Home Blog

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

0

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા મળે છે, પરંતુ વિશાખાપટ્ટનમમાં ભગવાન ગણેશની વિશાળ મૂર્તિને ફૂલ-માળા કે લાઇટથી નહીં, પરંતુ લગભગ 1 કરોડ બંગડીઓથી સજાવવામાં આવી છે. દૂરથી જોતા બંગડીઓની આ સજાવટ મૂર્તિને એક અલગ જ ભવ્યતા આપે છે.

વિશાખાપટ્ટનમના ગાજુવાકા વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલી આ ગણેશ મૂર્તિ હાલમાં ભક્તો માટે ખાસ આકર્ષણ બની છે. મૂર્તિ પર બંગડીઓનો ઉપયોગ કરીને અનોખી ડિઝાઇન બનાવવામાં આવી છે. તેના માટે પહેલા બંગડીઓને એકસાથે ગોઠવીને લાંબી લડીઓ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આ લડીઓને મૂર્તિના અલગ-અલગ ભાગો પર સાવધાનીપૂર્વક લગાવવામાં આવે છે.

આ કામ દેખાવમાં જેટલું સુંદર છે, એટલું જ મહેનતભર્યું પણ છે. અનેક લોકો સાથે મળીને બંગડીઓ ગોઠવવાથી લઈને તેને મૂર્તિ પર લગાવવાનું કામ કરી રહ્યા છે. આખી સજાવટ પૂર્ણ થયા બાદ બાપ્પાની પ્રતિમા વધુ ભવ્ય અને આકર્ષક દેખાઈ રહી છે.

ગણેશ ચતુર્થી નિમિત્તે દેશભરમાં ભવ્ય પંડાલો અને વિવિધ થીમ આધારિત મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. તેમાં વિશાખાપટ્ટનમની 1 કરોડ બંગડીઓથી સજાવાયેલી ગણેશ મૂર્તિએ પોતાની અનોખી થીમને કારણે લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે.

આ સજાવટ પાછળ આયોજનકર્તાઓની લાંબા સમયથી ચાલી રહેલી મહેનત જોવા મળે છે. બાપ્પાની આ અનોખી ઝલકના વીડિયો પણ સોશિયલ મીડિયા પર લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું કે તે ઘરમાંથી કંઈ લઈ જાય તે પહેલાં જ મુશ્કેલીમાં ફસાઈ ગયો! નાના વરાછાની રાજારામ નગર સોસાયટીમાં એક બંધ બંગલામાં ઘૂસવાનો પ્રયાસ કરતી વખતે યુવક સ્ટીલની ગ્રીલમાં ફસાઈ ગયો હતો. બાદમાં આસપાસના લોકો એકઠા થયા હતા અને યુવકની આકરી સરભરા કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વાયરલ વીડિયોમાં એક અજાણ્યો યુવક મકાનની બારીની સ્ટીલની ગ્રીલ વચ્ચે ફસાયેલો જોવા મળે છે. તે બહાર નીકળવા માટે પ્રયાસ કરતો હતો પરંતુ ગ્રીલમાંથી બહાર આવી શકતો નહતો. દરમિયાન ત્યાં લોકો ભેગા થઈ ગયા હતા અને યુવક સાથે મારપીટ કરતા જોવા મળે છે. આ વીડિયો સામે આવતા ઘટનાની ચર્ચા શરૂ થઈ હતી.
ઘટનાનો વીડિયો વાયરલ થતાં કાપોદ્રા પોલીસ પણ તપાસમાં લાગી હતી.

પોલીસ તપાસ દરમિયાન યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, તેની ઓળખ અને ઘટનાની સમગ્ર પૃષ્ઠભૂમિ અંગે પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.

