આમ આદમી પાર્ટીને દિલ્હીમાં મોટો ઝટકો લાગ્યો છે. એકસાથ 15 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ તમામે નવી પાર્ટી બનાવવાની પણ જાહેરાત કરી છે. કાઉન્સિલરોએ આ જાહેરાત કરતા આમ આદમી પાર્ટીના ટોચના નેતૃત્વ પર નગર નિગમને યોગ્ય રીતે ચલાવી ન શકવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, જનતાને કરવામાં આવેલા વચનો પૂરા ન કરી શકવાના કારણે અમે પાર્ટીના પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપી રહ્યા છીએ.
કાઉન્સિલરોએ નવી પાર્ટીની જાહેરાત કરતા કહ્યું કે, અમારી પાર્ટીનું નામ ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી હશે અને મુકેશ ગોયલને અમે પાર્ટીના પ્રમુખ પસંદ કરવામાં આવ્યા છે. કાઉન્સિલરોએ જણાવ્યું કે, અમે તમામ કાઉન્સિલરો દિલ્હી મહાનગર પાલિકામાં સત્તામાં આવ્યા છતાં પાર્ટીનું ટોચનું નેતૃત્વ દિલ્હી મહાનગર પાલિકાને યોગ્ય રીતે ચલાવવામાં અસમર્થ રહ્યું. ટોચના નેતૃત્વ અને મ્યુનિસિપલ કાઉન્સિલરો વચ્ચે લગભગ કોઈ સંકલન નહોતું જેના કારણે પક્ષ વિરોધમાં આવી ગયો. જનતાને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળતાને કારણે, અમે નીચેના કાઉન્સિલરો પક્ષના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી રહ્યા છીએ.
ગત મહિને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં ભાજપનો વિજય થયો હતો. ભાજપના કાઉન્સિલર રાજા ઇકબાલ સિંહ દિલ્હીના નવા મેયર બન્યા. મેયરની ચૂંટણીમાં તેમને 133 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મનદીપને માત્ર આઠ મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીએ મેયરની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને પોતાનો ઉમેદવાર પણ ઊભો રાખ્યો ન હતો. ભાજપ બે વર્ષ પછી ફરી એકવાર MCD માં સત્તા કબજે કરવામાં સફળ રહ્યું. ભાજપે રાજા ઇકબાલ સિંહને મેયર પદ માટે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. ચૂંટણી જીતતા પહેલા તેમણે કહ્યું હતું કે, દિલ્હીના લોકોએ શહેરની સમસ્યાઓ ઉકેલવાની જવાબદારી તેમની પાર્ટીને સોંપી છે.