મુંબઈ: બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલટન ભારતના ત્રણ દિવસીય પ્રવાસે મુંબઈ પહોંચ્યા છે. પ્રવાસના પ્રથમ દિવસે સોમવારે (16 નવેમ્બર) તેમણે ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેંડુલકર સાથે ગલી ક્રિકેટ રમીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ દરમિયાન શાહી દંપતીએ મુંબઈની પ્રખ્યાત કુલ્હડ ચાની પણ મજા માણી હતી.
મુંબઈના બેલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટને સ્થાનિક શાળાની વિદ્યાર્થિનીઓ સાથે ક્રિકેટ રમ્યું હતું. આ પ્રસંગે સચિન તેંડુલકર પણ તેમની સાથે જોડાયા હતા. પરંપરાગત ઢોલ-તાશાના નાદ સાથે શાહી દંપતીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ક્રિકેટ રમતી વખતે પ્રિન્સ વિલિયમે બેટિંગ કરી હતી, જ્યારે પ્રિન્સેસ કેટ મિડલટને પણ બેટિંગમાં હાથ અજમાવ્યો હતો. સચિન તેંડુલકરે બાળકો સાથે સમય વિતાવ્યો હતો અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
10 વર્ષ જૂનું વચન થયું પૂરું
આ મુલાકાત સચિન તેંડુલકર માટે પણ ખાસ રહી હતી. વર્ષ 2016માં જ્યારે પ્રિન્સ વિલિયમ અને કેટ ભારત આવ્યા હતા, ત્યારે તેમની સચિન સાથે મુલાકાત થઈ હતી. તે સમયે સચિને પ્રિન્સ વિલિયમને કહ્યું હતું કે આગામી મુલાકાતમાં તેઓ મેદાન પર નહીં, પરંતુ ગલી ક્રિકેટ રમશે. લગભગ 10 વર્ષ બાદ આ વચન પૂરું થયું હતું.
રસ્તાની કુલ્હડ ચાનો પણ લીધો સ્વાદ
ક્રિકેટ સેશન બાદ પ્રિન્સ વિલિયમ, કેટ મિડલટન અને સચિન તેંડુલકર એક વડના ઝાડ નીચે આવેલી ચાની દુકાને પહોંચ્યા હતા. અહીં તેમણે માટીના કુલ્હડમાં મુંબઈની પ્રખ્યાત કટિંગ ચા પીધી હતી.
મનોજ નામના સ્થાનિક ચા વેચનારે શાહી દંપતીને ચા પીરસી હતી. તેના જણાવ્યા અનુસાર, પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનને ચાનો સ્વાદ ખૂબ પસંદ આવ્યો હતો અને તેમણે ચાના વખાણ પણ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનનો આ ભારતનો બીજો સત્તાવાર પ્રવાસ છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ 17 નવેમ્બરે મુંબઈમાં યોજાનારા છઠ્ઠા વાર્ષિક ‘અર્થશોટ પ્રાઇઝ’ સમારોહમાં ભાગ લેવાનો છે. ત્યારબાદ તેઓ નવી દિલ્હી જઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે








