Home Blog

ચીનને ટક્કર અને કોરિયા ચિત્ત! એશિયન ગેમ્સમાં શૂટિંગ રેન્જ પર ભારતીય શૂટર્સે મચાવી સનસનાટી

0

એશિયન ગેમ્સ 2026માં ભારતે શૂટિંગ રેન્જ પર જોરદાર વાપસી કરી છે. આજે ભારતીય ખેલાડીઓએ એક પછી એક બે મેડલ પોતાના નામે કર્યા છે . સુરુચી સિંહ અને કમલજીતની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંક્ષ પાટીલ અને નીરજ કુમારની ટીમે પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો.

સુરુચી અને કમલજીતે ફાઇનલમાં 484.6 પોઈન્ટ મેળવ્યા હતા. આ સાથે ભારતીય જોડીએ દમદાર પ્રદર્શન કરીને ગોલ્ડ પોતાના નામે કર્યું હતું. દક્ષિણ કોરિયાની ટીમ 478.0 પોઈન્ટ સાથે સિલ્વર અને ઈરાન 415.8 પોઈન્ટ સાથે બ્રોન્ઝ પર રહ્યું હતું. આ ગોલ્ડ સાથે ભારતે એશિયન ગેમ્સ 2026માં શૂટિંગનું પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યું છે.

બીજી તરફ 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સમાં ભારતીય ટીમે 1762 પોઈન્ટ સાથે સિલ્વર મેળવ્યુ હતું. ચીન 1766 પોઈન્ટ સાથે પ્રથમ રહ્યું જ્યારે ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર અને નીરજ કુમારે વ્યક્તિગત ફાઇનલ માટે પણ ક્વોલિફાય કર્યું છે.

આ બે મેડલ બાદ ભારતના ખાતામાં 2 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કુલ 19 મેડલ થયા છે. 25 સપ્ટેમ્બરના અપડેટ મુજબ ભારત મેડલ ટેલીમાં 15મા સ્થાને છે. અગાઉ મહિલા ક્રિકેટ ટીમે ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો હતો.

આ રીતે શૂટિંગમાં મળેલા આ બે મેડલે એશિયન ગેમ્સમાં ભારતના મેડલ અભિયાનને વધુ મજબૂતી આપી છે.

સુરતના કાપડ બજારમાં ફરી આગની ઘટના, ત્રીજા માળે આગ લાગતાં ફાયર વિભાગ દોડતું થયું

સુરતના ટેક્સટાઇલ હબમાં ફરી આગની ઘટના સામે આવી છે. કમેલા દરવાજા વિસ્તારમાં આવેલી રિજન્ટ ટેક્સટાઇલ માર્કેટના ત્રીજા માળે અચાનક આગ ભભૂકી ઊઠતાં વેપારીઓ અને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આગમાંથી નીકળતા ધુમાડાના ગોટેગોટા દૂરથી દેખાતા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.

ત્રીજા માળની દુકાનોમાં આગ

પ્રાથમિક માહિતી મુજબ રિજન્ટ ટેક્સટાઇલ માર્કેટના ત્રીજા માળે આગ લાગી હતી. માર્કેટમાં કાપડ સહિતનો જ્વલનશીલ માલસામાન હોવાથી આગ વધુ ફેલાય નહીં તે માટે ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. આગની જાણ થતાં માર્કેટમાં હાજર લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

10થી વધુ ફાયર ગાડીઓ ઘટનાસ્થળે

આગની જાણ થતાં સુરત ફાયર વિભાગની અલગ-અલગ ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. 10થી વધુ ફાયર ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ભારે ધુમાડા વચ્ચે આગને વધુ વિસ્તારમાં ફેલાતી અટકાવવા ફાયર જવાનોએ કામગીરી કરી હતી.

