Home Blog

વિદ્યાર્થીઓનું ભવિષ્ય વધુ સુરક્ષિત કરવા ગુજરાત સરકારનો આ નવો નિયમ

0

ગુજરાતમાં હવે શાળા સંચાલકોની મનમાની પર કડક લગામ કસવાની તૈયારી થઈ રહી છે. સરકારના નવા શિક્ષણ સુધારા બિલમાં શાળાની નોંધણીથી લઈને શિક્ષકોની ભરતી અને શાળા બંધ કરવાની પ્રક્રિયા સુધીના નિયમો કડક બનાવવાનો પ્રસ્તાવ છે. ખાસ કરીને મંજૂરી કે જરૂરી નોટિસ વિના શાળા બંધ કરનાર સંચાલકોને ₹20 લાખ સુધીનો દંડ અને જેલની જોગવાઈ પ્રસ્તાવિત થતાં શિક્ષણ ક્ષેત્રે ચર્ચા શરૂ થઈ છે.

ગુજરાત સરકાર દ્વારા Gujarat Secondary and Higher Secondary Education (Amendment) Bill, 2026 વિધાનસભામાં રજૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. બિલનો હેતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પર નિયમન વધુ મજબૂત કરવાનો છે.

પ્રસ્તાવિત જોગવાઈ મુજબ, બોર્ડની મંજૂરી વિના અથવા નિર્ધારિત પ્રક્રિયા અનુસર્યા વગર શાળા બંધ કરનાર સામે ₹20 લાખ સુધીનો દંડ થઈ શકે છે. શાળા બંધ કરતાં પહેલાં બોર્ડને ઓછામાં ઓછા છ મહિના અગાઉ નોટિસ આપવાની રહેશે. હાલની જોગવાઈની સરખામણીમાં દંડમાં મોટો વધારો સૂચવાયો છે.

નોંધણી વિના શાળા ચલાવવી પણ ભારે પડશે. આવી શાળા સામે ₹10 લાખથી ₹15 લાખ સુધીનો દંડ અને 1થી 2 વર્ષની જેલની જોગવાઈ પ્રસ્તાવિત છે. હાલનો દંડ ₹1 લાખથી ₹2 લાખ છે.

નિયમો વિરુદ્ધ આચાર્ય, શિક્ષક અથવા અન્ય સ્ટાફની નિમણૂક કરનાર સંચાલકો માટે દંડ ₹1,000થી વધારી ₹10 લાખ કરવાની દરખાસ્ત છે. શિક્ષક કે હેડમાસ્ટરના સસ્પેન્શન મામલે બોર્ડ દ્વારા અધિકૃત અધિકારીએ 45 દિવસમાં નિર્ણય લેવો પડશે, નહીં તો સસ્પેન્શન આપોઆપ રદ થવાની જોગવાઈ છે.

બિલમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ એજ્યુકેટરની નિમણૂક અને સરકારી સહાયિત શાળાઓને કાયદાકીય માળખામાં વધુ સ્પષ્ટ રીતે લાવવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ તમામ ફેરફારો બિલ પસાર થયા બાદ અમલમાં આવશે.

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી ભાજપ માટે કેમ કડવી સાબિત થઈ ?

રાજકોટ લોધિકા સહકારી ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપનો આંતરિક ડખો સપાટી પર આવી ગયો છે. ભાજપના મેન્ડેડ છતાં પાંચ બેઠકોની ચૂંટણીમાં બે બળવાખોરોએ બેઠકો પર વિજય મેળવતાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિતના દિગ્ગજ નેતાઓને મોટો રાજકીય ઝટકો ખમવો પડ્યો છે, તો જયેશ રાદડિયા જૂથનો હાથ ઉપર રહ્યો છે.

રાજકોટ-લોધિકા સંઘની કુલ 15 બેઠકોમાંથી 10 બેઠકો અગાઉ જ બિનહરીફ થઈ ગઈ હતી. ત્યારબાદ બાકી રહેલી પાંચ બેઠકો માટે 8 સપ્ટેમ્બરે મતદાન યોજાયું હતું. પાંચ બેઠકો માટે કુલ 21 મતદારોમાંથી 20 મતદારોએ મતદાન કર્યું હતું.