આ ઘટનાને લઈને ખાસ ચર્ચા એ છે કે ચોરીના ઇરાદે ઘૂસવાનો પ્રયાસ કરનાર શખ્સ પોતે જ બારીની ગ્રીલમાં ફસાઈ ગયો અને આખરે લોકોની નજરે ચડી ગયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને કારણે આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

0

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ મોટરસાઇકલ દોડતી જોઈને લોકો પણ થંભી ગયા! સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક યુવક જમીનથી ઊંચે બેઠેલી અનોખી બાઇકને સહેજ પણ ગભરાયા વિના ચલાવતો જોવા મળે છે. બાઇકનું આ અનોખું મોડિફિકેશન અને યુવકનું બેલેન્સ જોઈને યુઝર્સના મનમાં એક જ સવાલ ઊભો થયો છે—આટલી ઊંચાઈ પર બાઇકને કાબૂમાં રાખવી કેવી રીતે શક્ય બની?

વાયરલ વીડિયોમાં સામાન્ય દેખાતી મોટરસાઇકલને લોખંડના ઊંચા અને લાંબા સ્ટ્રક્ચર પર ફિટ કરવામાં આવી હોવાનું જોવા મળે છે. બાઇકના મૂળ બે પૈડાં ઉપરાંત નીચે વધારાના ચાર પૈડાં લગાવવામાં આવ્યા છે. આ કારણે આખી બાઇક રસ્તાથી ઘણા ફૂટ ઉપર ચાલતી દેખાય છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે યુવક આ અજોડ વાહનને રસ્તા પર આત્મવિશ્વાસ સાથે ચલાવી રહ્યો છે.

આ વીડિયો X પર પરથી શેર કરવામાં આવ્યો જેમાં પોસ્ટના કેપ્શનમાં છ ટાયરવાળી બાઇકને લઈને મજાકિયા અંદાજમાં લખવામાં આવ્યું હતું કે તેને ખૂબ દિમાગ લગાવીને બનાવવામાં આવી છે. ત્યારબાદ વીડિયો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ચર્ચામાં આવ્યો હતો.

વીડિયો વાયરલ થતાં યુઝર્સે યુવકના જુગાડ અને બેલેન્સિંગની પ્રશંસા કરી, જ્યારે કેટલાક લોકોએ આ પ્રયોગને જોખમી ગણાવ્યો હતો. ઘણા લોકોના મનમાં એ પણ સવાલ છે કે બાઇક ઊભી કરવામાં આવે ત્યારે સવાર જમીન સુધી પગ કેવી રીતે પહોંચાડતો હશે.

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

0

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ એક વાંદરો છે! રાયબરેલીના આ દંપતીએ પોતાના લાડકા ‘ચુનમુન’ માટે જે કર્યું, તેની પાછળની કહાની જાણશો તો કદાચ આંખો ભીની થઈ જશે.

રાયબરેલીના એક ઘરમાં કોઈ માણસ નહીં, પરંતુ એક વાંદરાને પરિવારના ‘દીકરા’ જેટલું સ્થાન મળ્યું હતું. તેના માટે અલગ રૂમ, ગરમીમાં AC અને શિયાળામાં હીટરની વ્યવસ્થા હતી. એટલું જ નહીં, આ દંપતીએ પોતાના લાડકા ‘ચુનમુન’ના ભવિષ્યની ચિંતા કરીને પોતાની મિલકત અને બચત તેના નામે કરવાની યોજના બનાવી હતી. તેમની આ કહાની આજે પણ લોકોનું ધ્યાન ખેંચે છે.

ઉત્તર પ્રદેશના રાયબરેલીના બ્રજેશ શ્રીવાસ્તવ અને તેમની પત્ની શબિસ્તાને સંતાન નહોતું. અહેવાલો અનુસાર, દંપતીએ વર્ષ 2004-05 દરમિયાન ચુનમુનને પોતાના ઘરમાં લાવ્યો હતો. તેની માતાના મૃત્યુ બાદ આ નાનકડા વાંદરાની સંભાળ લઈને તેને પોતાના બાળકની જેમ ઉછેરવામાં આવ્યો હતો.

ચુનમુન માટે ઘરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેના રૂમમાં AC અને હીટર હતો અને તેને ખાસ ખોરાક આપવામાં આવતો હતો. વર્ષ 2010માં તેના લગ્ન ‘બિટ્ટી’ નામની માદા વાંદરી સાથે કરાવવામાં આવ્યા હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે. લગ્નની વર્ષગાંઠે દંપતી ખાસ કાર્યક્રમ યોજાઇ છે.

