Home Blog

નેપાળ પૂરમાં ગુજરાતના ગુમ થયેલા લોકોના પરિવારજનોના DNA સેમ્પલ લેવાયા; હવે કેવી રીતે થશે ઓળખ?

નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત માટે ચિંતા હજુ યથાવત છે. રાજ્યના 30 લોકો, જેમાં NRI ગુજરાતીનો પણ સમાવેશ થાય છે, હજુ ગુમ અથવા સંપર્કવિહોણા છે. હવે તેમના પરિવારજનોને સ્વજનોની ઓળખ અંગે ચોક્કસ માહિતી મળી શકે તે માટે ગુજરાત સરકારે 29 ગુમ વ્યક્તિઓના નજીકના સગાંઓના DNA સેમ્પલ એકત્ર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે.

નેપાળ-તિબેટ સરહદ અને ભોટે કોશી નદી વિસ્તારમાં આવેલા પૂર બાદ અનેક લોકોનો સંપર્ક તૂટી ગયો હતો. ગુજરાતમાંથી પણ અનેક લોકો કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ પહોંચ્યા હતા. ગુમ થયેલા લોકોમાં અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ખેડા, ગાંધીનગર, સુરત, વલસાડ અને રાજકોટ સહિતના જિલ્લાઓના લોકોનો સમાવેશ થાય છે.

ગુજરાત સરકારનું Non-Resident Gujaratis Foundation (NRGF), સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અને જિલ્લા વહીવટીતંત્ર પરિવારજનો સાથે સતત સંપર્કમાં રહીને ઓળખ અને શોધ કામગીરીમાં સંકલન કરી રહ્યા છે. ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, જુનાગઢ અને રાજકોટની છ નિર્ધારિત લેબોરેટરીમાં DNA સેમ્પલિંગ અને પ્રોફાઇલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.

ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) પણ આ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. NFSUની 10 સભ્યોની ફોરેન્સિક ટીમ નેપાળમાં ઓળખ પ્રક્રિયામાં સહાય કરી રહી છે.

પૂરમાં મળેલા કેટલાક મૃતદેહો અને માનવ અવશેષોની સ્થિતિ ગંભીર હોવાથી પરંપરાગત ઓળખ મુશ્કેલ બની રહી છે. આવી સ્થિતિમાં DNA મેચિંગ ગુજરાતના પરિવારોને તેમના ગુમ થયેલા સ્વજનો અંગે ચોક્કસ માહિતી મેળવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, ઝાયડસ સ્કૂલમાં રજા જાહેર

0

અમદાવાદમાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં વાલીઓ અને શાળા તંત્રમાં ચકચાર મચી ગઈ છે. વેજલપુરની ઝાયડસ સ્કૂલ, બોપલની DPS સ્કૂલ અને થલતેજની ઉદગમ સ્કૂલને ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા હોવાનું સામે આવતાં તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ અને બોમ્બ સ્ક્વોડે શાળાઓમાં તપાસ શરૂ કરી છે.

માહિતી મળતાની સાથે જ સંબંધિત પોલીસ ટીમો શાળાઓ પર પહોંચી હતી. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને શાળા પરિસરો ખાલી કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત બહાર કાઢીને તપાસ માટે માર્ગ મોકળો કરવામાં આવ્યો હતો.

વેજલપુરની ઝાયડસ સ્કૂલના મેનેજમેન્ટે સાવચેતીના ભાગરૂપે રજા જાહેર કરી છે. વાલીઓને મેસેજ કરીને પોતાના બાળકોને શાળાએથી ઘરે લઈ જવા માટે જાણ કરવામાં આવી હતી. જેના પગલે અનેક વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. ફાયર વિભાગની બે ગાડીઓ સહિત પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમોએ પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

આ ઉપરાંત અમદાવાદ ફાયર બ્રિગેડના કંટ્રોલરૂમને પણ ધમકી અંગેનો સંદેશ મળતાં પ્રહલાદનગર ફાયર સ્ટેશનની ટીમોને તૈનાત કરવામાં આવી હતી.

DEO રોહિત ચૌધરીએ અન્ય શાળાઓને પણ પોતાના ઈ-મેઈલ આઈડી તપાસવા સૂચના આપી છે. કોઈ શાળાને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢીને તપાસમાં સહકાર આપવા જણાવાયું છે.

Appleના નવા Foldable Phone પર Samsungનો કટાક્ષ!

એપલના પ્રથમ ફોલ્ડેબલ iPhone Duoના લોન્ચ સાથે જ ટેક જગતમાં નવી ચર્ચા શરૂ થઈ છે, પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે સેમસંગના કટાક્ષે. એપલના નવા ફોલ્ડેબલ ફોનના લોંચ બાદ Samsung Mobile USએ સોશિયલ મીડિયા પર એક પછી એક પોસ્ટ કરીને કંપનીના નવા ડિવાઇસની મજાક ઉડાવી અને સંકેત આપ્યો કે ફોલ્ડેબલ ટેક્નોલોજી દુનિયામાં તે પહેલેથી ઘણું આગળ છે.

9 સપ્ટેમ્બર 2026ના Appleના લોન્ચ ઇવેન્ટમાં iPhone Duo રજૂ કરવામાં આવ્યો. Apple અનુસાર આ તેનો પહેલો ફોલ્ડેબલ iPhone છે, જેમાં 5.4 ઇંચની બહારની અને 7.6 ઇંચની અંદરની ડિસ્પ્લે છે.

આ દરમિયાન Samsung Mobile USએ X પર “So far, so same” લખીને Appleના નવા iPhone પર ટિપ્પણી કરી. ફોલ્ડેબલ ફોન અંગે Appleની જાહેરાત પહેલાં સેમસંગે પોતાના Galaxy Z TriFoldનો સંદર્ભ આપતાં “folding 3 ways” અંગે પોસ્ટ કરી હતી. iPhone Duo લોન્ચ થયા બાદ સેમસંગે સૌથી ચોંકાવનારી ટિપ્પણી કરી—“Let us know when you’re done reheating our leftovers.”

સેમસંગનો આ કટાક્ષ તેના લાંબા અનુભવ તરફ પણ ઈશારો કરે છે. કંપનીએ 2019માં Galaxy Fold લોન્ચ કરીને ફોલ્ડેબલ સ્માર્ટફોન કેટેગરીમાં પ્રવેશ કર્યો હતો. હવે Appleની એન્ટ્રી બાદ બંને દિગ્ગજ વચ્ચેની સ્પર્ધા માત્ર ફોનના ફીચર્સ પૂરતી નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર પણ રસપ્રદ બની છે.

આ નોકઝોકમાં ભાષા શીખવતી એપ Duolingo પણ જોડાઈ હતી, કારણ કે Appleના ફોલ્ડેબલ ફોનનું નામ ‘Duo’ છે.

ક્રૂડ ઓઈલ મોંઘું થયું તો ભારત પર શું અસર? શેરબજાર માટે પણ વધ્યો ખતરો

ક્રૂડ ઓઈલ ફરી એકવાર વૈશ્વિક બજારો માટે સૌથી મોટું ટેન્શન બની ગયું છે. અમેરિકા-ઈરાન વચ્ચે વધેલા સંઘર્ષ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજો પર હુમલાના કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય પર દબાણ વધ્યું છે. 9 સપ્ટેમ્બર 2026ના રોજ Brent ક્રૂડ થોડા સમય માટે $100ની ઉપર ગયું હતું અને દિવસના અંતે $101.21 પ્રતિ બેરલ પર સ્થિર થયું, જ્યારે WTI પણ લગભગ $96 સુધી પહોંચ્યું હતું.

આ સ્થિતિ વચ્ચે અમેરિકાની દિગ્ગજ ઇન્વેસ્ટમેન્ટ બેન્ક Goldman Sachsએ ચેતવણી આપી છે કે મધ્યપૂર્વમાં જહાજો પર હુમલા અને ઓઈલ સપ્લાયમાં લાંબા સમય સુધી વિક્ષેપ ચાલુ રહે તો Brent ક્રૂડની કિંમત $120 પ્રતિ બેરલથી પણ ઉપર જઈ શકે છે. Goldman Sachsના કોમોડિટીઝ રિસર્ચ હેડ ડાન સ્ટ્રુયવેનના જણાવ્યા મુજબ આ ખાસ કરીને ગંભીર સપ્લાય વિક્ષેપની સ્થિતિમાં શક્ય છે. બેન્કે 2026ના અંત માટે પણ પોતાનું Brent અનુમાન વધારીને આશરે $90 કર્યું છે.