કુવાડવા જૂથ બેઠક પર ભાજપના મેન્ડેટ સામે ઉમેદવારી કરનાર નીતિન ચોવટિયાએ પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીને હરાવ્યા હતા. જ્યારે માધાપર બેઠક પર વિજય સખિયાએ પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજાને પરાજય આપ્યો હતો. આ બંને પરિણામોને ભાજપ માટે મોટા આંચકારૂપ ગણી શકાય કેમકે ભાજપે તેમના સભ્યોને વ્હિપ આપ્યો હતો. એમ છતાં તેને અવગણીને મતદાન થયું હોય એમ બે બળવાખોરો જીતી ગયા હતા.


ત્રંબા બેઠક પર બંને ઉમેદવારોને સમાન મત મળતાં ટાઈ થયું હતું. ત્યારબાદ ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં ભાજપના મેન્ડેટવાળા નીતિન રૈયાણી વિજેતા જાહેર થયા હતા. હલેન્ડા બેઠક પર મહેશ આસોદરિયા અને ખોખડદડ બેઠક પર બાબુ નસીતનો વિજય થયો હતો. પરિણામે પાંચમાંથી ત્રણ બેઠકો રાદડિયા જૂથના ગજવામાં ગઈ હોવાનું જાણવા મળે છે.

આ ચૂંટણીના પરિણામે રાજકોટના સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા જૂથની પકડ વધુ મજબૂત થઈ હોવાનું પુરવાર કર્યું છે.

પંજાબી સિંગર એમી વિર્ક કેનેડામાં કેમ ચર્ચાએ ચઢ્યોે, એ જાણો

કૅનેડામાં પંજાબી ગાયક-અભિનેતા એમી વિર્કના કોન્સર્ટ બાદ બનેલી ફાયરિંગની ઘટનાએ ચકચાર મચાવી છે. બ્રિટિશ કોલંબિયાના એબોટ્સફોર્ડમાં એક કારને ડાર્ક કલરની SUVમાંથી અનેક ગોળીઓ મારવામાં આવી હતી. પોલીસ મુજબ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ સમગ્ર મામલો હવે ગંભીર તપાસ હેઠળ છે.

એબોટ્સફોર્ડ પોલીસના જણાવ્યા મુજબ, શનિવાર, 5 સપ્ટેમ્બરની રાત્રે 11 વાગ્યા બાદ મેકકેલમ રોડના 2500-બ્લોકમાંથી પસાર થતી એક કાર પર બીજી ગાડીમાં સવાર વ્યક્તિઓએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં આ હુમલો ટાર્ગેટેડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની તપાસ મેજર ક્રાઇમ યુનિટ કરી રહી છે.

ફાયરિંગની ઘટના બાદ થોડા સમય પછી સનીસાઇડ પ્લેસના 2400-બ્લોકમાં એક SUV સંપૂર્ણપણે આગની લપેટમાં મળી આવી હતી. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે આ આગ અને ફાયરિંગની ઘટના વચ્ચે કોઈ કનેક્શન છે કે નહીં.

એમી વિર્કે એ જ સાંજે એબોટ્સફોર્ડના Rogers Forumમાં ‘Unity Tour’ હેઠળ પરફોર્મ કર્યું હતું. વેન્યૂ અને ટિકિટિંગ રેકોર્ડ મુજબ તેમનો શો 5 સપ્ટેમ્બરે યોજાયો હતો.

કેટલાક ભારતીય અને ઇન્ડો-કેનેડિયન મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ફાયરિંગનો ભોગ બનેલી કાર વિર્કના કોન્સર્ટ કાફલાનો ભાગ હતી અને તેઓ તેમાં હાજર હતા. જોકે, એબોટ્સફોર્ડ પોલીસે ગોપનીયતાના કારણોસર કારમાં કોણ હતું તેની ઓળખ જાહેર કરી નથી.

હાલ સુધી કોઈ ધરપકડની જાહેરાત થઈ નથી. પોલીસે મેકકેલમ રોડ અને સનીસાઇડ પ્લેસ વિસ્તારમાં રહેલા સાક્ષીઓ તથા ડેશકેમ ફૂટેજ ધરાવતા લોકોને તપાસમાં સહકાર આપવા અપીલ કરી છે.

કોઇને જીવન આપી નહીં શકીએ નહીં તો કોઈનું જીવન છીનવી લેવાનો આપણને અધિકાર નથી : શ્રેણિક વિદાણી

જૈન ધર્મ ની ઓળખ અહિંસાથી થાય છે. “અમારિ” નો ભાવ એટલે મારવું નહીં, કોઈને ભય ન આપવું અને કોઈના અસ્તિત્વને નુકશાન ન પહોંચાડવું. અહિંસાનો વિસ્તાર માત્ર હાથ સુધી મર્યાદિત નથી, તે વિચાર, વાણી અને વ્યવહાર સુધી પહોંચે છે.

કોઈને કડવા શબ્દોથી દુ:ખ આપવું, અપમાન કરવું, ઈર્ષ્યાથી કોઇની નિંદા કરવી કે પોતાના સ્વાર્થ માટે બીજાને નુકશાન પહોંચાડવું… આ બધું પણ હિંસાના સૂક્ષ્મસ્વરૂપો છે. અહિંસા એટલે માત્ર કોઈને મારવું નહિ પણ કોઈના જીવનમાં અનાવશ્યક દુ:ખનું કારણ ન બનવું. જો આપણા સંપર્કમાં આવનાર વ્યક્તિને આપણા કારણે ભય નહિ પરંતુ શાંતિનો અનુભવ થાય તો અહિંસા આપણાં જીવનમાં ઉતરી છે એમ કહી શકાય.

    સ્થૂળ અને સૂક્ષ્મ એમ બંને પ્રકારે હિંસાથી બચવાનું છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિમાં પણ જીવ છે તેમ માનવામાં આવ્યું છે. નાનો કે મોટો દરેક જીવ જીવવાનું ઈચ્છે છે. મરવું કોઈને ગમતું નથી. આપણે જો કોઈને જીવન ન આપી શકીએ તો કોઈનું જીવન છીનવી લેવાનો આપણને અધિકાર નથી. ઓછામાં ઓછી હિંસાથી કેવી રીતે જીવી શકાય તેવી જીવનશૈલી જૈન પરંપરામાં બતાવવામાં આવી છે. જૈન સાધુઓ આ જીવનશૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જીવો અને જીવવા દો તેટલો જ માત્ર સંદેશ જૈન ધર્મનો નથી પરંતુ આપણા પ્રાણના ભોગે પણ બીજાના જીવની રક્ષા કરવા તત્પર રહો તેવો સંદેશ આપે છે. સ્વયંના જીવનમાં જીવદયાનું આચરણ કરવું અને પોતાની શક્તિ, સત્વ, સુઝ અને સંપત્તિનો ઉચિત ઉપયોગ કરીને જીવદયાનું પાલન કરાવવું તે પર્યુષણનો સંદેશ છે.

સુરતમાં મધરાતે ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, ધુમાડાથી મચી અફરાતફરી; કલાકો સુધી ફાયર બ્રિગેડની જહેમત

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં મધરાત બાદ લાગેલી ભીષણ આગે ભારે અફરાતફરી સર્જી હતી. માર્કેટના ઉપરના માળોમાં આગની જ્વાળાઓ સાથે કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની ગંભીરતાને પગલે ફાયર વિભાગે મેજર/બ્રિગેડ કોલ જાહેર કરીને શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે ખસેડ્યા હતા.

ફાયર કંટ્રોલ રૂમને રાત્રે આશરે 12:52 વાગ્યે આગ અંગેનો પહેલો કોલ મળ્યો હતો. ત્યારબાદ ત્રણ ફાયર સ્ટેશનમાંથી શરૂઆતની ટીમો રવાના કરવામાં આવી હતી. સ્થળ પર પહોંચેલા ફાયરકર્મીઓને માર્કેટના ચોથા અને પાંચમા માળે આગની જ્વાળાઓ અને ભારે ધુમાડો જોવા મળ્યો હતો. આગની તીવ્રતા વધતા વધારાના ફાયર ટેન્ડરો પણ બોલાવવામાં આવ્યા હતા.

માર્કેટના માળની ઊંચાઈ સામાન્ય કરતાં વધારે હોવાથી આગ આશરે 30 મીટરની ઊંચાઈ પર પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવા ટર્નટેબલ લેડર, હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને અન્ય ફાયરફાઇટિંગ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અંદર ધુમાડો એટલો ગાઢ હતો કે ફાયરકર્મીઓ માટે દૃશ્યતા અત્યંત ઓછી થઈ ગઈ હતી. જરૂરી સલામતી સાધનો સાથે જવાનોને અંદર મોકલી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરાઈ હતી.

