રાજકોટમાં વિકરાળ આગની દુર્ઘટનાથી સમગ્ર રાજ્યમાં અફડાતફડી મચી છે. ત્યારે સુરતમાં સાંકડી ગલીઓ અને મહિલાઓની ખરીદીથી ધમધમતી ચૌટા બજારમાં કપડાંની દુકાનમાં ભયાનક આગ લાગી ગઈ હતી. જેથી આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આગની વિકરાળ જ્વાળાઓને કારણે લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો.
આગની દુર્ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. લોકો ડરના માર્યા પોતાની દુકાનમાંથી બહાર દોડી આવ્યા હતાં. બાદમાં સમગ્ર આગનો વીડિયો બનાવ્યો હતો. સાથે જ ફાયરબ્રિગેડને જાણ કરી દેવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડની 3થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. બાદમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે સમગ્ર આગમાં કોઈ જાનહાનિનો બનાવ સામે આવ્યો નથી.
ચૌટા બજારમાં આવેલી સલોની ચોપાટી ફેશન નામની દુકાન ઉપરના માળે આવેલી છે. તેમાં બપોરના સમયે શોર્ટ સર્કિટથી આગ લાગી ગઈ હતી. આગની જ્વાળા જોત જોતામાં સમગ્ર દુકાનમાં ફેલાઈ ગઈ હતી. નીચેના માળે જ્યુશ સેન્ટર અને ફાસ્ટ ફૂડની દુકાન આવેલી છે જો કે, આગ લાગી ત્યારબાદ દુકાનમાંથી માલિક સહિતના લોકો દોડીને નીચે ઉતરી ગયા હતાં. દુકાનમાં ફાયર સેફ્ટીના સાધનો હતા કે કેમ તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો :-