ફ્લોરિડામાં ભયાનક વિમાન દુર્ઘટનાનો વીડિયો વાયરલ: આકાશમાંથી ઝડપભેર નીચે પડ્યું Learjet 60, જમીન સાથે અથડાતાં જ લાગેલી ભીષણ આગ; આસપાસના લોકોમાં ફેલાયો ભય
અમેરિકાના ફ્લોરિડામાં એક ભયાનક વિમાન દુર્ઘટનાની ઘટના સામે આવી છે. અહીં ટેક્સાસથી બહામાસ જઈ રહેલું એક ખાનગી બિઝનેસ જેટ ઉડાન દરમિયાન અચાનક નીચે તૂટી પડ્યું હતું. આકાશમાંથી મિસાઇલની જેમ ઝડપભેર નીચે ધસી આવેલું Learjet 60 વિમાન જમીન સાથે અથડાતાં જ આગના વિશાળ ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 9 લોકોનાં મોત થયાં હતાં.
આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિમાન અચાનક આકાશમાંથી અનિયંત્રિત રીતે નીચે આવવા લાગે છે. આસપાસથી પસાર થતાં વાહનોમાં બેઠેલા લોકોએ આ ભયાનક દૃશ્ય પોતાના કેમેરામાં કેદ કર્યું હતું. થોડી જ ક્ષણોમાં વિમાન રસ્તાની નજીક જમીન સાથે જોરદાર રીતે અથડાયું હતું અને ત્યારબાદ ત્યાં આગનો વિશાળ ગોળો જોવા મળ્યો હતો.
વિમાન અથડાતાં આસપાસના વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. દુર્ઘટનાની તીવ્રતા એટલી વધારે હતી કે રસ્તા પર મોટું ગાબડું પડ્યું હતું અને વિમાનનો કાટમાળ દૂર સુધી વિખેરાઈ ગયો હતો. અમેરિકાના પરિવહન સચિવ સીન ડફીએ આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ નવ લોકોનાં મોત થયાની પુષ્ટિ કરી હતી.
રહેણાંક વિસ્તાર અને વાહનોનો આબાદ બચાવ
આ અકસ્માત દક્ષિણ ફ્લોરિડાના એક રહેણાંક વિસ્તારમાં મિલિટરી ટ્રેલ અને 10th એવન્યુ નોર્થ નજીક થયો હતો. વિમાન રહેણાંક ઇમારતોની અત્યંત નજીક જમીન સાથે અથડાયું હતું. આસપાસથી પસાર થતાં વાહનો પણ તેની અડફેટે આવતાં સહેજમાં બચી ગયાં હતાં. વિમાન ઘરો અને વાહનોથી થોડા અંતરે પડતાં મોટી જાનહાનિ ટળી હતી.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ના જણાવ્યા અનુસાર, આ ખાનગી બિઝનેસ જેટ ટેક્સાસના ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ ઇન્ટરનેશનલ એરપોર્ટથી બહામાસ તરફ જઈ રહ્યું હતું. જોકે, અકસ્માત સમયે વિમાનમાં સવાર લોકોની ઓળખ અંગે તાત્કાલિક માહિતી જાહેર કરવામાં આવી નહોતી.
બંને રસ્તાઓ બંધ, તપાસ શરૂ
દુર્ઘટનાની જાણ થતાં જ પામ બીચ કાઉન્ટી શેરિફ ઓફિસ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંને દિશાના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકોને અકસ્માત સ્થળથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી.
વિમાનનો કાટમાળ લાંબા સમય સુધી સળગતો રહ્યો હતો. આસપાસના વિસ્તારમાં આશરે બે કલાક સુધી વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. નજીકનાં મકાનોને કેટલું નુકસાન થયું છે તે અંગે શરૂઆતમાં સ્પષ્ટતા થઈ શકી નહોતી.
અમેરિકાની FAAએ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ની મદદથી આ દુર્ઘટનાની તપાસ શરૂ કરી છે. વિમાન અચાનક અનિયંત્રિત બનીને નીચે કેમ તૂટી પડ્યું અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ ચાલી રહી છે.