દંપતીનું માનવું હતું કે ચુનમુન તેમના જીવનમાં આવ્યા બાદ તેમના વ્યવસાય અને આર્થિક સ્થિતિમાં સુધારો થયો હતો. તેને ધ્યાનમાં રાખીને તેમણે ચુનમુનના નામે ટ્રસ્ટ બનાવવાની અને ઘર, જમીન તથા બચત જેવી સંપત્તિ તેના ભવિષ્ય માટે રાખવાની યોજના બનાવી હતી. ટ્રસ્ટ દ્વારા વાંદરાઓના કલ્યાણ માટે પણ કામ કરવાની વાત કરવામાં આવી હતી.

આ કહાનીમાં સૌથી સ્પર્શી જાય તેવી વાત એ છે કે દંપતી માટે ચુનમુન માત્ર પાળતુ પ્રાણી નહોતું, પરંતુ પરિવારનો સભ્ય અને દીકરો હતો.

6 વર્ષ બાદ દિશા સાલિયાનના કેસમાં ઉદ્ધવ અને આદિત્ય ઠાકરેના નામ કેમ તપાસના દાયરામાં?

0

દિશા સાલિયાનના મોતને છ વર્ષ બાદ ફરી એકવાર મોટો વળાંક મળ્યો છે.આજે CBIએ આ મામલે FIR નોંધાવી છે. આ FIR બાદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે સહિત ડિનો મોરિયા, રિયા ચક્રવર્તી, સૂરજ પંચોલી અને અન્ય કેટલાંક લોકોના નામ તપાસના સંદર્ભમાં સામે આવ્યા છે અને આખો મામલો હવે CBIની તપાસ હેઠળ છે.

દિશા સાલિયાન દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર હતી. 8 જૂન 2020ના રોજ મુંબઈના માલાડ વિસ્તારમાં એક ઊંચી ઇમારત પરથી પડી જવાથી તેમનું મોત થયું હતું. શરૂઆતમાં મુંબઈ પોલીસે આ ઘટનાને અકસ્માતજન્ય મૃત્યુની તપાસ તરીકે હાથ ધરી હતી. બાદમાં પરિવાર તરફથી દિશાના મોતની પરિસ્થિતિ અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા અને વધુ તપાસની માંગ કરવામાં આવી હતી.

બોમ્બે હાઈકોર્ટે 2 સપ્ટેમ્બર 2026ના પોતાના આદેશમાં CBIને તપાસ સોંપી હતી. કોર્ટે CBIના મુંબઈ ક્ષેત્રના અધિકારીને અનુભવી અને વરિષ્ઠ તપાસ અધિકારી નિયુક્ત કરવા, દિશાના પિતા સતીશ સાલિયાનનું નિવેદન નોંધવા અને FIR દાખલ કરીને સમગ્ર ઘટનાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે અગાઉની તપાસને પર્યાપ્ત ન ગણાતી હોવાનું નોંધ્યું હતું.

11 સપ્ટેમ્બરે દિશાના પિતા સતીશ સાલિયાને CBI સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું. તેમના વકીલ નિલેશ ઓઝાએ મીડિયા સમક્ષ દિશા સાથે ગેંગરેપ અને હત્યા થઈ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા અને પુરાવા સાથે ચેડાં તથા કવર-અપની પણ તપાસની માંગ કરી હતી. સતીશ સાલિયાને પોતાના નિવેદનમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે, ડિનો મોરિયા, સૂરજ પંચોલી, રિયા અને શોવિક ચક્રવર્તી, સચિન વાઝે, પરમબીર સિંહ સહિત અનેક નામોનો ઉલ્લેખ કર્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

FIRમાં પોલીસ અધિકારીઓ, ફોરેન્સિક અધિકારીઓ, ડૉક્ટરો અને અન્ય સંબંધિત લોકોનો પણ ઉલ્લેખ થયો હોવાનું અહેવાલ છે. હવે CBI ઘટનાસ્થળ, અગાઉના તપાસ રેકોર્ડ અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરશે.

CBI તપાસમાંથી શું બહાર આવે છે તેના પર હવે સૌની નજર છે.

