રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયન સેનામાં સેવા આપી રહેલા ભારતીય નાગરિકોને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે. ભારત સરકારે જણાવ્યું છે કે રશિયન સશસ્ત્ર દળોમાં ભરતી થયેલા કુલ 227 ભારતીયોમાંથી 51ના મોત થયા છે, જ્યારે 139ને સેનામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. હવે રશિયન સેનામાં રહેલા બાકીના ભારતીયોને પણ વહેલી તકે સેવા મુક્ત કરાવી સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માટે મોસ્કો સાથે સતત વાતચીત ચાલી રહી છે.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ 31 ઓગસ્ટ 2026ના રોજ વિદેશ મંત્રાલયની બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતીય નાગરિકોની રશિયન સેનામાં ભરતીનો મુદ્દો ભારતે અનેક પ્રસંગોએ રશિયન સત્તાવાળાઓ સમક્ષ ઉઠાવ્યો છે. ભારત આ મામલે આગળ પણ રશિયા સાથે સતત સંપર્કમાં રહેશે.
મિસરીના જણાવ્યા પ્રમાણે, ભારતને અત્યાર સુધીમાં રશિયન સેનામાં ભરતી થયેલા 227 ભારતીય નાગરિકો અંગે માહિતી મળી છે. તેમાંથી 139ને સેવા મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે 51ના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. આ રીતે 37 ભારતીયોના કેસ હજુ બાકી છે. તેમની સ્થિતિ, ડિસ્ચાર્જ અને ભારત પરત લાવવાની પ્રક્રિયા અંગે રશિયન અધિકારીઓ સાથે ચર્ચા ચાલી રહી છે.
મોસ્કોમાં ભારતીય દૂતાવાસ પણ સમગ્ર મામલે સતત નજર રાખી રહ્યું છે. દૂતાવાસ રશિયન અધિકારીઓ સાથે સંકલન કરીને હજુ પણ સેવામાં રહેલા ભારતીયોને શક્ય તેટલી વહેલી તકે મુક્ત કરાવવા અને તેમના પરિવારજનો પાસે પરત મોકલવા માટે પ્રયાસ કરી રહ્યું છે.
વિદેશ મંત્રાલયનું આ નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બિશ્કેકમાં થયેલી મુલાકાત વચ્ચે આવ્યું છે. બંને નેતાઓની બેઠક દરમિયાન ભારત-રશિયા સંબંધો ઉપરાંત વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદીએ સંઘર્ષના ઉકેલ માટે સંવાદ અને કૂટનીતિના માર્ગ પર ભાર મૂક્યો હતો.
51 ભારતીયોના મોતની પુષ્ટિ બાદ રશિયન સેનામાં ભારતીયોની ભરતીનો મુદ્દો વધુ ગંભીર બન્યો છે. ભારત હવે બાકીના ભારતીયોને પણ વહેલી તકે રશિયન સેનામાંથી મુક્ત કરાવી દેશમાં પરત લાવવા માટે રાજદ્વારી પ્રયાસો કરી રહ્યું છે.