આગને કારણે માર્કેટમાં રાખવામાં આવેલો કાપડનો મોટો જથ્થો અને તૈયાર માલને નુકસાન થયું હતું. ખાસ કરીને કોમન પેસેજમાં રાખવામાં આવેલા કાપડ અને અન્ય સામાનને કારણે ફાયરકર્મીઓને આગ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હતી. ચારેય તરફથી બંધ બિલ્ડિંગમાં ધુમાડો ભરાતા બચાવ કામગીરી વધુ પડકારજનક બની હતી.

સાવચેતીના ભાગરૂપે સમગ્ર બિલ્ડિંગનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. આગનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.તાજા એહવાલ અનુસાર કોઈ જાનહાનિ થાય નથી.

એશિયા કપમાં લીગ મેચ બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટોપ પર

0

મહિલા એશિયા કપ 2026 હવે ખિતાબથી માત્ર બે જીત દૂર છે અને લીગ તબક્કો પૂરો થતા જ સેમિફાઇનલની ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. સૌથી ખાસ વાત એ છે કે ભારત અને શ્રીલંકાએ પોતાના-પોતાના ગ્રુપમાં એકપણ મેચ ગુમાવ્યા વગર ટોચનું સ્થાન મેળવ્યું છે અને બંને ગ્રુપની સરખામણીમાં ભારત નેટ રનરેટમાં આગળ હોવાથી ટોપ પર છે. જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશે પણ અંતિમ ચારની ટિકિટ મેળવી છે. હવે તમામની નજર નોકઆઉટ મુકાબલાઓ પર છે.

ગ્રુપ-Aમાં ભારતીય મહિલા ટીમે ત્રણેય લીગ મેચ જીતીને 6 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારતનો નેટ રનરેટ +5.471 રહ્યો, જે ગ્રુપમાં સૌથી વધુ છે. પાકિસ્તાન 4 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યું. થાઈલેન્ડના 2 પોઈન્ટ રહ્યા, જ્યારે હૉંગકૉંગ ચીનની ટીમને ત્રણેય મેચમાં પરાજય મળ્યો.

ગ્રુપ-Bમાં શ્રીલંકાએ પણ ત્રણેય મેચ જીતી 6 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું અને +2.730 નેટ રનરેટ નોંધાવ્યો. બાંગ્લાદેશ 4 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યું. 8 સપ્ટેમ્બરે બાંગ્લાદેશે UAEને 34 રને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. UAE 2 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહ્યું, જ્યારે ઇન્ડોનેશિયા કોઈ મેચ જીતી શક્યું નહીં.

હવે 10 સપ્ટેમ્બરે પ્રથમ સેમિફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ આમને-સામને થશે. જ્યારે 11 સપ્ટેમ્બરે બીજી સેમિફાઇનલમાં પાકિસ્તાનનો સામનો શ્રીલંકા સામે થશે. બંને સેમિફાઇનલના વિજેતાઓ 13 સપ્ટેમ્બરે ફાઇનલમાં ટકરાશે.

આ 4 રાશિઓ માટે આજનો દિવસ રહેશે સુપરહિટ! કરિયર, ધન અને પરિવારની બાબતમાં મળશે ખુશખબર

૯ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ રજૂ કરેલ છે:

​મેષ (Aries):
આજે તમારી કાર્યક્ષમતા અને નિર્ણાયક શક્તિમાં સારો વધારો જોવા મળશે. વેપાર અને વ્યવસાય ક્ષેત્રે નવા વિચારો અમલમાં મૂકવા માટે અનુકૂળ સમય છે. પરિવાર સાથે સાંજનો સમય હળવાશ અને ખુશીથી વિતશે. નાણાકીય દ્રષ્ટિએ સ્થિતિ મજબૂત રહેશે, પરંતુ આવેશમાં આવીને ઉતાવળા નિર્ણયો લેવાથી બચવું.


​વૃષભ (Taurus):
નાણાકીય આયોજન પર વિશેષ ધ્યાન આપવું અને બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ રાખવો હિતાવહ છે. કાર્યક્ષેત્રે સહકર્મીઓ સાથે સારો તાલમેલ જાળવી રાખવાથી મુશ્કેલ કામ પણ સરળ બનશે. કૌટુંબિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને માંગલિક વિષયો પર ચર્ચા થશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, આહારમાં નિયમિતતા રાખવી.


​મિથુન (Gemini):
બુધવારના દિવસે રાશિ સ્વામી બુધની કૃપાથી તમારી બુદ્ધિપ્રતિભા અને વાતચીતની કળાથી અટકેલા મહત્વના કાર્યો પૂર્ણ થશે. વેપાર-ધંધામાં નવા કરારો કે ભાગીદારી થવાની ઉત્તમ સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને સંશોધન કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો શ્રેષ્ઠ સમય છે. મિત્રો સાથેની મુલાકાત મનને પ્રફુલ્લિત કરશે.


​કર્ક (Cancer):
માનસિક શાંતિ જાળવી રાખવા માટે નકારાત્મક ચર્ચાઓ કે વિચારોથી દૂર રહેવું લાભદાયી રહેશે. નોકરીમાં તમારી મહેનત અને પ્રામાણિકતાની વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કદર થશે. પારિવારિક સંબંધોમાં સ્નેહ અને મધુરતા જળવાઈ રહેશે તથા જીવનસાથીનો પૂરો સાથ મળશે. આધ્યાત્મિક વિચારોમાં મન પરોવવું.


​સિંહ (Leo):
આત્મવિશ્વાસ ઉત્તમ રહેશે અને તમારી નેતૃત્વ ક્ષમતાથી કાર્યક્ષેત્રે ધાર્યા પરિણામો ઝડપથી પ્રાપ્ત થશે. સામાજિક વર્તુળમાં તમારી પ્રતિષ્ઠા અને પ્રભાવમાં સારો વધારો થશે. આર્થિક સ્થિતિ વધુ સુધરશે અને જૂના રોકાણોમાંથી ઉત્તમ લાભ મળશે. દાંપત્યજીવન સુખમય અને આનંદદાયક રહેશે.


​કન્યા (Virgo):
રાશિ સ્વામી બુધના પ્રભાવથી આજે કાર્યક્ષેત્રે યોગ્ય સમય વ્યવસ્થાપન જાળવીને તમામ લક્ષ્યો સરળતાથી પૂર્ણ કરી શકશો. નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી અને અજાણ્યા લોકો પર વધુ પડતો વિશ્વાસ ન કરવો. પરિવારના સભ્યો તરફથી જરૂરી સહયોગ મળશે. નિયમિત યોગ અને વ્યાયામથી સ્વાસ્થ્ય સારું રહેશે.


​તુલા (Libra):
આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી અને આર્થિક સમૃદ્ધિ અપાવનારો સાબિત થશે. વેપાર-ધંધામાં સારો નફો થવાના અને આવકના નવા સ્ત્રોત ઊભા થવાના શુભ સંકેતો છે. કૌટુંબિક વાતાવરણ આનંદમય રહેશે અને કોઈ શુભ સમાચાર મળી શકે છે. મન દિવસભર પ્રફુલ્લિત અને સકારાત્મક રહેશે.


​વૃશ્ચિક (Scorpio):
કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે અને વિરોધીઓ પર તમારો પ્રભાવ વધશે. કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ મજબૂત બનશે અને નવી જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી શકશો. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી મુશ્કેલ કાર્યો પણ સરળ બનશે. સ્વાસ્થ્ય ઊર્જાવાન અને સંતોષકારક રહેશે.


​ધન (Sagittarius):
ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે રુચિ વધશે અને દાન-પુણ્યમાં મન વિશેષ લાગશે. ભાગ્યનો પૂરો સાથ મળવાથી લાંબા સમયથી અટકેલા સરકારી કે ખાનગી કામો પૂર્ણ થવા લાગશે. નાની અને લાભદાયી યાત્રાનો યોગ બની રહ્યો છે. સંતાનો તરફથી કોઈ ઉત્સાહવર્ધક સમાચાર મળશે.


​મકર (Capricorn):
આજે દરેક કાર્યમાં ધીરજ અને સંયમ રાખવો, વાદ-વિવાદ કે ઉગ્ર ચર્ચાઓથી દૂર રહેવું હિતાવહ છે. કાર્યક્ષેત્રે પરિશ્રમ વધુ કરવો પડશે પરંતુ તેનું પરિણામ લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. નાણાકીય બાબતોમાં આયોજનપૂર્વક આગળ વધવું જરૂરી છે. નિયમિત દિનચર્યા રાખવાથી સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.


​કુંભ (Aquarius):
ભાગીદારીના ધંધામાં સારો આર્થિક લાભ થશે અને નવી વ્યવસાયિક યોજનાઓ શરૂ કરવા માટે ઉત્તમ સમય છે. વૈવાહિક જીવનમાં મધુરતા વધશે અને જીવનસાથી તરફથી મહત્વપૂર્ણ સહયોગ મળશે. તમારી સર્જનાત્મકતા અને નવીન વિચારોની પ્રશંસા થશે. સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે.