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વના ઓઈલ ટ્રાન્ઝિટ રૂટ્સમાંથી એક છે. 2025ના પ્રથમ અર્ધમાં અહીંથી દરરોજ સરેરાશ 20.9 મિલિયન બેરલ, એટલે કે વૈશ્વિક પેટ્રોલિયમ વપરાશના આશરે 20% જેટલો પ્રવાહ પસાર થતો હતો.

ક્રૂડ મોંઘું બનવાથી ભારતનું આયાત બિલ, પરિવહન અને ઉત્પાદન ખર્ચ વધી શકે છે. પરિણામે મોંઘવારી પર દબાણ વધે તો કંપનીઓના નફા અને શેરબજારની સેન્ટિમેન્ટ પર પણ અસર પડી શકે છે. જોકે મોટો કડાકો નિશ્ચિત છે એવું કહેવું વહેલું છે.

નોંધ: રોકાણ પહેલાં નાણાકીય સલાહકારની સલાહ લો.

અહંકારની એકક્ષણ સંબંધોનો વિનાશ વેરવા માટે પુરતી-શ્રેણિક વિદાણી

માનવ જીવનમાં સંબંધો જેટલા મહત્વના છે, તેટલા જ નાજુક પણ છે. ઘણી વખત સંબંધો કોઈ મોટી ભૂલથી નહિ પરંતુ નાની વાતોને લાંબા સમય સુધી મનમાં રાખવાથી તૂટે છે. એક શબ્દ, એક ગેર સમજ કે અહંકારની એક ક્ષણ સંબંધોમાં મોટુ અંતર ઉભુ કરી શકે છે.

પર્યુષણમાં ક્ષમાભાવનું વિશેષ મહત્વ છે. જૈન દર્શન આપણને શીખવે છે કે, ક્ષમા માત્ર સામેવાળાને આપવાની ભેટ નથી, પરંતુ પોતાની જાતને પણ દ્વેષના ભારથી મુક્ત કરવાની પ્રક્રિયા છે.

કોઈએ આપણને દુ:ખ આપ્યું હોય ત્યારે મન કહે છે પહેલા એ માફી માંગે પરંતુ ક્ષમા માટે હંમેશા સામેવાળાની શરૂઆતની રાહ જોવી જરૂરી નથી. મૈત્રી ભાવ માટે પોતાનો અહંકાર મુકવો પડે છે. આજના પરિવારોમાં બે પેઢીઓ વચ્ચેના મતભેદ, સ્નેહી સબંધી વચ્ચેના મન દુ:ખ અને મિત્રતામાં આવેલ તિરાડો ઘણી વાર એક સરળ ક્ષમાથી દૂર થઈ શકે છે. પરંતુ ક્ષમાની શરૂઆત બીજા પાસેથી નહિ પણ પોતાની ભૂલ સ્વીકારવાથી થાય છે.

પર્યુષણ આપણને કહે છે કે સર્વ જીવો સાથેના મૈત્રીભાવ કરતા પોતાના અહંકારને મોટો ન બનાવવો અને મનની શાંતિ અને પ્રસન્નતા કરતા મતભેદો અને મનભેદોને વધુ કિમતી ન માનો. ક્યારેક, “મને માફ કરજો” વાક્ય સબંધને બચાવી લે છે અને “હું તમને માફ કરું છુ.” વાક્ય મનને મુક્ત કરી દે છે.

“સામો થાય આગ તો તમે થજો પાણી, આ છે પ્રભુ મહાવીરની વાણી.” પર્યુષણનો આ જ સંદેશ છે.

માત્ર ક્ષમાભાવના અહંકાર અને દ્વેષ ભાવથી મુક્ત કરવાની અકસીર ભાવના છે.

તમારા ઘરની વાતો કેટલી સુરક્ષિત? Smart TV અંગે સામે આવ્યો મોટો પ્રાઇવસીનો સવાલ

દીવાલોને કાન હોય છે સાંભળવામાં આવ્યું છે પણ હવે તોહ ટીવી પણ સાંભળી શકે છે એ દાવો સામે આવી રહ્યો છે. સ્માર્ટ ટીવીને આપણે મનોરંજનનું સાધન માનીએ છીએ, પરંતુ તાજેતરની એક તપાસે તેની પ્રાઇવસી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્વતંત્ર સુરક્ષા સંશોધકોએ કરેલી તપાસમાં કેટલાક LG OLED ટીવીમાં સ્ક્રીન બંધ અથવા સ્ટેન્ડબાય સ્થિતિમાં પણ માઇક્રોફોન ઓડિયો કેપ્ચર થતો હોવાનો દાવો કર્યો છે.

