રામમંદિરની આબેહુબ પ્રતિકૃતિ અને હીરા જડીત મુગુટનુ સુરતમા નિર્માણ, રામલલ્લાનો શુભ સંકેત હશે

Share this story
  • મંદિરની આબેહુબ પ્રતિકૃતિ તૈયાર કરનાર ડી.ખુશાલભાઇ જ્વેલર્સના દિપક ચોકસીને કલ્પના પણ નહોતી કે યોગી આદિત્યનાથ તેમને ‘‘સ્ટેટ ગેસ્ટ’’નો દરજ્જો આપશ
  • દિપક ચોકસીને મંદિરની પ્રતિકૃતિ બનાવવાનો વિચાર આવ્યો હતો અને ત્રણ માસ પહેલા આયોધ્યામાં યોગી આદિત્યનાથ સાથે પ્રથમ મુલાકાત હતી
  • યોગી આદિત્યનાથે દિપક ચોકસી અને ટીમને મંદિર પરિસર, નિર્માણકાર્ય સહિતની મુલાકાત કરાવી પ્રતિકૃતિમા રામલલ્લાની મૂર્તિ મુકવાનુ સુચન કર્યું હતું
  • સુરતના ‘ગ્રીન લેબ’ ના હીરાના વેપારી મુકેશ પટેલને પણ અચાનક વિચાર આવ્યો હતો અને લગભગ ૧૧ કરોડનો સાડાચાર કિલો વજનનો હીરા, માણેક, પન્ના જડીત મુગુટ રામલલ્લાને અર્પણ કરીને સુરતને ગૌરવ અપાવ્યું કદાચ આ રામલલ્લાની ઇચ્છા હશે
  • પ્રતિકૃતિ તૈયાર થઇ ત્યારે ખુદ દિપક ચોકસી અચંબિત થઇ ગયા હતા, આ પ્રતિકૃતિ વડાપ્રધાન મોદી અને મોહન ભાગવતને ભેટ કરવામાં આવી ત્યારે ચોકસી પરિવાર ગૌરવ મહેસુસ કરી રહ્યું હતું
 અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્સવ સાથે સુરત પણ આ ઘટનાના વણાઇ ગયું હતું આમ સમગ્ર ઘટનાક્રમ સાથે સુરતનો મોટો હિસ્સો રહ્યો હતો. દેશભરમાં ભગવાન રામના ચિત્ર સાથે ફરકતી કરોડો ધજાઓ સુરતમાં બની હતી અને પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્સવ પૂર્વે દેશ અને વિદેશના કેટલાક શહેરોમા ફરકતી થઇ ગઇ હતી પ્રતિષ્‍ઠા મહોત્સવના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતને ભેટ આપવામાં આવેલી ભગવાન રામના મંદિરની આબેહુબ ચાંદીમા બનાવેલી પ્રતિકૃતિ સુરતના પ્રતિષ્‍ઠીત ડી.ખુશાલભાઇ જ્વેલર્સમાં તૈયાર કરવામાં આવી હતી.
આ મંદિરની પ્રતિકૃતિ અને ભગવાન રામલલ્લાના મંદિર વચ્ચે રતીભર પણ તફાવત નથી. જ્યારે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્સવ પ્રસંગે ભગવાન રામલલ્લાને સોનાનો હીરા, માણેક જડીત લગભગ ૧૧ કરોડની કિંમતનો મુગુટ પણ સુરતના જ ડાયમંડના ઉદ્યોગકાર, વેપારી મુકેશ પટેલ પરિવારે અપર્ણ કર્યો હતોનિર્માણ‌ાધિન રામમંદિરની આબેહુબ પ્રતિકૃતિ બનાવવાનો ડી. ખુશાલભાઇ જ્વેલર્સના માલિક દિપક ચોકસીને ઘણાં લાંબા સમય પહેલા વિચાર આવ્યો હતો. દિપક ચોકસીને હંમેશા કઇક નવું કરતા રહેવાની આદત છે. તેમના મનમસ્તિકમાં હંમેશા કેઇકને કંઇક ચાલતુ રહે છે પરંતુ રામમંદિર બનાવવાનો તેમનો વિચાર ચમત્કારીક બની જશે એવી તેમણે પણ કલ્પના કરી નહોતી પરંતુ વિચાર આવ્યો તો તે દિશામા પ્રયાણ પણ કર્યું લગભગ ચાર માસ પહેલા તેઓ અયોધ્યા પહોચ્યા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમક્ષ વિચાર મુકવા સાથે પોતે કલ્પનાથી બનાવેલી મંદિરની પ્રતિકૃતિ યોગી આદિત્યનાથને બતાવતા તેઓ ખૂબ જ પ્રભાવિત થઇ ગયા હતા.
