Friday, Oct 31, 2025

હાથરસમાં ટાટા મેજિક અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત, 7 લોકોના મોત

2 Min Read

ઉત્તર પ્રદેશના હાથરસમાં એક ભયાનક અકસ્માતમાં 7 લોકોના મોત થઇ ગયા છે.8 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મૃતકોમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. મુસાફરોને લઈ જઈ રહેલી ટાટા મેજિક બેકાબૂ થઈ ગઈ અને ટ્રક સાથે અથડાઈ. તો ટ્રક અનિયંત્રિત થઈને પલટી મારી ગઈ હતી. ટાટા મેજિક હાથરસના કુમરાઈ ગામથી એટાના નાગલા ઈમલિયા ગામ જઈ રહ્યું હતું. તમામ લોકો ઉત્તર પ્રદેશના રહેવાસી છે.

કોતવાલી પોલીસ સ્ટેશનના હાથરસ જંકશન વિસ્તારના સલેમપુર પાસે વાહનોની ટક્કર થઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા તમામ 7 લોકો મેજિકમાં મુસાફરી કરી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, બધા લોકો કેન્સરથી પીડિત 60 વર્ષીય વ્યક્તિને સારવાર માટે હૉસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. મેજિકમાં લગભગ 20 લોકો સવાર હતા.

સીએમ યોગી આદિત્યનાથે હાથરસના મથુરા-કાસગંજ હાઈવે પર થયેલા રોડ અકસ્માતની નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવા નિર્દેશ આપ્યો છે. આ સાથે જ તેમણે ઘાયલોના ઝડપથી સાજા થવાની કામના પણ કરી છે.

દુર્ઘટના બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો છે. સીએમ યોગીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘હાથરસ જિલ્લાના મથુરા-કાસગંજ હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં જાનહાનિ અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવાર સાથે છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને રાહત કાર્ય ઝડપથી હાથ ધરવા અને ઘાયલોને યોગ્ય સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા સૂચના આપવામાં આવી છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં શાંતિ અર્પે અને ઘાયલોને ઝડપથી સાજા કરે તેવી પ્રાર્થના છે.

આ પણ વાંચો :-

Share This Article