ચારધામ યાત્રામાં સતત શ્રદ્ધાળુઓની ભીડ વધી રહી છે. જેના પગલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જાહેરાત કરી હતી કે ચાર ધામોમાં વીઆઈપી દર્શનની વ્યવસ્થા ૩૧ મે સુધી મોકૂફ રાખવામાં આવશે. આ પ્રતિબંધ પૂર્વે ૨૫ મે સુધી રાખવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ અધિકારીઓને ક્ષમતા મુજબ શ્રદ્ધાળુને ચાર ધામમાં મોકલવા જણાવ્યું છે.
ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રાતુરીએ પ્રવાસન સચિવ, ગઢવાલ ડિવિઝનના કમિશનર, એસપી અને જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યો છે કે, હવેથી મંદિરોથી ૫૦ મીટરની ત્રિજ્યામાં વીડિયોગ્રાફી, સોશિયલ મીડિયા રીલ્સ વગેરે ન કરવામાં આવે. આનાથી શ્રદ્ધા માટે તીર્થયાત્રા પર આવતા લોકોને મુશ્કેલી થાય છે અને તેમની ભાવનાઓને પણ ઠેસ પહોંચે છે. ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવી રહ્યા હોવાથી કેટલાક લોકો મંદિર પરિસરમાં રીલ બનાવવા કે વિડીયોગ્રાફી વગેરે કરીને બાકીના યાત્રિકો માટે મુશ્કેલી સર્જી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે આ નિર્ણય લીધો છે.
ચારધામ યાત્રા પર ભીડ વધવાના કારણે ઉત્તરાખંડ સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્ય સચિવ રાધા રાતુરીએ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓને સૂચના આપી છે કે યાત્રા પર આવનારા ભક્તો મંદિરની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં વીડિયો બનાવી શકશે નહીં કે મોબાઈલનો ઉપયોગ પણ કરી શકશે નહીં. જો કોઈ મોબાઈલનો ઉપયોગ કરતું જોવા મળશે તો પોલીસ તેને રોકશે તેમજ તેની સામે કાર્યવાહી પણ થઈ શકે છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે વરિષ્ઠ સરકારી અધિકારીઓએ દરરોજ મીડિયા બ્રીફિંગ કરવું જોઈએ જેથી કરીને ચારધામ યાત્રાની વ્યવસ્થા અંગેની માહિતી લોકો સુધી સ્પષ્ટ રીતે પહોંચે. તેમણે પોલીસ મહાનિર્દેશકને ટ્રાફિક વ્યવસ્થાપન અને ભીડ વ્યવસ્થાપન માટે વ્યક્તિગત રીતે સ્થળ નિરીક્ષણ કરવા સૂચના આપી હતી અને ચાર ધામોમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આ માટે જવાબદારી સોંપવામાં આવે. મુખ્યમંત્રીએ કહ્યું કે ચારધામ યાત્રા રાજ્યની જીવાદોરી છે. આ યાત્રા રાજ્યની અર્થવ્યવસ્થા સાથે પણ જોડાયેલી છે.
આ પણ વાંચો :-