આગનું કારણ અને નુકસાન હજુ સ્પષ્ટ નથી

હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. શોર્ટ સર્કિટ સહિતની શક્યતાઓ અંગે ચર્ચા થઈ શકે છે, પરંતુ સત્તાવાર તપાસ પહેલાં કોઈ કારણ નક્કી કરી શકાય નહીં. આગમાં કેટલું નુકસાન થયું છે તેની ચોક્કસ વિગતો પણ હજુ સામે આવી નથી. પ્રાથમિક અહેવાલો મુજબ કોઈ જાનહાનિની માહિતી નથી. ફાયર વિભાગની તપાસ બાદ આગનું કારણ અને નુકસાનનો વાસ્તવિક આંકડો સ્પષ્ટ થશે.

આજે કોનું ભાગ્ય લેશે મોટો વળાંક? ૨૫ સપ્ટેમ્બરનું ૧૨ રાશિનું રાશિફળ વાંચી જાણો

૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ (Rashifal) રજૂ કરેલ છે:

​મેષ (Aries):
શુક્રવારના દિવસે ભૌતિક સુખ-સુવિધાઓ અને મનોરંજનના સાધનોમાં સારો વધારો જોવા મળશે. કાર્યક્ષેત્રે તમારી સર્જનાત્મકતા અને ઉત્સાહથી અટકેલા કામો સરળતાથી પૂર્ણ કરવામાં સફળતા મળશે. પરિવાર સાથે સાંજનો સમય હળવાશ, સુખ અને ખુશીથી વિતશે. આર્થિક સ્થિતિ સંતોષકારક રહેશે, પરંતુ મોજશોખ પાછળ બિનજરૂરી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ અને સ્ફૂર્તિલું રહેશે.


​વૃષભ (Taurus):
રાશિ સ્વામી શુક્રના શુભ પ્રભાવથી તમારા આત્મવિશ્વાસ, આકર્ષણ અને વ્યક્તિત્વમાં સુંદર નિખાર આવશે. વેપાર-ધંધામાં નવી ઉત્તમ ભાગીદારી કે મોટા આર્થિક સોદા પાર પડવાની પ્રબળ સંભાવના છે. કૌટુંબિક જીવનમાં સુખ-શાંતિ જળવાશે અને જીવનસાથી સાથેનો પરસ્પર તાલમેલ વધુ ગાઢ બનશે. નાણાકીય આયોજન સફળ નીવડશે અને જૂના રોકાણમાંથી સારો લાભ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને મન પ્રફુલ્લિત રહેશે.


​મિથુન (Gemini):
બૌદ્ધિક, કલાત્મક અને રચનાત્મક કાર્યો સાથે જોડાયેલા લોકોને આજે ધાર્યા પરિણામો પ્રાપ્ત થશે. મિત્રો અને સ્નેહીજનો સાથે મુલાકાત કે ટેલિફોનિક રસપ્રદ સંવાદથી દિવસ ઉત્સાહપૂર્ણ બની રહેશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને કળાના ક્ષેત્રે નવી ઉત્સાહજનક તકો સામે આવશે. યોગ્ય નાણાકીય આયોજન કરવાથી ભવિષ્યની આર્થિક ચિંતાઓ દૂર થશે. નાની અને લાભદાયી મુસાફરીનો યોગ રચાઈ રહ્યો છે.


​કર્ક (Cancer):
માનસિક શાંતિ જાળવી રાખવા માટે કલા, સંગીત કે આધ્યાત્મિક ચિંતનમાં સમય વિતાવવો ખૂબ લાભદાયી રહેશે. નોકરીમાં તમારી મહેનત અને સમર્પણની ઉપરી અધિકારીઓ દ્વારા યોગ્ય કદર થશે. પારિવારિક વાતાવરણ સ્નેહપૂર્ણ રહેશે અને ઘરની નવી સજાવટ પાછળ સમય વિતાવી શકો છો. નાણાકીય સ્થિતિ સંતુલિત રહેશે, છતાં ખાનપાનમાં સંયમ રાખવો જરૂરી છે. સાંજ પરિવાર સાથે આનંદમાં વિતશે.