તપાસ દરમિયાન નેટવર્ક ટ્રાફિકનું વિશ્લેષણ કરતા સંશોધકો દ્વારા નેટવર્ક ટ્રાફિકનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સંશોધકોના જણાવ્યા મુજબ, LGના કેટલાક ટીવી લોકલ નેટવર્કને સ્કેન કરીને ફોન, સ્માર્ટવોચ અને અન્ય ડિવાઇસની માહિતી શોધી શકતા હતા. નજીકના Wi-Fi નેટવર્કના નામ અને સિગ્નલની તાકાત પણ એકત્ર થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સૌથી ગંભીર દાવો ઓડિયો રેકોર્ડિંગને લઈને છે. રિપોર્ટ મુજબ, ઇન્ટરનેટ કનેક્શન ન હોવા છતાં પરીક્ષણ દરમિયાન ટીવીએ ઓડિયો સ્થાનિક રીતે સ્ટોર કર્યો અને ફરી ઓનલાઈન થયા બાદ તેને મોકલવાની ક્ષમતા દર્શાવી હતી.

જોકે LGએ આ આરોપોને નકારી કાઢ્યા છે. કંપનીનું કહેવું છે કે વૉઇસ ડેટા ત્યારે જ પ્રોસેસ થાય છે જ્યારે રિમોટનું વૉઇસ બટન દબાવવામાં આવે અથવા અગાઉથી સક્રિય કરાયેલા ફાર-ફિલ્ડ ફીચરમાં “Hi LG” જેવા વેક-વર્ડથી ફંક્શન સક્રિય થાય. કંપનીએ ACR ફીચર પણ ઑપ્ટ-ઇન હોવાનો દાવો કર્યો છે.

થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે સુરતમાં રક્તદાન કેમ્પનું આયોજન

સુરત શહેર પોલીસ ઝોન-4 અને પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ગણેશોત્સવ નિમિત્તે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રક્તદાન કેમ્પ 11 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે. કેમ્પનું સ્થળ ઉદ્યોગ ભારતી વિદ્યાલય, રૂપા મિલની પાસે, GIDC કોલોની, ભાટલી બોય કંપની સામે, પાંડેસરા GIDC, સુરત રહેશે.

આ કેમ્પનો હેતુ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને જરૂરી રક્ત મળી રહે તે માટે લોકોમાં રક્તદાન અંગે જાગૃતિ લાવવાનો છે. આયોજકો દ્વારા નાગરિકોને મોટી સંખ્યામાં જોડાઈ રક્તદાન કરી જીવન બચાવવાની સેવાકીય પહેલમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.

“રક્તદાન… એ જ જીવનદાન… સેવા… સુરક્ષા… સહયોગ…”ના સંદેશ સાથે યોજાનાર આ કેમ્પમાં લોકોની હાજરીને ગૌરવની વાત ગણાવવામાં આવી છે.

સુરતની પાઠશાળાના પાર્થ ભટ્ટ એ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત રાજ્યસ્તરીય સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો

શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા વડનગરમાં આયોજિત શ્રાવણોત્સવ રાજ્યસ્તરીય સ્પર્ધા અંતર્ગત શ્રી શિવ મહિમ્ન સ્તોત્રની સ્પર્ધામાં સુરતની જાણીતી શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત પાઠશાળા ના વિદ્યાર્થી પાર્થ નિલેશભાઈ ભટ્ટ એ પ્રથમ ક્રમાંક મેળવી પાઠશાળા તથા સુરત શહેરનું ગૌરવ વધારેલ છે. આજ રોજ વડનગર ખાતે સન્માન કરી પુરસ્કૃત કરવામાં આવેલ છે.

