વોશિંગ્ટન: અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં પત્નીની હત્યાના આરોપનો સામનો કરી રહેલા ભારતીય મૂળના નરેશ ભટ્ટે કોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. નરેશ ભટ્ટે પત્ની મમતા કાફલે ભટ્ટની હત્યા કરી હોવાનો ઇનકાર કર્યો છે, પરંતુ તેનો મૃતદેહ કરવતથી કાપીને ટુકડા કર્યા હોવાનું સ્વીકાર્યું છે. તેના કહેવા પ્રમાણે, પત્નીએ આત્મહત્યા કરી હતી અને ત્યારબાદ ગભરાટમાં આવીને તેણે મૃતદેહ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.
પત્નીએ આત્મહત્યા કરી હોવાનો દાવો
કોર્ટમાં જુબાની આપતી વખતે નરેશ ભટ્ટે જણાવ્યું હતું કે 30 જુલાઈ, 2024ના રોજ વહેલી સવારે તે ઊઠ્યો ત્યારે પત્ની મમતા બેડરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. તેની આસપાસ ઊલટી પડી હતી અને નજીકમાં કેટલીક દવાઓ તથા અત્યંત ઝેરી જંતુનાશક દવા સેલ્ફોસનું પેકેટ પણ હતું.
નરેશના દાવા પ્રમાણે, તેણે લગભગ એક કલાક સુધી પત્નીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. CPR સહિતની સારવાર આપવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં પત્ની ભાનમાં આવી નહોતી. જોકે, પત્નીની હાલત જોઈને તેણે તાત્કાલિક ઇમરજન્સી નંબર 911 પર ફોન કેમ ન કર્યો તે અંગે તેણે કોર્ટમાં કહ્યું કે તે ખૂબ જ ગભરાઈ ગયો હતો.

મૃતદેહ છુપાવવા માટે કરવતનો ઉપયોગ કર્યો
નરેશ ભટ્ટે કોર્ટમાં સ્વીકાર્યું કે પત્નીનું મૃત્યુ થયું હોવાનું સમજાયા બાદ તેણે મૃતદેહને છુપાવવાનું વિચાર્યું હતું. શરૂઆતમાં મૃતદેહને નદીમાં ફેંકવાની યોજના બનાવી હતી. ત્યારબાદ તે મૃતદેહને કચરાના ડબ્બામાં નાખવા માગતો હતો, પરંતુ આખો મૃતદેહ તેમાં સમાતો ન હોવાથી તેણે કરવતથી શરીરના ભાગો અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો.
તેણે મૃતદેહને કચરાની થેલીઓમાં મૂકીને છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાની પણ કોર્ટમાં કબૂલાત કરી હતી.
બે વર્ષથી વધુ સમયથી પત્નીનો મૃતદેહ ગુમ
મમતા કાફલે ભટ્ટ 28 વર્ષની હતી અને વર્ષ 2024માં અચાનક ગુમ થઈ ગઈ હતી. 5 ઓગસ્ટ, 2024ના રોજ તે કામ પર ન પહોંચતાં તેની ગુમ થયાની જાણ થઈ હતી. ત્યારબાદ પોલીસ તપાસમાં દંપતીના બેડરૂમ અને બાથરૂમમાંથી લોહીના ડાઘ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન કરવત પણ મળી આવી હતી, જેના પર વાળના અંશ હોવાની માહિતી સામે આવી હતી.
22 ઓગસ્ટ, 2024ના રોજ નરેશ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તેના પર ફર્સ્ટ ડિગ્રી મર્ડર, મૃતદેહ સાથે છેડછાડ અને મૃતદેહ છુપાવવાના આરોપો હેઠળ કેસ ચાલી રહ્યો છે.
નોંધનીય છે કે બે વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં મમતાનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. નરેશ ભટ્ટે તમામ આરોપોમાં પોતાને નિર્દોષ ગણાવ્યો છે. હાલ અમેરિકાની કોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી છે અને નરેશના દાવાઓની સાથે સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓની પણ તપાસ થઈ રહી છે.