​સિંહ (Leo):
આત્મવિશ્વાસ ઉત્તમ રહેશે અને સામાજિક વર્તુળમાં તમારી પ્રતિષ્ઠા, માન-સન્માન અને પ્રભાવમાં વધારો થશે. વ્યવસાયિક ક્ષેત્રે લીધેલા સાહસિક નિર્ણયો અને જૂના રોકાણોમાંથી સારો આર્થિક લાભ થશે. દાંપત્યજીવનમાં પ્રેમ, વિશ્વાસ અને પરસ્પર મધુરતા જળવાઈ રહેશે. મહત્વપૂર્ણ અંગત કે વ્યાવસાયિક નિર્ણયો લેવા માટે આજનો દિવસ અત્યંત અનુકૂળ સાબિત થશે. શારીરિક ઊર્જા ઉત્તમ સ્તરે રહેશે.


​કન્યા (Virgo):
કામકાજમાં આયોજનબદ્ધ રીતે આગળ વધવાથી તમામ નિર્ધારિત લક્ષ્યો સમયસર સરળતાથી સિદ્ધ થશે. નાણાકીય લેવડ-દેવડમાં ખાસ સાવચેતી રાખવી અને અજાણ્યા લોકોની લલચામણી વાતોમાં આવીને ખર્ચ ન કરવો. પરિવારના વડીલો તરફથી મહત્વપૂર્ણ સહયોગ અને સાચું માર્ગદર્શન પ્રાપ્ત થશે. નિયમિત યોગ અને વ્યાયામને પ્રાધાન્ય આપવાથી શારીરિક તાજગી જળવાશે. નકારાત્મક ચર્ચાઓથી દૂર રહેવું.


​તુલા (Libra):
રાશિ સ્વામી શુક્રની કૃપાથી ભાગ્યનો પૂરો સાથ મળશે અને આર્થિક સમૃદ્ધિમાં સારો વધારો થશે. વેપાર-ધંધામાં અપેક્ષા મુજબનો સારો નફો થવાના અને નવા પ્રભાવશાળી સંપર્કો બનવાના શુભ સંકેતો છે. ઘરમાં કોઈ માંગલિક કે ધાર્મિક કાર્યનું સુંદર આયોજન થઈ શકે છે. જૂની ગૂંચવાયેલી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળતાં મન શાંત અને ભારમુક્ત બનશે. દિવસભર ઉત્સાહ જળવાશે.


​વૃશ્ચિક (Scorpio):
કારકિર્દી અને વ્યવસાયમાં નવી ઉત્સાહજનક તકો સામે આવશે જે તમારા ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવશે. કાર્યક્ષેત્રે તમારો પ્રભાવ વધશે અને સહકર્મચારીઓ તરફથી સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી અટકેલા મહત્વના સરકારી કે કાનૂની કાર્યો સરળ બનશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને નવું કાર્ય શરૂ કરવાનો જોશ જળવાશે. આર્થિક લાભના નવા માર્ગો ખુલશે.


​ધન (Sagittarius):
ધાર્મિક અને સામાજિક કાર્યો પ્રત્યે રુચિ વધશે તેમજ દાન-પુણ્યમાં મન વિશેષ પરોવાયેલું રહેશે. લાંબા સમયથી અટકેલું કોઈ અગત્યનું કામ ભાગ્યના બળે સરળતાથી પૂરું થતું જણાશે. નાની યાત્રા લાભદાયી, શાંતિપૂર્ણ અને સુખદ સાબિત થઈ શકે છે. સંતાનો તરફથી કોઈ શુભ અને ગૌરવપૂર્ણ સમાચાર મળી શકે છે. મનમાં સકારાત્મક વિચારો રહેશે.


​મકર (Capricorn):
આજે દરેક કાર્યમાં સંયમ રાખવો અને ઉતાવળમાં કોઈ મોટો જોખમી આર્થિક નિર્ણય ન લેવો. કાર્યક્ષેત્રે પરિશ્રમ વધુ કરવો પડશે પરંતુ તેનું પરિણામ લાંબા ગાળે ઘણું સકારાત્મક અને ફળદાયી આવશે. નકારાત્મક ચર્ચાઓ, ક્રોધ કે વ્યર્થ વિવાદોથી સંપૂર્ણપણે દૂર રહેવું હિતાવહ છે. જીવનસાથીનો સહકાર મુશ્કેલ ક્ષણોમાં હિંમત પૂરી પાડશે. નિયમિત દિનચર્યા રાખવાથી સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.


​કુંભ (Aquarius):
ભાગીદારીના વ્યવસાયમાં સારો આર્થિક નફો થશે અને નવી વિસ્તરણ યોજનાઓ શરૂ કરવા માટે અનુકૂળ દિવસ છે. વૈવાહિક જીવનમાં મધુરતા વધશે અને પરસ્પર વિશ્વાસ વધુ મજબૂત તેમજ ગાઢ બનશે. તમારી નવીન વિચારસરણી અને રચનાત્મક સર્જનાત્મકતાની કાર્યસ્થળે ભારે પ્રશંસા થશે. આર્થિક સ્થિરતા અને અચાનક લાભ મળવાના યોગ સર્જાશે. સામાજિક ક્ષેત્રે માન વધશે.


​મીન (Pisces):
કાર્યસ્થળે તમારી મહેનતનું ધાર્યું અને સંતોષકારક પરિણામ પ્રાપ્ત થશે તેમજ વિરોધીઓ શાંત રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે ઇન્ટરવ્યુની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સંજોગો સર્જાશે. નાણાકીય બચતમાં વધારો થશે અને બિનજરૂરી ખર્ચાઓ પર સારો અંકુશ મેળવી શકશો. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે અને માનસિક તાજગી જળવાઈ રહેશે. સેવાકીય કાર્યોમાં રુચિ વધશે.

ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની વિપક્ષની તૈયારી

0

વિપક્ષ સંસદમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. એક અખબારની ઈન્વેસ્ટીંગ સ્ટોરી મુજબ ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં ચૂંટણી કમિશનના નિર્ણયો અને કામગીરી સામે ઓછામાં ઓછા 14 લેખિત વાંધાઓ ઉઠાવ્યા છે. આ અહેવાલ બાદ, ઘણા વિપક્ષી પક્ષોએ સંસદમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની માંગ કરી છે.

વિપક્ષનું કહેવું છે કે મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સહિત અનેક મુદ્દાઓ પર ચૂંટણી કમિશનની પ્રક્રિયા અને પારદર્શિતા અંગે પ્રશ્નો ઉભા થયા છે. વિરોધ પક્ષો કુમારને પદ પરથી હટાવવાની અને સમગ્ર મામલાની તપાસની માંગ કરી રહ્યા છે. દરમિયાન, ચૂંટણી પંચનું કહેવું છે કે તાજેતરના તમામ નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવ્યા છે અને અધિકારીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓ સામાન્ય નિર્ણય લેવાની પ્રક્રિયાનો ભાગ છે.

કોકરોચ જનતા પાર્ટી (CJP)એ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. પાર્ટીએ ચેતવણી આપી છે કે આ સમયગાળામાં રાજીનામું નહીં આપવામાં આવે તો દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન યોજાશે.

દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન CJPના સ્થાપક અભિજીત દીપકેએ જ્ઞાનેશ કુમાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે SIR પ્રક્રિયા મારફતે દેશમાં 13 કરોડથી વધુ મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે અને આ રીતે લોકોના મતાધિકાર પર અસર થઈ રહી છે.

તહેવારોને ટાંકણે લોકોને રાહત, સરકારે ઇમ્‍પોર્ટ ડયુટી ઘટાડતાં ખાદ્યતેલ સસ્‍તા થશે

0

દેશમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ખાદ્ય તેલના ભાવમાં થયેલા વધારા વચ્ચે કેન્દ્ર સરકારે તહેવારોની સિઝન પહેલાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે ક્રૂડ તથા રિફાઇન્ડ ખાદ્ય તેલ પરની મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. સરકારના આ નિર્ણયથી આયાત ખર્ચ ઘટવાની અને આગામી દિવસોમાં સ્થાનિક બજારમાં પામ, સોયાબીન તથા સૂર્યમુખી તેલના ભાવમાં રાહત મળવાની શક્યતા છે. દુર્ગા પૂજા, દશેરા, દિવાળી અને છઠ જેવા તહેવારો દરમિયાન ખાદ્ય તેલની માંગ વધતી હોવાથી આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

સરકારી ગેઝેટ નોટિફિકેશન મુજબ, ક્રૂડ પામ તેલ અને ક્રૂડ સોયાબીન તેલ પરની મૂળભૂત આયાત જકાત 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. બીજી તરફ, રિફાઇન્ડ પામ તેલ અને રિફાઇન્ડ સોયાબીન તેલ પરની ડ્યુટી 32.5 ટકાથી ઘટાડીને 27.5 ટકા કરવામાં આવી છે. ક્રૂડ સૂર્યમુખી તેલ પરની મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટી 10 ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે, જ્યારે રિફાઇન્ડ સૂર્યમુખી તેલ પરની ડ્યુટી 32.5 ટકાથી ઘટાડીને 22.5 ટકા કરવામાં આવી છે. આ નવા દરો 24 સપ્ટેમ્બર, 2026થી અમલમાં આવશે.

મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટી ઉપરાંત ખાદ્ય તેલની આયાત પર કૃષિ માળખાગત સુવિધા અને વિકાસ ઉપકર તથા સમાજ કલ્યાણ સરચાર્જ પણ લાગુ પડે છે. નવા નિર્ણય બાદ ક્રૂડ પામ અને સોયાબીન તેલ પરની કુલ આયાત જકાત અગાઉના 16.5 ટકાની સરખામણીએ ઘટીને 11 ટકા થશે. ક્રૂડ સૂર્યમુખી તેલ પરની કુલ જકાત પણ 16.5 ટકાથી ઘટીને 5.5 ટકા થશે. પરિણામે આયાતકારો અને રિફાઇનર્સ માટે વિદેશથી કાચું તેલ મંગાવવાનો ખર્ચ ઘટી શકે છે.

મુંબઈ સ્થિત વનસ્પતિ તેલ ક્ષેત્રના નિષ્ણાત સંદીપ બાજોરિયાના જણાવ્યા મુજબ, રિફાઇનર્સે આયાત ડ્યુટીમાં ઘટાડાની અપેક્ષાએ અગાઉ ખરીદીમાં સાવચેતી રાખી હતી. હવે તહેવારો દરમિયાન વધનારી માંગને ધ્યાનમાં રાખીને આયાતમાં વધારો થઈ શકે છે. પતંજલિ ફૂડ્સના આશિષ આચાર્યના મતે ડ્યુટી ઘટાડાથી સૂર્યમુખી તેલને ખાસ લાભ મળી શકે છે, કારણ કે રિફાઇનર્સ માટે તેની આયાત વધુ આકર્ષક બનશે. તેની અસર પામ અને સોયાબીન તેલની માંગ પર પણ પડી શકે છે.

ભારત પોતાની કુલ વનસ્પતિ તેલની જરૂરિયાતના લગભગ બે તૃતીયાંશ હિસ્સા માટે આયાત પર નિર્ભર છે. દેશ મલેશિયા, ઇન્ડોનેશિયા, આર્જેન્ટિના, રશિયા અને યુક્રેન જેવા દેશોમાંથી વિવિધ પ્રકારના ખાદ્ય તેલની આયાત કરે છે. છેલ્લા એક વર્ષમાં દેશમાં વનસ્પતિ તેલના ભાવમાં આશરે 20 ટકાનો વધારો નોંધાયો છે. હવે ડ્યુટીમાં ઘટાડાથી આયાતનો લેન્ડેડ કોસ્ટ ઘટે તો તેની અસર છૂટક બજાર સુધી પહોંચવાની શક્યતા છે. સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન તહેવારોને કારણે મીઠાઈ, નાસ્તા અને તળેલા ખાદ્યપદાર્થોની માંગ વધે છે. આવી સ્થિતિમાં સરકારનો આ નિર્ણય ખાદ્ય ફુગાવા પર પણ અસર કરી શકે છે અને ગ્રાહકોને આગામી તહેવારોમાં ખાદ્ય તેલના ભાવમાં રાહત મળવાની આશા ઊભી થઈ છે.

ફરી એકવાર મુકેશ અંબાણીને પછાડી ગૌતમ અદાણી નંબર વન ધનિક ; ભારતના સૌથી ધનિક પરિવારોમાં પણ વધારો થયો

0

ભારતના વ્યાપાર જગતમાં ફરી એકવાર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. M3M હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026 માં ગૌતમ અદાણી અને તેમનો પરિવાર દેશનો સૌથી ધનિક પરિવાર બન્યો છે. અદાણી પરિવારની કુલ સંપત્તિ હવે ₹9.23 લાખ કરોડ હોવાનો અંદાજ છે, જ્યારે ગયા વર્ષે ₹8.63 લાખ કરોડની સંપત્તિ સાથે ટોચનું સ્થાન ધરાવનાર મુકેશ અંબાણી અને તેમનો પરિવાર આ યાદીમાં બીજા સ્થાને છે. એક વર્ષમાં અદાણી પરિવારની સંપત્તિમાં 13 ટકાનો વધારો થયો છે, જ્યારે અંબાણી પરિવારની સંપત્તિમાં 10 ટકાનો ઘટાડો થયો છે.

હુરુન રિપોર્ટ અનુસાર, ભારતમાં હવે 391 અબજપતિઓ છે જેમની સંપત્તિ 1 અબજ યુએસ ડોલર કે તેથી વધુ છે. પાંચ વર્ષ પહેલાં, આવા 237 અબજપતિ હતા. દરમિયાન, ઓછામાં ઓછા ₹1000 કરોડની સંપત્તિ ધરાવતા ભારતીયોની સંખ્યા વધીને 1810 થઈ ગઈ છે. તેમની સંયુક્ત સંપત્તિ ₹187.5 લાખ કરોડ છે, જે ભારતના અર્થતંત્રના લગભગ અડધા કદ જેટલી છે. આનો અર્થ એ છે કે ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધી રહી છે, પરંતુ દેશમાં નોંધપાત્ર પ્રમાણમાં નવી સંપત્તિનું પણ સર્જન થઈ રહ્યું છે.

નોંધનીય છે કે, આ સંપત્તિમાં વધારો શેરબજારની નબળી પ્રવૃત્તિના સમયે થયો છે. આ સમયગાળા દરમિયાન, સૂચિબદ્ધ લોકોની કુલ સંપત્તિમાં 12.8 ટકાનો વધારો થયો હતો, જ્યારે નિફ્ટી 50 માં 3.9 ટકા અને સેન્સેક્સમાં 5.8 ટકાનો ઘટાડો થયો હતો. આનો અર્થ એ થયો કે આ સંપત્તિ ચિત્રને ફક્ત શેરબજારમાં તેજીના પ્રતિબિંબ તરીકે અર્થઘટન કરવું ખોટું હશે. વ્યવસાયિક હિસ્સો, કંપની મૂલ્યાંકન, ઓર્ડર બુક, ઉત્પાદન ક્ષમતા, માળખાગત રોકાણ અને નિકાસ માંગ જેવા પરિબળો આ વૃદ્ધિમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.

આ દરમિયાન, ભારતના સૌથી ધનિક પરિવારોનું ચિત્ર પણ બદલાઈ રહ્યું છે. એલ.એન. મિત્તલ પરિવાર 93 ટકાના ઉછાળા સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે, જેની સંપત્તિ ₹3.39 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. અનિલ અગ્રવાલ પરિવાર 87 ટકાના ઉછાળા સાથે નવમા સ્થાને પહોંચ્યો છે, જ્યારે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ સાથે સંકળાયેલ સમીર મહેતા પરિવાર 52 ટકાના વધારા પછી ટોચના દસમાં સ્થાન મેળવ્યું છે.