Apple Eventમાં સૌથી મોટું સરપ્રાઇઝ: આવી ગયો પહેલો Foldable iPhone Duo

Appleના ચાહકો અને ટેક દુનિયા લાંબા સમયની રાહનો આખરે વિરામ આવ્યો છે. Appleના ખાસ લોન્ચ ઇવેન્ટમાં કંપનીએ પોતાનો પહેલો Foldable iPhone, iPhone Duo રજૂ કર્યો છે. સાથે જ iPhone 18 Pro અને iPhone 18 Pro Max પણ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટ નવા CEO John Ternus માટે ખાસ રહી, કારણ કે CEO બન્યા બાદ આ તેમની પહેલી મોટી એપલ ઈવેન્ટ હતી.

iPhone Duoની સૌથી મોટી ખાસિયત તેની ફોલ્ડેબલ ડિઝાઇન છે. Appleના જણાવ્યા અનુસાર ફોન ખોલ્યા પછી તેમાં 7.6 ઇંચનું આંતરિક ડિસ્પ્લે મળે છે, જ્યારે બંધ સ્થિતિમાં 5.4 ઇંચનું બહારનું ડિસ્પ્લે આપવામાં આવી છે. Apple તેને અત્યાર સુધીની iPhoneમાં સૌથી મોટી ડિસ્પ્લે ગણાવે છે. ફોનમાં નવી હીંજ ટેક્નોલોજી, પાતળી ડિઝાઇન અને A20 Pro ચિપ આપવામાં આવી છે. તેની શરૂઆતની કિંમત 1,999 ડોલર રાખવામાં આવી છે.

બીજી તરફ iPhone 18 Pro અને Pro Maxમાં 48MP Fusion Main Camera સાથે Variable Aperture, A20 Pro ચિપ અને સુધારેલી બેટરી પરફોર્મન્સ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. Appleએ તેને અત્યાર સુધીનું સૌથી અદ્યતન Pro કેમેરા સિસ્ટમ ગણાવ્યું છે.

આ ઇવેન્ટમાં Apple Watch Series 12, Apple Watch Ultra 4 અને AirPods 5 પણ રજૂ કરવામાં આવ્યા હતા. Series 12માં નવી Health Sensing System અને S11 ચિપ, જ્યારે AirPods 5માં Active Noise Cancellation સહિતના અપગ્રેડ આપવામાં આવ્યા છે.

ગુરુવારની ગ્રહચાલથી કોને મળશે લાભ? 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ

૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ રજૂ કરેલ છે:

​મેષ (Aries):
ગુરુવારના શુભ પ્રભાવથી જ્ઞાન, બુદ્ધિ અને નિર્ણયશક્તિમાં સારો વધારો થશે. કાર્યક્ષેત્રે વરિષ્ઠ અધિકારીઓ અને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે જેથી અટકેલા કામો આગળ વધશે. આર્થિક રીતે દિવસ લાભદાયક રહેશે અને જૂની ઉઘરાણી પરત મળવાના ઉત્તમ યોગ છે. પરિવાર સાથે સાંજનો સમય શાંતિ અને આનંદમાં વિતશે.


​વૃષભ (Taurus):
નાણાકીય આયોજન પર વિશેષ ધ્યાન આપવું અને બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ રાખવો હિતાવહ રહેશે. કાર્યસ્થળે નવી તકો સામે આવી શકે છે, પરંતુ કોઈપણ મોટો નિર્ણય લેતાં પહેલાં અનુભવીઓની સલાહ લેવી. કૌટુંબિક જીવનમાં સુમેળ અને શાંતિ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે, બહારના આહારથી બચવું.


​મિથુન (Gemini):
તમારી ઉત્તમ વાણીકળા અને તાર્કિક ક્ષમતાથી અટકેલા મહત્વના કાર્યો સરળતાથી પૂરા થશે. વેપાર-ધંધામાં નવી ભાગીદારી કે મોટા આર્થિક સોદા થવાની પૂરી સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો અનુકૂળ સમય છે. મિત્રો સાથે મુલાકાત મનને નવી તાજગી અને ખુશી આપશે.


​કર્ક (Cancer):
માનસિક શાંતિ જાળવી રાખવા માટે નકારાત્મક વિચારોથી દૂર રહેવું અને આધ્યાત્મિક કાર્યોમાં સમય પસાર કરવો. નોકરીમાં તમારી કાર્યનિષ્ઠાની યોગ્ય કદર થશે અને નવી જવાબદારીઓ મળી શકે છે. પરિવારના સભ્યો સાથે સ્નેહપૂર્ણ સંબંધો જળવાઈ રહેશે. ખાનપાનમાં સંયમ રાખવો જરૂરી છે.