અલબત દિપક ચોકસી પુત્ર દિપનો યોગી આદિત્યનાથ સાથેની પહેલી મુલાકાત હતી પરંતુ યોગી આદિત્યનાથ એટલા બધા પ્રભાવિત થઇ ગયા હતા કે તેમણે પોતાના અધિકારીઓની આખી ટીમ દિપક ચોકસી સાથે મંદિરના ચાલી રહેલા બાંધકામના સ્થળે મોકલી આપી હતી. જ્યાં કોઇને પગ મુકવાની પણ મંજુરી નહોતી ત્યાં દિપક ચોકસી અને અધિકારીઓનો કાફલો મંદિર સ્થળે ખુંદી રહ્યા હતા.
યોગી આદિત્યનાથે દિપક ચોકસીને ઉત્તરપ્રદેશ સરકારના ‘સ્ટેટ ગેસ્ટ’ બનાવશે એવું દિપક ચોકસી વિચારી શકવા પણ સક્ષમ રહ્યા નહોતા આગળ પાછળ પોલીસના વાહનોનો કાફલો સાથે સનદી અધિકારીઓ દિપક ચોકસીને ગાઇડ કરી રહ્યા હતા. આ બધા માટે દિપક ચોકસી પોતાનો અહોભાવ પણ પ્રગટ કરી શક્યા નહોતા.
દિપક ચોકસી તથા કારીગરોએ રામમંદિર નિર્માણની ઘટનાનુ નિરીક્ષણ કરવા સાથે મંદિરની ડિઝાઇન મુજબ આબેહુબ પ્રતિકૃતિ બનાવવાની મનમાં ગાંઠવાળી લીધી હતી. ખરેખર તો દિપક ચોકસી માટે આ એક પ્રકારની કસોટી હતી. યોગી આદિત્યનાથે મંદિરની પ્રતિકૃતિમા ભગવાન રામલ્લાની મૂર્તિ મુકવાનુ પણ સુચન કર્યું હતું. કદાચ દિપક ચોકસી કરતા યોગી આદિત્યનાથ વધુ ઉત્સાહિત હતા. તેમણે મંદિરના આર્કિટેક્ટ સોમપુરા અને મંદિરના મુખ્ય ટ્રસ્ટી ચપટલાલજી સાથે મુલાકાત કરાવી હતી. આ બધા ઘટનાક્રમ વચ્ચે દિપક ચોકસીના દિલ અને દિમાગ હલી ગયા હતા.
તેમણે દૃઢ નિશ્ચય સાથે સુરતની વાટ પકડી અેક બે નહીં છ છ કારીગરોને રામલલ્લાના મંદિરની આબેહુબ નહી પરંતુ અદભૂત પ્રતિકૃતિનુ નિર્માણ કરવા કામે લગાડી દીધા હતા. માત્રને માત્ર હસ્તકલાનો ઉપયોગ અને લગભગ ત્રણ કિલો ચાંદીનો ઉપયોગ કરીને મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યું ત્યારે ખુદ દિપક ચોકસીના આત્માને પણ સંતોષ થયો હતો. અયોધ્યામાં નિર્માણ પામેલા અને પામી રહેલા મંદિરમાં અને દિપક ચોકસીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ પ્રતિકૃતમાં અંશમાત્ર તફાવત નહોતો. આ ઉપરાંત મંદિરને સોનાથી ગોલ્ડ પ્લેટેડ કરવામાં આવતા મંદિરની દિવ્યતા ઝળહળી ઉઠી હતી અને મંદિરની પ્રતિકૃતિ જ્યારે યોગી આદિત્યનાથને સુપ્રત કરવામાં આવી ત્યારે તેઓ ગદગદીત થઇ ગયા હતા. દિપક ચોકસીનો પુત્ર દિપ અને ટીમના સભ્યો મંદિરની પ્રતિકૃતિ સુપ્રત કરવા અયોધ્યા ગયા હતા.
રામલ્લાના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતને મંદિરની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી ત્યારે આ દૃષ્‍ય જોઇને દિપક ચોકસી પરિવાર મળેલા અવસર બદલ ધન્યતા અનુભવી રહ્યો હતો. કદાચ રામલલ્લાની ઇચ્છાના કારણે જ આ શક્ય બન્યું હશે એવું ચોક્કસ કહી શકાય. ઉત્તરપ્રદેશના ‘સ્ટેટ ગેસ્ટ’ બનવાની કલ્પના બહારની ઘટના અંગે દિપક ચોકસી આજે પણ વિચારી શકતા નથી!
