ભાવનગર જિલ્લાના આર્થિક કરોડરજ્જુ સમાન અલંગ યાર્ડમાં દોઢ વર્ષ બાદ ઓક્ટોબર મહિનો તેજીની આશા લઈને આવ્યો હતો. જેના કારણે નાણાંકીય વર્ષના બાકીના પાંચ મહિના શિપ બ્રેકીંગ ઉદ્યોગ મંદીના મોજામાંથી ઉગરેલો રહેશે તેવી આશા હતી. પરંતુ તેનાથી વિપરીત નવેમ્બર મહિનો નિરાશાજનક રહ્યો હોય તેમ અડધો અડધ જેટલા શિપની ઘટ સાથે માત્ર ૧૦ જહાજ કટિંગ થવા માટે અલંગના દરિયાકાંઠે લાંગર્યા હતા.
જહાજ ભાંગવા માટે એશિયામાં સૌથી મોટું સ્થાન ધરાવતા અલંગ શિપરિસાયકલીંગ યાર્ડ માટે ૨૦૨૩-૨૪નું નાણાંકીય વર્ષ એકંદરે નબળું સાબિત પૂરવાર થઈ રહ્યું છે. એકમાત્ર ઓક્ટોબર માસમાં એપ્રિલ-૨૦૨૨ પછી સૌથી વધું ૧૯ જહાજ ભંગાવવા માટે આખરી સફર ખેડી અલંગ પહોંચ્યા હતા. જેના કારણે અલંગ જહાજવાડા ઉપર દોઢ વર્ષથી લાગેલું મંદીનું ગ્રહણ હટી જશે. તેવી આશા જાગી હતી. પરંતુ નવેમ્બર મહિનામાં એ આશા ઉપર પાણી ફરી વળ્યું હોય તેમ ગત માસમાં અલંગમાં ભંગાવા આવેલા જહાજની સંખ્યા માંડ ૧૦ રહી હતી. હજુ પણ ૨૦૨૩ના છેલ્લા મહિના ડિસેમ્બરમાં નોંધપાત્ર કહીં શકાય એટલા શિપ અલંગ પહોંચશે તેવી આશા ધૂંધળી છે. જેના કારણે આ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાઈ રોજગારી મેળવતા લોકોની ચિંતા વધી છે. ઉલ્લેખનીય છે કે, નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના છેલ્લા આઠ માસમાં અલંગની અંતિમ સફરે કુલ ૮૧ આવ્યા છે. તેમાં પણ છેલ્લા ત્રણ માસમાં જ અડધો અધડ જેટલા ૪૧ શિપ સ્ક્રેપ થવા આવ્યાનું નોંધાયું છે.
આ પણ વાંચો :-