Sunday, Dec 7, 2025

દરિયાપુરમાં મદરેસાના સર્વે કરવા ગયેલા આચાર્ય પર ટોળાએ કર્યો હુમલો

2 Min Read

અમદાવાદમાં મદરેસાના સર્વેની કામગીરી દરમિયાન હુમલાની ઘટના સામે આવી છે. દરિયાપુરમાં આવેલા સુલતાન મહોલ્લામાં સર્વે કરવા ગયેલા આચાર્ય પર ટોળાએ હુમલો કર્યો હતો. આચાર્ય બાપુનગરની સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયમાં ફરજ બજાવે છે. શિક્ષણ વિભાગના આદેશને પગલે આચાર્ય સર્વે કરવા પહોંચ્યા હતા. આચાર્ય મદરેસા બંધ હોવાથી પુરાવારૂપે ફોટો લઈ રહ્યા હતા એ સમયે ટોળાએ આચાર્ય પર હુમલો કર્યો હતો. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના આદેશથી આજે ગુજરાતના તમામ મદરેસાઓમાં સરવે હાથ ધરવામાં આવ્યો છે

રાજ્ય શિક્ષણ વિભાગના આદેશ બાદ રાજ્યની ૧૧૨૮ મદરેસાઓમાં સર્વે હાથ ધરાયો છે. એ પૈકી કેટલીક મદરેસાઓમાં સહકાર ન મળી રહ્યો હોવાની વિગતો પણ સામે આવી રહી છે. આ સમયે દરિયાપુરમાં સુલતાન મહોલ્લામાં આવેલી મસ્જિદમાં સરવે માટે ટીમ ગઈ એ સમયે એકાએક ટોળુ એકત્રિત થઈ ગયુ હતુ. અને તેમણે શિક્ષક પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી, ભોગ બનનાર શિક્ષક અને આચાર્ય મંડળના સભ્યોએ દરિયાપુર પોલીસ સ્ટેશને જઈ ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.

સુલતાન મહોલ્લા વિસ્તારમાં આવેલી મસ્જિદ અને આસપાસના સીસીટીવી મેળવી તપાસ હાથ ધરી છે. મસ્જિદના સંચાલકો અને સ્થાનિક અગ્રણીઓ પાસેથી પણ પોલીસ ઘટના અંગે જાણકારી મેળવી રહી છે. જેમા હુમલા કરનારા તોફાની તત્વો અંગે વિગતો મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. સ્થાનિક અગ્રણીઓ દ્વારા જાણવા મળ્યુ છે કે આ પ્રકારે ડાયરેક્ટ ટીમ સરવે કામગીરી માટે પહોંચી જતા લોકોની લાગણી દુભાતી હોય છે. આ અંગે જો વકફ બોર્ડને સૂચના આપવામાં આવે અને ત્યારબાદ બોર્ડની સૂચના બાદ સરવે કામગીરી કરવામાં આવે તો ચોક્કસથી પૂરતો સહકાર મળી રહે . આજ સાંજ સુધીમાં જ સરવેની કામગીરી પૂર્ણ કરી વિગતો એકત્ર કરવાની હોવાથી વકફ બોર્ડનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ સરવે ટીમ દ્વારા કરાઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

Share This Article