ડો. ખુશાલભાઇ એન્ડ સન્સના નામથી ઓળખાતી પેઢીના માલિક દિપક ચોકસી પરિવાર જુનાગઢના નવાબીકાળથી જવેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ ભારતની પરંપરાગત જવેલરી અને હસ્તકલાના ઘરેણા માટે ખૂબજ જાણીતા છે. પુરાતન કાળની જવેલરી મેળવવા માટે અનેક લોકો દિપક ચોકસીને શોધતા આવે છે. ૨૦૧૧ના વર્ષમા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએજ સુરતમાં ડો. ખુશાલભાઇ જવેલર્સનુ ઉદ્ધાટન કર્યું હતુ. ધાર્મિક પ્રતીમાઓ મંદિરના આભુષણો અને સોના ચાંદીની હસ્તકલાની જવેલરી બનાવવામાં દિપક ચોકસીની વિશેષ ખાસીયત છે. ખાસ કરીને વડાપ્રધાન જેવા મહાનુભાવોને કોઇ વિશેષ ગીફટ આપવાની હોય ત્યારે લોકો દિપક ચોકસીને અચુક યાદ કરે છે. તેમના શો-રૂમ્સમાં એક એકથી ચઢિયાતી જવેલરી અને ગીફ્ટ આર્ટીકલ્સની હારમાળા જોવા મળે છે.
અયોધ્યામાં રામલલ્લાના મંદિરનુ નિર્માણકાર્ય શરૂ કરાયુ તે દિવસથી દિપક ચોકસી કંઇક અદ્‍ભૂત કરવા માંગતા હતા પરંતુ કલ્પના બહારનુ અદ્‍ભૂત થઇ જશે તેવું દિપક ચોકસીએ વિચાર્યુ પણ નહોતું.
‌દરમ્યાન રામલલ્લાના મંદિર સાથે સુરતને સાંકળતી આવી જ એક ઘટનામાં સુરતના હીરાના ઉદ્યોગપતિ ‘‘ગ્રીન લેબ’’ વાળા મુકેશ પટેલને પણ અનાયાસે રામલલ્લાને હીરા, પન્‍ના, માણેક જડીત સોનાનો મુગુટ ભેટ આપવાની ઇચ્છા પ્રગટ થઇ હતી.રામ લલ્લાની બાળ સ્વરૂપ મૂર્તિ તૈયાર થઇ ગયાના ગણતરીના દિવસોમાં મુકેશ પટેલે મનમાં પ્રગટ થયેલો વિચાર અલમાં મુકવાનું નક્કી કર્યું હતું અને રાતોરાત અયોધ્યા પહોંચીને મંદિરના ટ્રસ્ટી ચપટવાલા વગેરેને મળી રામલ્લાની મૂર્તિના મસ્તીકનુ માપ લેવાની મંજુરી મેળવી લીધી હતી અને ભગવાનના આભુષણો બનાવવાના નિષ્ણાંત કલાકસબીઓને બોલાવીને સોનાનો મુગુટ બનાવવાના કામે લગાડી દીધા હતા અને લગભગ સાડાચાર કિલો સોનું અને હીરા, માણેક, પન્ના જડીત મુગુટ તૈયાર કરી દેવાયો હતો. પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્સવના સમાપનના બીજા દિવસે મુકેશ પટેલ પરિવારે ભગવાન રામલલ્લાને લગભગ ૧૧ કરોડમાં સાકાર થયેલો મુગુટ અપર્ણ કરીને ધન્યતા અનુભવી હતી.
અયોધ્યામાં ભગવાન રામલલ્લાના મંદિરનું નિર્માણ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા વખતે સુરતમાં જ્વેલર્સ દિપક ચોકસી ‘‘ગ્રીનલેબ’’ ડાયમંડના મુકેશ પટેલને સાવ અનાયાસે આવેલા વિચાર પાછળ ચોક્કસ કોઇ શુભ સંકેત હશે. આ બન્ને પૈકી કોઇએ પણ કોઇ સંકલ્પ કર્યો નહોતો કે આગોતરું આયોજન પણ નહોતુ. પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્સવ વખતે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કાળચક્ર બદલાઇ રહ્યું છે મતલબ સમય બદલાઇ રહ્યો છે.