​મીન (Pisces):
કાર્યસ્થળે સહકર્મીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે અને મહેનતનું ધાર્યું તેમજ સંતોષકારક પરિણામ પ્રાપ્ત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે. નાણાકીય બચતમાં વધારો થશે અને બિનજરૂરી ખર્ચ પર સારો અંકુશ રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને આત્મસંતોષ મળશે.

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થવાના સંકેત, ક્યારે અને ક્યાં પડશે ભારે વરસાદ?

0

ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદના વળતરના સંકેતો મળતા ખેડૂતો અને નાગરિકોમાં આશા જાગી છે. 9 સપ્ટેમ્બરના હવામાન વિભાગના તાજા અપડેટ મુજબ આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિમાં વધારો થવાની શક્યતા છે અને ખાસ કરીને 12 તથા 13 સપ્ટેમ્બરે ગુજરાત રિજનમાં ભારે વરસાદ સાથે ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે સૌરાષ્ટ્ર-કચ્છ માટે આ બંને દિવસોમાં ભારે વરસાદની સત્તાવાર ચેતવણી હાલ આપવામાં આવી નથી.

રાજ્યમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી વરસાદની ગતિ નબળી રહેતા ખેતી પર ચિંતા વધી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની ઘટને કારણે ખેડૂતો પાકના ભવિષ્યને લઈને ચિંતિત છે. આવી સ્થિતિમાં સપ્ટેમ્બરનો વરસાદ ખરીફ પાક માટે મહત્વનો બની શકે છે.

હવામાન વિભાગના 9 સપ્ટેમ્બરના બુલેટિન પ્રમાણે 9, 10 અને 11 સપ્ટેમ્બરે ગુજરાત રિજન માટે કોઈ ભારે વરસાદની ચેતવણી નથી. ત્યારબાદ 12 અને 13 સપ્ટેમ્બરે ભારે વરસાદની સાથે થંડરસ્ટોર્મ અને વીજળી પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

આ તરફ આપેલી હવામાન માહિતી મુજબ બંગાળની ખાડી અને તેની આસપાસ બનતી હવામાન પ્રણાલીની અસર ગુજરાત તરફ જોવા મળી શકે છે. પવનની સ્થિતિ અને સિસ્ટમની ગતિ અનુકૂળ રહે તો 12થી 16 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા છે.

ગુજરાતમાં વરસાદની સ્થિતિ જોકે તમામ વિસ્તારોમાં સરખી નથી. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીની સ્થિતિ તુલનાત્મક રીતે સારી રહી છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘટ વધુ નોંધાઈ રહી છે. આવા સમયે આગામી વરસાદ માત્ર તાપમાનમાં રાહત પૂરતો નહીં પરંતુ ખેતી માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

હાલની સત્તાવાર આગાહીને જોતા 12 અને 13 સપ્ટેમ્બર ગુજરાત માટે મહત્વના વરસાદી દિવસ બની શકે છે, પરંતુ ભારે વરસાદની આગાહીને સમગ્ર રાજ્યમાં એકસરખી ગણવી યોગ્ય નહીં રહે. ખેડૂતો અને સ્થાનિક તંત્રએ પોતાના વિસ્તારની જિલ્લા-વાર આગાહી પર નજર રાખવી જરૂરી રહેશે.

કોલસા અને કલર-કેમિકલ મોંઘા થતાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફરી હલચલ, આવતા સપ્તાહે મોટો નિર્ણય

અગાઉ તા ૨૭-૦૮-૨૦૨૬ના રોજ સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનની પ્રેસેસ હાઉસની તત્કાલીન પરિસ્થિતી પર ચર્ચા કરવા માટે સભા મળી હતી, જેમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ચર્ચાના અંતે પ્રેસેસ હાઉસના સભ્યોની સર્વાનુમતે માંગણી હતી કે પ્રોસેસર્સના જોબ ચાર્જમાં ૧૦ થી ૧૫ ટકા નો ભાવ વધારો કરવો તેમ નક્કી કરવામાં આવેલ હતું.