​સિંહ (Leo):
આત્મવિશ્વાસ ઉત્તમ રહેશે અને તમારી નેતૃત્વ ક્ષમતાથી કાર્યક્ષેત્રે ધાર્યા પરિણામો પ્રાપ્ત થશે. સામાજિક વર્તુળમાં તમારી પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં સારો વધારો થશે. આર્થિક બાબતોમાં પ્રગતિ જોવા મળશે અને જૂના રોકાણોમાંથી ઉત્તમ લાભ મળશે. દાંપત્યજીવન સુખમય અને આનંદદાયક રહેશે.


​કન્યા (Virgo):
કામકાજનો બોજ વધુ હોવા છતાં યોગ્ય આયોજનથી તમે તમામ જવાબદારીઓ સમયસર પૂર્ણ કરી શકશો. નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી અને ઉતાવળા નિર્ણયો લેવાથી બચવું. પરિવારના સભ્યો તરફથી જરૂરી સહયોગ અને માર્ગદર્શન મળશે. ધ્યાન અને યોગ કરવાથી માનસિક હળવાશ અનુભવાશે.


​તુલા (Libra):
આજનો દિવસ તમારા માટે અત્યંત ભાગ્યશાળી અને આર્થિક સમૃદ્ધિ અપાવનારો સાબિત થશે. વેપાર-ધંધામાં સારો નફો મળવાના અને આવકના નવા સ્ત્રોત ઊભા થવાના શુભ યોગ છે. કૌટુંબિક વાતાવરણ આનંદમય રહેશે અને કોઈ શુભ સમાચાર મળી શકે છે. મન દિવસભર પ્રફુલ્લિત રહેશે.


​વૃશ્ચિક (Scorpio):
કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે અને વિરોધીઓ પર તમારો પ્રભાવ વધશે. કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ મજબૂત બનશે અને નવી યોજનાઓ સફળ થશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી મુશ્કેલ કાર્યો પણ સરળ બનશે. સ્વાસ્થ્ય ઊર્જાવાન અને સંતોષકારક રહેશે.


​ધન (Sagittarius):
રાશિ સ્વામી દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી ભાગ્યનો પૂરો સાથ મળશે અને અટકેલા કામો પૂર્ણ થવા લાગશે. ધાર્મિક પ્રવૃત્તિઓ, પૂજા-પાઠ કે દાન-પુણ્યમાં મન વિશેષ લાગશે. લાંબા અંતરની સુખદ અને લાભદાયી યાત્રાનો યોગ બની રહ્યો છે. સંતાનો તરફથી ઉત્સાહવર્ધક સમાચાર મળશે.


​મકર (Capricorn):
આજે દરેક કાર્યમાં ધીરજ અને સંયમ જાળવવો, વાદ-વિવાદ કે ઉગ્ર ચર્ચાઓથી દૂર રહેવું હિતાવહ છે. કાર્યક્ષેત્રે પરિશ્રમ વધુ કરવો પડશે પરંતુ તેનું પરિણામ ભવિષ્યમાં ફાયદાકારક રહેશે. નાણાકીય બાબતોમાં આયોજનપૂર્વક આગળ વધવું. નિયમિત દિનચર્યા રાખવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.


​કુંભ (Aquarius):
ભાગીદારીના વ્યવસાયમાં સારો આર્થિક લાભ થશે અને નવી યોજનાઓ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. વૈવાહિક જીવનમાં મધુરતા વધશે અને જીવનસાથી તરફથી મહત્વપૂર્ણ સહયોગ મળશે. તમારી સર્જનાત્મકતા અને નવીન વિચારોની પ્રશંસા થશે. સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે.


​મીન (Pisces):
રાશિ સ્વામી ગુરુના આશીર્વાદથી કાર્યક્ષેત્રે તમારી મહેનતનું શ્રેષ્ઠ અને ધાર્યું પરિણામ પ્રાપ્ત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળવાના યોગ છે. નાણાકીય બચતમાં વધારો થશે અને ખર્ચ પર સારો અંકુશ રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને આત્મસંતોષ મળશે.