અમદાવાદમાં તૂટી પડ્યું મકાન, કાટમાળમાંથી આટલા લોકોને બહાર કઢાયા

0

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રવિવારે બપોરે અચાનક બે માળનું જૂનું મકાન ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. મકાનનો કાટમાળ ધસી પડતાં ચાર લોકો તેની નીચે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને કાટમાળમાં દટાયેલા તમામ ચાર લોકોને બહાર કાઢ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલી 45 વર્ષીય સોનલ રાણાનું મોત થયું હતું. અન્ય ત્રણ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના ખાડિયા વિસ્તારમાં આવેલી એક સાંકડી ગલીમાં બની હતી. જૂનું બે માળનું મકાન અચાનક ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

રેસ્ક્યૂ દરમિયાન ફાયરકર્મીઓએ શરૂઆતમાં બે લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ વધુ તપાસ અને કાટમાળ દૂર કરવાની કામગીરી કરીને બે મહિલાઓને પણ બહાર કાઢવામાં આવી હતી. બચાવાયેલા ચારેય લોકોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હાદસામાં 45 વર્ષીય સોનલ રાણા, 27 વર્ષીય જાનવી રાણા, 23 વર્ષીય પાર્થ રાણા અને 42 વર્ષીય આશાબેન કાટમાળ નીચે દટાયા હતા. સોનલ રાણાને સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર આલાપ શાહે તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. જાનવી રાણા, પાર્થ રાણા અને આશાબેનને ઈજાઓ થતાં તેમની સારવાર ચાલી રહી છે.

હાલ સુધી મકાન ધરાશાયી થવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સંબંધિત અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ બાદ જ મકાન અચાનક કેમ ધરાશાયી થયું તેની સત્તાવાર માહિતી સ્પષ્ટ થશે.

રેડ અલર્ટ પર અમદાવાદ! શહેરમાં ઠેરઠેર પાણી ભરાવાથી તંત્ર દોડતું થયું

0

અમદાવાદમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોની મુશ્કેલી વધી છે, જ્યારે કેટલાક અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં વાહનવ્યવહાર પર પણ અસર પડી છે. શહેરમાં આગામી કલાકોમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે અને કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે, તે જાણવું અમદાવાદીઓ માટે મહત્વનું બની રહ્યું છે.

14 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ રહ્યો હતો. સવારે 11 વાગ્યા સુધીમાં જોધપુર ઝોનમાં 71.50 મિમી વરસાદ નોંધાયો હતો. વટવા વિસ્તારમાં 79 મિમી અને લાંભામાં 81 મિમી વરસાદ નોંધાતા અનેક રસ્તાઓ પર પાણી ભરાયા હતા. શહેરમાં ભારે પાણી ભરાવાને કારણે એલસી-25 મકરબા રોડ અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી.

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે. અગાઉથી જ ભારે વરસાદને પગલે આશ્રમ રોડ, ઉસ્માનપુરા, એસજી હાઈવે, બોડકદેવ, વેજલપુર, પ્રહલાદનગર અને જોધપુર સહિતના વિસ્તારોમાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નરોડાના ઉમા સ્કૂલ રોડ અને કુબેરનગર આઈટીઆઈ અંડરપાસમાં પણ પાણી ભરાતા ટ્રાફિક વ્યવસ્થાને અસર પહોંચી હતી.

હવામાનની સ્થિતિને જોતા શહેર માટે ચિંતા હજી યથાવત છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રે 14 સપ્ટેમ્બર માટે ગુજરાત રિજનમાં અતિભારે વરસાદની સાથે ગાજવીજ અને વીજળીની શક્યતા દર્શાવી હતી. વધુમાં, 14 સપ્ટેમ્બરના સવારે 10 વાગ્યાના IMD નાઉકાસ્ટ મુજબ અમદાવાદમાં ભારે વરસાદની સાથે મધ્યમ ગાજવીજ અને 41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનના ઝાપટાંની શક્યતા દર્શાવવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં ક્લાઉડ-ટુ-ગ્રાઉન્ડ લાઇટનિંગની સંભાવના પણ 60 ટકાથી વધુ હોવાનું જણાવાયું હતું.