આજરોજ અગાઉ તા.૨૭-૦૮-૨૦૨૬ના રોજ મળેલ સભાના અનુસંધાનમાં ફરી એક મીટીંગનું આયોજન કરવા સભ્યોનું દબાણ આવતા એક મીટીંગ કરવામાં આવી હતી. મીટીંગમાં એકત્રીત તમામ સભ્યોએ માંગ કરી હતી કે તા:૨૭-૦૮-૨૦૨૬ના રોજ કરેલ ભાવ વધારા પછી આજદિન સુધીમાં કોલસા તેમજ કલર કેમીકલ્સના ભાવમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો થયો છે, માટે આવતા સપ્તાહમાં ફરી મીટીંગ બોલાવી પ્રોસેસના દરમાં ફરીથી ફેરબદલ કરવા નક્કી કરવા માટે સભા બોલાવવાનો નિર્ણય સર્વાનુંમતે કરવામાં આવ્યો હતો.

આજરોજ મળેલ મીટીંગમાં પ્રમુખશ્રી જીતુભાઈ વખારીઆ ઉપરાંત મુખ્ય વક્તાઓમાં શ્રી પ્રમોદભાઈ ચૌધરી, શ્રી મિતુલ મહેતા, શ્રી કમલવિજય તુલસ્યાન, શ્રી મનીષભાઈ અગ્રવાલ, શ્રી શ્યામજી અગ્રવાલ, શ્રી સુરેશભાઈ અગ્રવાલ હાજર રહ્યા હતા અને પોત-પોતાના વિચારો રજુ કર્યા હતા.

ભાજપ કાર્યાલયમાં દુઃખીયાના દુઃખ દૂર થાય એવા કામ કરજો : પીએમ મોદી

0

નવસારી ખાતે જિલ્લા ભાજપનું નવું બનેલું કાર્યાલય નમો કમલમનું ઉદ્ધાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભા સંબોધતા કાર્યકરોને ભાજપના કાર્યાલયમાં દુઃખીયાના દુઃખ દૂર થાય એવા કામ કરવા શીખ આપી હતી.


નવસારીમાં જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીની મુલાકાતે આવ્યા હતા. દેશનું પહેલું આર્ટીફિશિયલ ઈન્ટલિજન્સ આધારિત ભાજપ કાર્યાલય 10 કરોડના ખર્ચે તૈયાર થયું છે. આ કાર્યાલયનું નિરીક્ષણ કરી તેમાં રહેલી વિવિધ સુવિધાઓ જોઈને તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. એ બાદ જાહેર સભાના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જાહેર સંબોધન કર્યું હતું. તેમણે ગુજરાતીમાં સંબોધન કરવા સાથે સૌરાષ્ટ્રવાસીઓના પાન-મસાલા ખાવાની અને થૂકવાની કુટેવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દેશમાં સધાયેલા વિકાસની ગાથાનો ઉલ્લેખ કરવા સાથે અનેક વાતો કરી હતી. તેમણે પીએમ સ્વનિધિ યોજનાએ લારીવાળાઓનું જીવન બદલી નાખ્યું હોવાનું જણાવીને દેશના વિકાસના કામોનો પણ ઉલ્લેખ કર્યો હતો.


કાર્યકર્તાઓને મળવું એ પોતાને માટે એક અવસર સમાન હોવાનું જણાવીને વડાપ્રધાન મોદીએ ભાજપ કાર્યકરોની નિષ્ઠાને બિરદાવતા કહ્યું હતું કે ભાજપના કાર્યકરો માટે સત્તા, પદ, પ્રતિષ્ઠા એ ફક્ત સેવા જ છે.


એ પહેલાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ સંબોધન કર્યું હતું. તેમણે 7.8 ટકાનો વિકાસ દર પીએમ મોદીના નક્કર નેતૃત્વ અને પ્રગતિશીલ વિકાસનું પરિણામ હોવાનું જણાવ્યું હતું.
નવસારીના સાંસદ સી.આર.પાટીલે નવસારીમાં લારીવાળાઓને 700 સ્ટીલની લારી અને પીએમ સ્વનિધિ યોજનામાં લોન અપાશે એમ જણાવ્યું હતું.


આ પ્રસંગે એક બાળકી જેનિફર પટેલ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલઘેલી ભાષામાં વાતો કરી હતી. તેમણે પૂછ્યું હતું કે શું તું જેન-ઝી છે ? જો કે જેનિફરે તરત ના પાડતાં કહ્યું કે કે હું તો દુર્ગા માતા છું, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકીને કહ્યું કે તો પછી ભારતની રક્ષા કરજો.