જમુઈ પછી સમસ્તીપુરમાં શરમજનક કાંડ ! સગીરાને રસ્તા વચ્ચે ઘેરી શખ્સોએ કરી અભદ્રતા

0

બિહારના સમસ્તીપુર જિલ્લામાં સગીરા સાથે રસ્તા વચ્ચે અભદ્ર વર્તન કર્યાની શરમજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, કેટલાક શખ્સોએ સગીરાને રસ્તા પર ઘેરી લીધી હતી અને તેની સાથે અભદ્રતા કરી હતી. ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. મામલો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને સંડોવાયેલા શખ્સો સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

સગીરા સાથે યુવકોની ગેરવર્તણૂક, વીડિયો વાયરલ

કિશોરના ત્યાંથી જતા રહ્યા બાદ એકલી પડેલી સગીરાને કેટલાક યુવકોએ ઘેરી લીધી હતી. આ દરમિયાન તેની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં સગીરા યુવકોનો વિરોધ કરતી અને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે.

આરોપ છે કે યુવકો સગીરા પર દબાણ કરી તેનું સરનામું પૂછી રહ્યા હતા. સગીરાએ સાથે આવેલા કિશોરને પોતાનો ભાઈ ગણાવતા યુવકોએ તેની સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો કોઈ વ્યક્તિએ મોબાઈલમાં રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જે બાદમાં વાયરલ થયો હતો.

વીડિયો સામે આવતા પોલીસની કાર્યવાહી

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમસ્તીપુર પોલીસ હરકતમાં આવી હતી. સમસ્તીપુરના એસપી અરવિંદ પ્રતાપ સિંહે ઘટનાની પુષ્ટિ કરી તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. પોલીસે વીડિયો અને અન્ય માહિતીના આધારે સંડોવાયેલા યુવકોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 600 પોઈન્ટનો કડાકો!

0

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ, ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ અને વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ સહિતના પરિબળોને કારણે આજે સ્થાનિક શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડાને પગલે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો. 30 શેરો ધરાવતો સેન્સેક્સ 555 પોઈન્ટ ઘટીને 74,272.40 પર લાલ નિશાન સાથે ખુલ્યો હતો. સવારે 9:20 વાગ્યે, તે 643.55 પોઈન્ટ એટલે કે 0.86 ટકા ઘટીને 74,184.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

50 શેરો ધરાવતો નિફ્ટી 9:21 વાગ્યે 0.92 ટકા ઘટીને 215.30 પોઈન્ટ ઘટીને 23,231.50 પર લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. આજના બિઝનેસ પ્રારંભે નિફ્ટી 23,221.80 હતો. શેરબજારમાં ઘટાડા અંગે નિષ્ણાતોએ શું કહ્યું?

શેરબજારમાં ઘટાડા અંગે એક ફાઇનાન્શિયલ સર્વિસીસના નિષ્ણાતને ટાંકીને એક મીડિયાના અહેવાલ મુજબ ક્રૂડ ઓઇલના ભાવમાં 102 ડોલરથી ઉપરનો તીવ્ર વધારો અને યુએસ 10-વર્ષના બોન્ડ યીલ્ડ 5.11 ટકા સુધી વધવાને કારણે આજે સ્થાનિક શેરબજાર દબાણ હેઠળ રહેશે. બજારમાં હાલમાં ઝડપી સુધારાની શક્યતા ઓછી દેખાઈ રહી છે.

ગ્રેટર નોઈડા સ્લીપર બસ આગકાંડ: ડ્રાઈવર-કંડક્ટર ઝડપાયા, 9નાં મોત

0

મહોબા જઈ રહેલી સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનામાં ફરાર ડ્રાઈવર અને કંડક્ટરની પોલીસે ધરપકડ કરી છે. દિલ્હીથી મહોબા જઈ રહેલી બસમાં બુધવારે મોડી રાત્રે યમુના એક્સપ્રેસવે પર ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 9 લોકોનાં મોત થયા છે, જ્યારે 20થી વધુ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