ભારે વરસાદને કારણે શહેરમાં પાણી ભરાવું, ટ્રાફિક ધીમો પડવો અને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર મુશ્કેલ બનવાની સ્થિતિ છે. તેથી વરસાદ દરમિયાન અંડરપાસ, નીચાણવાળા રસ્તા અને પાણી ભરાયેલા માર્ગો પર વાહન લઈને પસાર થતી વખતે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. અમદાવાદમાં મેઘમહેર સાથે હાલ શહેરી જનજીવન પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે.

ફરી યાદો તાજા થઈ ! એશિયા કપ જીત્યા પણ ટ્રોફી લેવાનો નન્નો ભણ્યો

0

મેદાન પર ભારતે શ્રીલંકાને હરાવી એશિયા કપની ટ્રોફી તો જીતી લીધી, પરંતુ મેચ પૂરો થયા બાદ જે થયું તેણે આખી ફાઈનલની ચર્ચા જ બદલી નાખી. ભારત આઠમી વખત ચેમ્પિયન બન્યું હોવા છતાં ટ્રોફી લેવા માટે ભારતીય ખેલાડીઓ પ્રેઝન્ટેશન મંચ પર પહોંચ્યા નહીં. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીની હાજરીમાં ભારતીય મહિલા ટીમ ટ્રોફી સ્વીકારવા મંચ પર પહોંચી નહીં.

ફાઈનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતે ૨૦ ઓવરમાં ૧૮૩/૫નો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ શરૂઆતથી જ શ્રીલંકાના બોલરો પર દબાણ બનાવ્યું અને પ્રથમ વિકેટ માટે ૧૨૯ રનની શાનદાર ભાગીદારી કરી હતી. શેફાલીએ માત્ર ૨૪ બોલમાં અડધી સદી પૂર્ણ કરી અને ૬૮ રનની આક્રમક ઇનિંગ રમી, જ્યારે મંધાનાએ ૫૯ રન ફટકાર્યા હતા.

૧૮૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતી શ્રીલંકાની ટીમ ભારતીય બોલિંગ સામે ટકી શકી નહીં અને ૨૦ ઓવરમાં ૧૧૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રી ચરણીએ ૪ વિકેટ લઈને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી, જ્યારે ભારતીય બોલિંગ યુનિટે સમગ્ર ઇનિંગ દરમિયાન શ્રીલંકા પર નિયંત્રણ જાળવી રાખ્યું હતું. ભારતે ૭૨ રનની જીત સાથે ખિતાબ પોતાના નામે કર્યો હતો.

જોકે, મુદાની વાત મેચ બાદ શરૂ થાય હતી. ટ્રોફી સેરેમનીમાં મોહસિન નકવી મંચ પર હાજર હતા, પરંતુ ભારતીય ખેલાડીઓએ તેમની પાસેથી ટ્રોફી સ્વીકારી નહીં. અહેવાલો મુજબ BCCIએ આ નિર્ણય અંગે ACCને અગાઉથી જાણ કરી હતી. સેરેમનીમાં વિલંબ થયો અને ભારતીય ટીમે પરંપરાગત રીતે મંચ પર ટ્રોફી લેવાનું ટાળ્યું હતું.

આ ઘટના ૨૦૨૫ની પુરુષ એશિયા કપ ફાઈનલની યાદ અપાવે છે, જ્યારે પાકિસ્તાન સામે ખિતાબ જીત્યા બાદ ભારતીય પુરુષ ટીમે પણ નકવીના હાથેથી ટ્રોફી સ્વીકારવાનું ટાળ્યું હતું.

ભારતની જીત નિશ્ચિત રહી, પરંતુ એશિયા કપની આ ફાઈનલ ટ્રોફી સેરેમનીના વિવાદને કારણે પણ લાંબા સમય સુધી યાદ રહેશે.

