ, પુષ્પક વિમાન, દીપોત્સવ સહિત રામમંદિર બતાવવામાં આવશે. આજે મુખ્ય પ્રધાનની હાજરીમાં જ મહાઆરતીનો પણ રેકાવર્ડ થવાનો છે. સાંજે સરયૂ નદીના કિનારે આરતીમાં 1100 બાળકો, 157 સંત હાજર રહેશે. તમામ બાળકો એક જ વેશભૂષામાં હશે. ૧૫ મિનિટ ચાલનારી આ આરતીમાં એકસાથે આટલાં બાળકો હોવાં એ એક રેકોર્ડ જ ગણાશે.
આ પણ વાંચો :-