મુખ્ય ફાયર ઓફિસર પ્રદીપ કુમારે જણાવ્યું કે બસમાં આગ લાગ્યા બાદ પોલીસ, બચાવકર્મીઓ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બસની અંદર તપાસ દરમિયાન 9 મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બસની એર કન્ડિશનિંગ સિસ્ટમમાં સ્પાર્ક અથવા વિસ્ફોટના કારણે એન્જિનના લુબ્રિકન્ટ ઓઇલમાં આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પોલીસે કેસ નોંધીને બસના ડ્રાઈવર અને કંડક્ટરની ધરપકડ કરી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને રૂ.2-2 લાખ અને ઘાયલોને રૂ.50-50 હજારની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

UNમાં ઝેલેન્સ્કીનું મોટું નિવેદન : ભારત સહિત 47 દેશોના નાગરિકોને લઈને રશિયા પર ગંભીર આરોપ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારત સહિત 47 દેશોના નાગરિકોનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે દાવો કર્યો કે રશિયા આ દેશોના નાગરિકોને યુક્રેન સામેના યુદ્ધમાં ઉપયોગ કરી રહ્યું છે.

ભારત સહિત 47 દેશોને શું અપીલ કરી?

ઝેલેન્સ્કીએ ભારત, ઘાના, નેપાળ, તાજિકિસ્તાન, યમન, કેન્યા, ઝિમ્બાબ્વે, ક્યુબા, બેલારુસ, સુદાન અને દક્ષિણ આફ્રિકા સહિત અનેક દેશોના નામ લીધા. તેમના દાવા મુજબ, કેટલાક નાગરિકોને છેતરપિંડી અથવા અન્ય રીતે રશિયા લઈ જઈને યુદ્ધમાં મોકલવામાં આવી રહ્યા છે.

તેમણે સંબંધિત દેશોની સરકારોને પોતાના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેમને યુદ્ધના મોરચે જતા અટકાવવા અપીલ કરી.

પુતિનને લઈને શું કહ્યું?

ઝેલેન્સ્કીએ કહ્યું કે કોઈપણ દેશે રશિયાને પોતાના નાગરિકોને યુદ્ધમાં સામેલ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. તેમણે રશિયાની યુદ્ધ કરવાની ક્ષમતા ઘટાડવા માટે તેના નાણાકીય સ્ત્રોતો પર વધુ દબાણ લાવવાની પણ અપીલ કરી.

રશિયા પર આર્થિક દબાણ વધારવાની માંગ

ઝેલેન્સ્કીએ રશિયાની આવકના સ્ત્રોતો મર્યાદિત કરવા અને તેના પર વધુ પ્રતિબંધો લાદવાની માંગ કરી. તેમના કહેવા મુજબ, રશિયાને મળતા નાણાં તેની યુદ્ધ કરવાની ક્ષમતાને જાળવી રાખવામાં મદદ કરે છે.

કાળા સમુદ્રમાં ભારતની ભૂમિકાનો ઉલ્લેખ

ઝેલેન્સ્કીએ કાળા સમુદ્રમાં સુરક્ષિત વ્યાપારી જહાજોની અવરજવર ફરી શરૂ કરવા માટે ભારત, ઈજિપ્ત અને તુર્કિયે દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે યુક્રેન દરિયાઈ યુદ્ધવિરામને સમર્થન આપવા તૈયાર છે અને હવે રશિયાના જવાબની રાહ જોઈ રહ્યું છે.

કાળા સમુદ્ર દ્વારા અનાજ સહિત જરૂરી ચીજવસ્તુઓની હેરફેર થતી હોવાથી સુરક્ષિત વેપારી અવરજવરનો મુદ્દો મહત્વપૂર્ણ છે.

શિયાળા પહેલાં યુક્રેન સામે પડકાર

ઝેલેન્સ્કીએ કહ્યું કે આગામી શિયાળો યુક્રેન માટે મુશ્કેલ બની શકે છે. રશિયાના મિસાઈલ અને ડ્રોન હુમલાઓ વચ્ચે યુક્રેનની હવાઈ સુરક્ષા વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો. અમેરિકા સાથેની ચર્ચામાં હવાઈ સુરક્ષા અને પેટ્રિયટ મિસાઈલનું ઉત્પાદન વધારવાનો મુદ્દો પણ ઉઠાવ્યાનો તેમણે ઉલ્લેખ કર્યો.