લવ મેરેજના 6 મહિના બાદ પત્નીનું શંકાસ્પદ મોત, Scorpio-N અને ₹30 લાખની માંગનો આરોપ

0

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના મુરાદનગરમાં નવવિવાહિતાના શંકાસ્પદ મૃત્યુના કેસે ચકચાર મચાવી છે. મૃતક આકૃતિ સિંહના ભાઈ પ્રભાતે પોલીસમાં ફરિયાદ કરી આરોપ લગાવ્યો છે કે લગ્ન બાદથી જ સાસરિયાઓ દ્વારા દહેજની માંગને લઈને તેની બહેનને માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવતી હતી. ખાસ કરીને રૂ.30 લાખ રોકડા અને સ્કોર્પિયો-N કારની માંગ કરવામાં આવતી હોવાનો આરોપ છે. આકૃતિના મૃત્યુ બાદ પોલીસે પતિ સહિત સાસરિયા પક્ષના લોકો સામે કેસ નોંધ્યો છે.

પરિવારના જણાવ્યા અનુસાર, આકૃતિ અને ગૌરવના લગ્ન પહેલા પણ દહેજને લઈને બંને પરિવારો વચ્ચે વિવાદ થયો હતો. શરૂઆતમાં લગ્ન નક્કી થયા બાદ ગાડી અને અન્ય દહેજની માંગને લઈને મામલો બગડ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે સંપર્ક ચાલુ રહ્યો અને પરિવારની મરજી વિરુદ્ધ બંનેએ લગ્ન કર્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. લગ્ન બાદ આકૃતિ ગૌરવ સાથે મુરાદનગરમાં રહેવા લાગી હતી.

ફરિયાદમાં આરોપ છે કે લગ્ન બાદ ફરી સ્કોર્પિયો-N અને રૂ.30 લાખની માંગ શરૂ થઈ હતી. માંગ પૂરી ન થવા પર આકૃતિને કથિત રીતે મારપીટ અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિવારનો દાવો છે કે આકૃતિએ ગુપ્ત રીતે પોતાના ભાઈને ફોન કરીને સાસરિયામાં થતી હેરાનગતિ વિશે જાણ કરી હતી.

ઘટના પહેલાં 7 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 9 વાગ્યે આકૃતિએ પોતાના ભાઈને ફોન કર્યો હતો. ફરિયાદ મુજબ તેણે પતિ ગૌરવ, સસરા રમેશ, સાસુ સરોજ અને નણંદો દ્વારા મારપીટ કરવામાં આવી રહી હોવાની વાત કહી હતી. થોડા સમય બાદ પરિવારને જાણ કરવામાં આવી કે આકૃતિ અગાસી પરથી નીચે પડી ગઈ છે. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

આકૃતિના મોત બાદ તેના ભાઈ પ્રભાતની ફરિયાદના આધારે પોલીસે ગૌરવ, રમેશ, સરોજ તેમજ નેહા અને સોની સહિત સાસરિયા પક્ષના લોકો સામે કેસ નોંધ્યો હતો. અહેવાલો અનુસાર, પોલીસએ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની ધારા 80, 85, 115(2), 352 તથા દહેજ પ્રતિબંધક કાયદાની કલમ 3/4 હેઠળ કાર્યવાહી કરી છે.

12 સપ્ટેમ્બરે પોલીસે બાતમીના આધારે ગૌરવની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ પૂછપરછ દરમિયાન દહેજ ન મળવા અંગેની નારાજગી અને રૂ.30 લાખ તથા સ્કોર્પિયો-Nની માંગ અંગેની વિગતો સામે આવી છે. જોકે, આકૃતિ ખરેખર કેવી રીતે અગાસી પરથી નીચે પડી અને તેના મૃત્યુ પાછળની ચોક્કસ પરિસ્થિતિ શું હતી, તે અંગે પોલીસ તપાસ હજુ ચાલુ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ઘટનાસ્થળના પુરાવા, CCTV તથા અન્ય તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી થવાની છે.

હાલમાં પતિ ગૌરવ પોલીસ કસ્ટડીમાં છે અને કેસમાં નામજોગ અન્ય આરોપીઓની ધરપકડ માટે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આરોપોની અંતિમ સત્યતા તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

પીએમ મોદી-પુતિન-શી જિનપિંગ પાછળ દેખાતા આ વ્યક્તિ કોણ? ચીન સાથે છે ખાસ કનેક્શન

BRICS સમિટની એક તસવીરમાં PM મોદી, પુતિન અને શી જિનપિંગ તો સૌની નજરે ચઢ્યા, પરંતુ આ ત્રણેય શક્તિશાળી નેતાઓની પાછળ ઊભેલી એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર અલગ જ ચર્ચા જગાવી છે. માત્ર 36 વર્ષના આ ભારતીય અધિકારીની હાજરી પાછળ એક ખાસ કારણ છે—ચીની ભાષા પર તેમની પકડ અને ભારત-ચીન કૂટનીતિનો ઊંડો અનુભવ. આખરે આ અધિકારી કોણ છે અને વિશ્વના મોટા નેતાઓ વચ્ચે તેમની શું ભૂમિકા હતી, તે જાણવું પણ એટલું જ રસપ્રદ છે.

સિદ્ધાર્થ બાબુ હાલમાં વિદેશ મંત્રાલયના ઈસ્ટ એશિયા વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે કાર્યરત છે. વિદેશ મંત્રાલયની સત્તાવાર ડિરેક્ટરીમાં પણ તેમનું નામ DS (EA) તરીકે નોંધાયેલું છે. આ વિભાગમાં ચીન સહિત પૂર્વ એશિયાના દેશો સંબંધિત મહત્વના મુદ્દાઓ સંભાળવામાં આવે છે.

BRICS સમિટ દરમિયાન મોદી અને શી જિનપિંગ વચ્ચેની વાતચીત સમયે સિદ્ધાર્થ બાબુની હાજરીનું મુખ્ય કારણ તેમની ચીની ભાષા પરની પકડ અને રાજદ્વારી અર્થઘટનની કુશળતા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. સંવેદનશીલ ઉચ્ચસ્તરીય વાતચીતમાં ભાષાનો અર્થ, સંદર્ભ અને કૂટનીતિક ભાવ યોગ્ય રીતે પહોંચાડવો મહત્વનો હોય છે. તેમની ચીનમાં રહેલી લાંબી પોસ્ટિંગ આ કામમાં ખાસ ઉપયોગી બની.

કોચી, કેરળના રહેવાસી સિદ્ધાર્થ બાબુએ 2012માં માર અથાનાસિયસ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું હતું. અભ્યાસ બાદ તેમણે ઈ-કોમર્સ ક્ષેત્રમાં કામ કર્યું, પરંતુ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં રસ વધતાં સિવિલ સર્વિસ તરફ વળ્યા. પ્રથમ પ્રયાસમાં સફળતા ન મળ્યા બાદ બીજા પ્રયાસમાં તેમણે ઓલ ઇન્ડિયા રેન્ક 15 મેળવી IFS પસંદ કર્યું.

ડિસેમ્બર 2017માં રાજદ્વારી કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમની પ્રથમ વિદેશી પોસ્ટિંગ બેઇજિંગમાં થઈ. 2018થી 2022 દરમિયાન તેમણે થર્ડ અને પછી સેકન્ડ સેક્રેટરી તરીકે સેવા આપી હતી. આ દરમિયાન ચીની ભાષા અને ચીન સંબંધિત બાબતોમાં તેમનો અનુભવ વધુ મજબૂત બન્યો હતો. બાદમાં તેઓ કેલિફોર્નિયામાં કાઉન્સલ રહ્યા અને મિડલબરી ઇન્સ્ટિટ્યૂટમાંથી ભાષા અર્થઘટન અને અનુવાદનો અભ્યાસ કર્યો હતો.

આ તેમની પહેલી હાઈ-પ્રોફાઇલ હાજરી નથી. જાન્યુઆરી 2026ના 77મા ગણતંત્ર દિવસ દરમિયાન પણ તેઓ વડાપ્રધાન મોદી અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન વચ્ચેની વાતચીતમાં ઇન્ટરપ્રિટર તરીકે જોવા મળ્યા હતા. BRICSની વાયરલ તસવીરે એકવાર ફરી બતાવ્યું છે કે વિશ્વના નેતાઓની નજર સામે ચાલતી કૂટનીતિ પાછળ આવા અધિકારીઓની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ હોય છે.